સ્વીટી પટેલ સૂતી હતી ત્યારે જ પીઆઇ અજય દેસાઇએ તેણીનું ગળુ દબાવી ઠંડા કલેજે હત્યા કરી હતી અને બીજા દિવસે અટાલી ખાતે અવાવરૂ હોટલના સ્થળે કિરીટસિંહ જાડેજાની મદદથી લાશને સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો
અજય દેસાઇના પાપમાં ભાગીદાર કિરીટસિંહે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, પીઆઇ દેસાઇએ મને એવુ કહ્યું કે, મારી બહેન લગ્ન વગર કુંવારી ગર્ભવતી બની છે, એટલે એનું કાસળ કાઢવુ પડશે
ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ દ્વારા પીઆઇ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ – રિમાન્ડમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શકયતા
પીઆઇ અજય દેસાઇએ પોલીસ હોવા છતાં કાયદાના રક્ષકને બદલે ભક્ષકની ભૂમિકા નિભાવી છે. પોલીસે ખરેખર જનતાનું રક્ષણ કરવાનું હોય છે પરંતુ તેણે ભક્ષક બની ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું છે, તેથી અમે તેને સબક સમાન આકરી સજા કરાવવા માટેના પૂરતા પ્રયાસો કરીશું – ડીજીપી આશિષ ભાટિયા
અમદાવાદ,તા.25
વડોદરા સહિત સમગ્ર રાજયમાં જબરદસ્ત ચકચાર જગાવનાર સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે આજે આ કેસમાં હત્યારા પીઆઇ અજય એ.દેસાઇ અને તેના આ ગુનામાં સાથ આપી મદદગારી કરનાર કોંગ્રેસના સ્થાનિક નેતા કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે. બંને આરોપીઆના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજીબાજુ, પીઆઇ અજય દેસાઇની ગુનાહિત કરતૂતને લઇ પોલીસ તંત્રને પણ છાંટા ઉડયા છે, તેને લઇ ખુદ રાજયના ડીજીપી આશિષ ભાટિયાએ પણ ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, પીઆઇ અજય દેસાઇએ પોલીસ હોવા છતાં કાયદાના રક્ષકને બદલે ભક્ષકની ભૂમિકા નિભાવી છે. પોલીસે ખરેખર જનતાનું રક્ષણ કરવાનું હોય છે પરંતુ તેણે કાયદાના ભક્ષક બની ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું છે, તેથી અમે તેને સબક સમાન આકરી સજા કરાવવા માટેના પૂરતા પ્રયાસો કરીશું. જો કે, સજા કરવાનું કામ કોર્ટનું હોય છે પરંતુ અમે એટલે કે, પોલીસ આ કેસમાં પૂરતા અને સજ્જડ પુરાવા એકત્ર કરી અજય દેસાઇ વિરૂધ્ધ કોર્ટમાં રજૂ કરીશું કે જેથી તેને દાખલારૂપ સખત સજા થાય. ડિપાર્ટમેન્ટ પણ તેની રીતે અજય દેસાઇ વિરૂધ્ધ જે કાર્યવાહી કરવાની થાય છે, તે કરશે. વડોદરામાં પીટીએસ બરોડા ખાતે ઘોડિયા ઘરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે પધારેલા રાજ્યના DGP આશિષ ભાટિયાએ આ કેસ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.
બીજીબાજુ, આ કેસમાં એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જેમાં પીઆઇ અજય દેસાઇના પાપમાં ભાગીદાર એવા કિરીટસિંહ જાડેજાએ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને જણાવ્યું હતું કે, પીઆઇ અજય દેસાઇ દ્વારા સ્વીટીની હત્યા કરાઇ છે, તેની માહિતી તેને પણ ન હતી. અજય દેસાઇએ તો તેને એવું જણાવ્યું હતું કે, મારી બહેન લગ્ન વગર કુંવારી ગર્ભવતી બની છે અને તેથી તેનો કાંટો કાઢવો પડશે. જેથી કિરીટસિંહે પોતાની અવાવરૂ હોટલ નજીક લાશ સગેવગે થઇ શકે તેવુ કહ્યું હતુ. જો કે, પીઆઇ અજય દેસાઇ સ્વીટી પટેલની હત્યા કર્યા બાદ તેની લાશ ગોદડામાં લપેટીને લાવ્યો હતો અને ગોદડામાં લપેટેલી સ્થિતિમાં જ તેની લાશ સળગાવી દીધી હતી. એક તબક્કે લાશને સળગાવવા ખાંડ અને ઘી પણ વધુ મંગાવવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની તપાસમાં પીઆઇ અજય દેસાઇના પાપનો ભાંડો ફુટી ગયો હતો અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે કે, સ્વીટી પટેલ ગર્ભવતી બની તે વાતની જાણ છ મહિના બાદ અજય દેસાઇને થતાં એ પછી બંને વચ્ચેની બબાલો વધી હતી. તા.4 જૂનની રાત્રે કરજણના પોતાના બંગ્લોમાં જ સ્વીટી પટેલ અને પીઆઇ પતિ અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે માથાકુટ થઇ હતી. ત્યારબાદ રાત્રે 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુઇ રહ્યા હતા ત્યારે જ પતિ અજય દેસાઇએ સ્વીટીનું ઉંઘમાં જ ગળુ દબાવીને તેણીની ઠંડા કેલેજે હત્યા કરી નાખી હતી. સ્વીટીની હત્યા બાદ બીજા દિવસે સવારે એટલે કે, તા.5મી જૂને સવારે 10-45 વાગ્યે સ્વીટીની લાશને અજય દેસાઇએ કમ્પાસ જીપની ડીકીમાં મુકી દીધી હતી. ત્યારબાદ તેના ઘરે આવેલા ભાઇને સ્વીટીને શોધવા જતો હોવાનું કહીને તે નીકળી ગયો હતો. સાંજે પાંચ વાગ્યે અજય દેસાઇ સ્વીટીની લાશ લઇને દહેજ પાસે 49 કિલોમીટર દુર આવેલી કોંગ્રેસના સ્થાનિક નેતા કિરીટસિંહ જાડેજાની બંધ સ્થિતીમાં રહેલી હોટલમાં લઇને પહોંચ્યો હતો. જયાં કિરીટસિંહ જાડેજાની મદદથી પીઆઇ દેસાઇએ દ્વારા લાકડા, ઘાસ, પુઠાનો ઢગલો કરીને સ્વીટીનો મૃતદેહ સળગાવી દીધો હતો. એક પોલીસ અધિકારી હોવાછતાં પીઆઇ અજય દેસાઇએ આટલો ગંભીર ગુનો આચર્યા બાદ પણ કેસના પુરાવાનો નાશ કરવાનો પણ હીન પ્રયાસ કર્યો હતો. જો કે, ક્રાઇમ બ્રાંચે તેના પાપનો પર્દાફાશ કરી નાંખ્યો છે. