મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા
રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી તા.31 જૂલાઈથી વધુ એક કલાક ઘટાડવામાં આવી
રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.28
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં-સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો બહુ મહત્વનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. જેને પગલે રાજયભરના ગણેશભકતો અને શ્રધ્ધાળુ જનતામાં ભારે ખુશી અને રાહતની લાગણી ફેલાઇ ગઇ છે. જો કે, ગણેશોત્સવની ઉજવણી પણ કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે જ કરવા પણ સરકાર અને તંત્ર દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે.
આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી તા.31 જૂલાઈથી વધુ એક કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે તા.31 જૂલાઈથી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.
આ સિવાય, રાજયના આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જો કે, સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની સરકારની માર્ગદર્શિકા અને કોવીડ ગાઇડલાઇન્સ-પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
તદુપરાંત, રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે. એટલે કે, લગ્ન સહિતના પ્રસંગોમાં જાહેરજનતાને હવે થોડી વધુ છૂટછાટ મળતાં ઘણી રાહત થઇ છે.
આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે. જેને પગલે રાજયભરના ગણેશભકતો અને શ્રધ્ધાળુ જનતામાં ભારે ખુશી અને રાહતની લાગણી ફેલાઇ ગઇ છે. જો કે, ગણેશોત્સવની ઉજવણી પણ કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે જ કરવા પણ સરકાર અને તંત્ર દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનરશ્રી જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.