રથયાત્રા દરમિયાન વિશેષ નાદ અને ગાન સાથે કીર્તન કરવામાં આવ્યા અને બાદમાં ભગવાનને વિશેષ મહાઆરતી અર્પણ કરવામાં આવી
ભગવાન શ્રી શ્રી રાધામાધવની ભવ્ય રથયાત્રા કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન અને કડક પ્રોટોકોલ વચ્ચે સંપન્ન થઇ, રથયાત્રાને લઇ મંદિર પરિસરમાં રાધાકૃષ્ણ ભકિતનો માહોલ છવાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.12
અષાઢી બીજના આજના પવિત્ર પર્વ નિમિતે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાની સાથે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જુદા જુદા સ્થળોએ પણ રથયાત્રા નીકાળવામાં આવી હતી. અમદાવાદના ભાડજ ખાતેના સુપ્રસિધ્ધ હરેકૃષ્ણ મંદિરમાં પણ ભગવાન શ્રી શ્રી રાધામાધવની ભવ્ય રથયાત્રા કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન અને કડક પ્રોટોકોલ વચ્ચે નિજમંદિર પરિસરમાં જ નીકાળવામાં આવી હતી. જેમાં મંદિરના સેવકો, મર્યાદિત ભકતો અને અનુયાયીઓ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન વિશેષ નાદ અને ગાન સાથે કીર્તન કરવામાં આવ્યા હતા અને બાદમાં ભગવાનને વિશેષ મહાઆરતી અર્પણ કરવામાં આવી હતી. રથયાત્રાને લઇ મંદિર પરિસરમાં રાધાકૃષ્ણ ભકિતનો માહોલ છવાઇ ગયો હતો.
હરે કૃષ્ણ મંદિર, ભાડજના અધ્યક્ષ શ્રી જગનમોહન કૃષ્ણ દાસ અને શ્યામ ચરણ દાસાએ આજની ભવ્ય રથયાત્રાને લઇ જણાવ્યું હતું કે, રથયાત્રાના મહત્વને સમજાવતા, હરે કૃષ્ણ મૂવમેન્ટના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદ કહે છે કે, એક વખતે શુભ અવસરે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી તેમના મોટા ભાઈ બલરામ અને નાની બેન સુભદ્રા સમેત રથ પાર વિરાજમાન થઇ કુરુક્ષેત્ર માટે નીકળ્યા હતા. ભગવાન કૃષ્ણની મુલાકાતના સમાચાર મળતા ગોપીઓ તથા અન્ય વ્રજવાસીઓ ભગવાન શ્રીકૃષ્ણને મળવા ત્યાં પહોંચ્યાં હતા. ભગવાન શ્રી કૃષ્ણને રાજવેશમાં જોઈ, શ્રીમતી રાધારાણીએ તેમને વૃંદાવન આવવા માટે આમંત્રણ આપ્યુ, જ્યાં તેઓ વનમાં અનેક મધુર લીલાઓ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના પરિવાર સાથેના આ ભવ્ય મુલાકાતના સ્મર્ણાર્થે ભક્તો ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાદેવીનો રથ ખેંચે છે.
ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્યના પદચિન્હો પર ચાલતા, શ્રીલ પ્રભુપાદે રથયાત્રા નો આરંભ કર્યો હતો અને આ હરે કૃષ્ણ મૂવમેન્ટ નો એક ઉત્સવ નો ભાગ છે. આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોને એક સાથે લાવે છે. રથયાત્રા એ બધાને એક વિશેષ અવસર આપે છે જેમાં સૌ ભગવાનને યાદ કરીને, તેમના નામનું ગાન કરીને, નૃત્ય કરીને અને શ્રી કૃષ્ણ પ્રસાદ સ્વીકારે છે અને અભક્તો પણ એક દિવસ માટે તો ભગવાનને ભજે છે. સંપૂર્ણ યાત્રા દરમિયાન ભગવાન ભક્તોના વિવિધ સેવાઓનો આનંદ મેળવે છે. અનેક લોકો જે ઉત્સવના ભાગ રૂપે રથ બનાવવા માટે પોતાના કૌશલનો ઉપયોગ કરે છે તેઓ પણ ભાગવાનને સેવા અર્પણ કરે છે. આ સેવાના ભાવથી જીવનું દુષિત હૃદય શુદ્ધ થાય છે અને તેઓને શ્રી કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કરવા સહયોગ આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હરે કૃષ્ણ મંદિર ભાડજમાં આજે અષાઢી બીજના પર્વે મંદિરના ભક્તોએ એક ભવ્ય રથ તૈયાર કર્યો હતો. જેને ઝગમગતી લાઈટ અને ખુશ્બૂદાર પુષ્પોથી સજાવવામાં આવ્યો હતો. સાંજ પડતા ઉત્સવના ભાગ રૂપે ભગવાન શ્રી શ્રી રાધા માધવને આ ભવ્ય રથ પર વિરાજમાન કરવામાં આવ્યા અને તેઓને મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવ્યા હતા. સંપૂર્ણ રથયાત્રા દરમિયાન વિશેષ નાદ અને ગાન સાથે કીર્તન કરવામાં આવ્યા હતા અને છેવટે ભગવાનને વિશેષ મહાઆરતી અર્પણ કરવામાં આવી હતી.
હરે કૃષ્ણ મંદિર, ભાડજના અધ્યક્ષ શ્રી જગનમોહન કૃષ્ણ દાસ અને શ્યામ ચરણ દાસાએ સ્પષ્ટ કર્યું કે, આ વર્ષે કોવિડની વિશેષ પરિસ્થિતિમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે બધા કોવિડ પ્રોટોકોલનું પાલન થાય અને બધા હરિભક્તો માટે ઓનલઈન દર્શનની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલ હતી. ભગવાન શ્રી શ્રી રાધામાધવની ભવ્ય રથયાત્રા કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન અને કડક પ્રોટોકોલ વચ્ચે નિજમંદિર પરિસરમાં જ નીકાળવામાં આવી હતી. જેમાં મંદિરના સેવકો, મર્યાદિત ભકતો અને અનુયાયીઓ જોડાયા હતા.