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ પોલીસની ભાષામાં પણ આ કેસમાં આકરી પૂછપરછ કરતાં કોંગ્રેસના સ્થાનિક આગેવાન અને પીઆઇ અજય દેસાઇને આ ગુનાહિત કૃત્યમાં મદદગારી કરનાર કિરીટસિંહ જાડેજા પોપટની માફક બોલી જતા ગુનાનો ભેદ ઉકેલવામાં અને ખૂટતી કડીઓમાં જોડવામાં પોલીસને સારી સફળતા મળી હતી. જેથી ક્રોસ ઇન્ટ્રોગેશનમાં પીઆઇ અજય દેસાઈ ભાંગી પડતા ગુનાની કબૂલાત કરી લીધી હતી.
પીઆઇ અજય દેસાઇની પૂછપરછમાં સામે આવ્યું કે, અજય દેસાઈની પત્ની સ્વીટી આશરે પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થતા બંને વચ્ચે તકરારો વધી હતી. જેથી આખરે અજય દેસાઈએ પત્નીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી અજય દેસાઈની સ્વીટી પટેલ સાથે પ્રથમ મુલાકાત 2015 માં એક મિત્ર સાથે પાર્ટીમાં થઈ હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા જવા માટે સ્વીટીએ વાત કરતા અજય દેસાઈને હાશકારો થયો હતો. પણ આખરે સ્વીટી ન જતા બંન્ને વચ્ચે તકરારો વધી હતી. હત્યા કરવા પણ અજય દેસાઈએ એ જ કાર વાપરી હતી, જે સ્વીટીના જન્મદિવસે કાર ખરીદાઈ હતી. હત્યા સમયે વાપરેલી કાર (જીપ કંપાસ) બીજાના નામે લઈને અજય દેસાઈ વાપરતો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુમ થવાના અતિ ચકચારભર્યા કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચની તપાસમાં ગઇકાલે બહુ મોટો અને જોરદાર ખુલાસો સામે આવ્યો કે, સ્વીટી પટેલના પતિ અજય એ.દેસાઇ કે જે વડોદરા જિલ્લા એસઓજીમાં પીઆઇ(પોલીસ ઇન્સ્પેકટર) તરીકે ફરજ બજાવે છે, તેણે જ સ્વીટી પટેલની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી અને હત્યા બાદ તેની લાશને દહેજ પાસે અટાલી ગામે એક અવાવરૂ મકાનમાં સળગાવી નાંખી પુરાવાનો નાશ કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. જો કે, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ અને એટીએસની તપાસમાં આખરે આરોપી પીઆઇ અજય દેસાઇના પાપનો પર્દાફાશ થઇ ગયો છે અને સમગ્ર ગુનાનો ભાંડો ફુટી ગયો છે. ખુદ પીઆઇ અજય દેસાઇએ પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી તેની લાશને સળગાવી હોવાનો વાતનો આખરે સ્વીકાર કરી લઇ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આમ સ્વીટી પટેલ ગુમ થવાના ચકચારભર્યા કેસમાં આખરે 49 દિવસ બાદ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. સ્વીટી પટેલના ચકચારભર્યા કેસમાં પીઆઇ અજય દેસાઇએ છેલ્લી ઘડીએ નાર્કો ટેસ્ટ કરવાની ના પાડી દીધી હતી અને પોતાની માનસિક તેમ જ શારીરિક સ્થિતિ સારી નહી હોવાનું જણાવી તપાસને ટાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ પીઆઇના આ અસહકારભર્યા વલણને પણ ગંભીરતાથી લઇ આખરે તેને સકંજામાં લઇ લીધો હતો. આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓએ વડોદરા જિલ્લા એસઓજીના પીઆઇ અજય એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. જે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને પીઆઇ અજય એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફ.એસ.એલ.ની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી જે દરમ્યાન સમગ્ર કેસમાં આજે રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ભાંગી પડેલા પીઆઇ અજય દેસાઇએ આખરે તપાસનીશ અધિકારીઓ સમક્ષ પોતાની પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પીઆઇ અજય એ.દેસાઇએ સને 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2017માં અન્ય એક યુવતી સાથે પણ લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય નહી હોવાથી આરોપી પીઆઇએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી ત્યારબાદ તેની લાશને સળગાવી દીધી હોવાની વાત સામે આવતાં આજે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ પીઆઇ અજય દેસાઇ અને આ ગુનામાં તેની મદદગારી કરનારા કોંગ્રેસના સ્થાનિક નેતા કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી લીધી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે દરમ્યાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા આ કેસમાં સામે આવે તેવી પૂરી શકયતા છે.