પીએમ મોદી ભલે વડાપ્રધાન બન્યા હોય પરંતુ આજે પણ તેઓ જગન્નાથજી મંદિર કે ભગવાન જગન્નાથજીને ભૂલ્યા નથી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પોતાની પત્ની અંજલિબહેન સાથે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી, આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
આવતીકાલે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળનાર છે ત્યારે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પોતાની પત્ની અંજલિબહેન સાથે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શન કરી સંધ્યા આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ જગન્નાથજી ભગવાનના દર્શન અને આરતી માટે ઉપસ્થિત રહ્યા હતા. બીજીબાજુ, દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ મોકલાવવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રીએ જાંબુ, મગ, કાકડી, સૂકા મેવાનો પ્રસાદ ઉપરાંત ભગવાન જગન્નાથજીની શાહી ખીચડીના વિશેષ પ્રસાદ માટેની સામગ્રી પણ મોકલાવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ભલે હાલ દિલ્હીમાં પીએમ પદના ઉચ્ચ સ્થાને બિરાજમાન હોય પરંતુ તેઓ હજુ અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર અને ભગવાન જગન્નાથજીને ભૂલ્યા નથી. તેમણે આજે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ યાદ કરીને ભગવાન જગન્નાથજી માટે જાંબુ, દાડમ, કેરી, સૂકામેવાનો પ્રસાદ મોકલ્યો હતો, જે પરંપરા મુજબ, ભગવાન જગન્નાથજીના શ્રીચરણોમાં ધરાવવામાં આવ્યો હતો.
આજે બપોરે જગન્નાથજી મંદિરના પ્રાંગણમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીના ત્રણેય રથોનું વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે વિધિવત્ પૂન કરવામાં આવ્યું હતું. રથોની પૂજામાં શ્રી હનુમાનજી દાદાને ખાસ આહ્વવાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, તમામ દેવી-દેવતાઓને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા માટે પણ હ્રદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું હતું.
દરમ્યાન સાંજે છ વાગ્યા બાદ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમની પત્ની અંજલિબહેન અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમ જ ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે જગન્નાથજી મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ભગવાનના પરંપરાગત પ્રસાદ એવી ખીચડીની પ્રસાદની સામગ્રી કોળા, ગવારફળીનું શાક અને ચોખા-દાળ વગેરે લઇને પધાર્યા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પત્ની અંજલિબહેન સાથે ભગવાનની આરતી ઉતારી દર્શન કર્યા હતા. તો, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ભગવાનની સંધ્યા આરતીમાં વિશેષ ભાગ લીધો હતો. ભગવાનની આરતી ઉતારી આ તમામ મહાનુભાવોએ ભારે ધન્યતા અનુભવી હતી.
આ અગાઉ આજે સવારે અમદાવાદના મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એખલાસના ભાગરૂપે મંદિરને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સતત 21 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. જે આ વર્ષે પણ પરંપરાગત રીતે અર્પણ કરવામાં આવ્યો છે. આજે મુસ્લિમ સમાજના આગેવાન રઉફ શેખ બંગાળી દ્વારા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો.
આજે સવારે 9 કલાકે ભગવાનના સોનાવેશ ના દર્શન તેમજ સવારે 10 કલાકે ગજરાજની પૂજા ત્યારબાદ બપોરે વાગ્યે ત્રણેય રથની પૂજાના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.