શ્રી જે.જે.પટેલ અગાઉ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ પર રહી ચૂકયા છે અને ગુજરાત બાર કાઉન્સીલમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલના છેલ્લા 24 વર્ષોથી એકહથ્થુ સામ્રાજય જમાવવા પાછળ પણ શ્રી જે.જે.પટેલની બહુ નોંધનીય મહેનત અને વ્યૂહરચના પણ એટલી જ સરાહનીય રહી છે
શ્રી જે.જે.પટેલની સતત પાંચમી ટર્મમાં પણ પ્રદેશ લીગલ સેલના કન્વીનર પદે નિયુકિત બદલ તેમને ગુજરાત બાર કાઉન્સીલના હોદ્દેદારો, રાજયના ન્યાયતંત્રના પદાધિકારીઓ અને રાજયના વિવિધ વકીલમંડળોના હોદ્દેદારો તરફથી શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.8
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ સેલના સંયોજકોના નામોની આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં પ્રદેશ લીગલ સેલના કન્વીનરપદે ફરી એકવાર જાણીતા એડવોકેટ શ્રી જે.જે.પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શ્રી જે.જે.પટેલ અગાઉ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ પર રહી ચૂકયા છે અને ગુજરાત બાર કાઉન્સીલમાં સમરસ પેનલના છેલ્લા 24 વર્ષોથી એકહથ્થુ સામ્રાજય જમાવવા પાછળ પણ શ્રી જે.જે.પટેલની બહુ નોંધનીય મહેનત અને વ્યૂહરચના પણ એટલી જ સરાહનીય રહી છે.
પ્રદેશ લીગલ સેલના કન્વીનર(સંયોજક) તરીકે શ્રી જે.જે.પટેલની આ સતત પાંચમી ટર્મ છે. જાણીતા એડવોકેટ શ્રી જે.જે.પટેલ ગુજરાત બાર કાઉન્સીલની સમરસ ટીમના પણ સંયોજક તરીકે મહત્વની જવાબદારી અદા કરી રહ્યા છે. તેઓ વકીલઆલમના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણમાં હરહંમેશ આગળ પડતી ભૂમિકા નિભાવી રાજયના વકીલમિત્રોમાં પણ સારી એવી લોકચાહના ધરાવે છે. તેમની નોંધનીય કામગીરીને ધ્યાનમાં લઇને જ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા તેમને ફરી એકવાર પ્રદેશ લીગલ સેલના કન્વીનરપદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રી જે.જે.પટેલની સતત પાંચમી ટર્મમાં પણ પ્રદેશ લીગલ સેલના કન્વીનર પદે નિયુકિત બદલ તેમને ગુજરાત બાર કાઉન્સીલના હોદ્દેદારો, રાજયના ન્યાયતંત્રના પદાધિકારીઓ અને રાજયના વિવિધ વકીલમંડળોના હોદ્દેદારો તરફથી શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
લીગલ સેલના સહસંયોજક તરીકે દિલીપભાઇ પટેલ(રાજકોટ શહેર) અને દિપકભાઇ જોષી(કર્ણાવતી)ને સમાવવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નિમણૂંક કરાયેલ અન્ય સંયોજકોમાં સાંસ્કૃતિક સેલમાં બિહારીભાઇ ગઢવી(કર્ણાવતી) અને જનકભાઇ ઠક્કર(ગાંધીનગર શહેર), માછીમાર સેલમાં મહેન્દ્રભાઇ જુંગી(પોરબંદર) અ જગદીશભાઇ ફોફંડી(ગીર સોમનાથ), માલધારી સેલમાં ડો.સંજયભાઇ દેસાઇ(બનાસકાંઠા) અને દિનેશભાઇ ટોળીયા(રાજકોટ જિ.)ને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે ચિકિત્સા સેલના સંયોજક તરીકે ડો.શીરીષભાઇ ભટ્ટ(નવસારી)ને નિયુકત કરવામાં આવ્યા છે.
તદુપરાંત, ગૌ સંવર્ધન સેલમાં બાબુભાઇ દેસાઇ(મકતુપુર)(કર્ણાવતી), વ્યાપાર સેલમાં વિજયભાઇ પુરોહિત(કર્ણાવતી), બિપીનભાઇ પ્રજાપતિ(સાબરકાંઠા)નો સમાવેશ થાય છે. અન્ય ભાષાભાષી સેલમાં રોહિતભાઇ શર્મા(સુરત શહેર), આસુસીંગ લવાના(નવસારી) અને અતુલભાઇ મિશ્રા(કર્ણાવતી)ની નિમણૂંક કરવામાં આવી છે. સીએ સેલમાં ઉર્વીશભાઇ શાહ(કર્ણાવતી) અને નરેશભાઇ કેલ્લા(સુરેન્દ્રનગર)ની નિયુકિત કરવામાં આવી છે. જયારે રમતગમત સેલમાં હરેશભાઇ ચૌધરી(બનાસકાંઠા), મનીષ પટેલ(કર્ણાવતી) અને પૃથ્વીરાજસિંહ વાળા(રાજકોટ)નો સમાવેશ થાય છે.