આવતીકાલે લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરવામાં આવશે અને અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે
હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ નિવાસી બન્યા બાદ હવે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઇને પણ અનેક ચર્ચાઓ શરૂ
અમદાવાદ,તા.31
હરિધામ સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે હજારો હરિભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. અંતિમ દર્શનના આજના છેલ્લા દિવસે હજારો હરિભકતો ભારે ભાવ અને શ્રધ્ધા સાથે પૂજય સ્વામીજીની દર્શનાર્થે અને તેમના આશિષ લેવા માટે ઉમટયા હતા. સમાજના વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ પણ પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન કરીને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટયા હતા. આજે તા. ૩૧ જૂલાઇ તેમના અંતિમ દર્શનનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ આવતીકાલે તા. ૧ લી ઓગસ્ટે બપોરે ૨.૦૦ કલાકે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિની વિધિ પરિપૂર્ણ કરવામાં આવશે. આવતીકાલે લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરવામાં આવશે અને અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે.
બીજીબાજુ, હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ નિવાસી બન્યા બાદ હવે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઇને પણ અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. તેમાં સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની પણ એક વાત ચાલી રહી છે. જો કે, ત્યાગ વલ્લભ સ્વામીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લેશે. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે.
દરમ્યાન હરિપ્રસાદ સ્વામીજીની નોંધનીય વાતો વાગોળતાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડયો છે. દરરોજ બપોરે સાડાત્રણ કલાકે પ.પૂ. સ્વામીજી ત્યાં ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન કરવા પધારતા હતા. હરિધામ મંદિરમાં નીચેના ફ્લોર ઉપર જ્ઞાનયજ્ઞ દેરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને પધરાવવામાં આવ્યા છે. દેશ-વિદેશની ધર્મયાત્રા માટે હરિધામથી નીકળતાં પહેલાં જ્ઞાનયજ્ઞ દેરીએ અને ઉપરના મજલે ઠાકોરજીનાં દર્શન-પ્રાર્થના કરવાનું ચુકતા નહીં. તે જ રીતે પરત પધારે ત્યારે પણ દર્શન-પ્રાર્થના કર્યા પછી જ વિશ્રામ માટે જતા હતા. નાદુરસ્ત સ્વાસ્થ્ય હોય તો પણ ગુરૂ પરંપરાને દંડવત પ્રણામ કરવાનો તેઓ આગ્રહ રાખતા હતા. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની માફક લીમડાનું વૃક્ષ પરમ પૂજ્ય સ્વામીજીને પ્રિય રહ્યું છે અને તે કારણથી જ પરમ પૂજ્ય સ્વામીજીનાં આ પ્રિય સ્થાનની સન્મુખ જ લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરવામાં આવશે. અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે.
અંત્યેષ્ટિ સંસ્કાર માટે જરૂરી પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જરૂરી ખોદકામ કરતાં પહેલાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય દાસ સ્વામી સહિતના વડીલ સંતોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. એ પછી તત્કાળ ખોદકામ કરીને ફાઉન્ડેશન ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહના દર્શનાર્થે પહોંચીને શ્રધ્ધાંજલિ આપનારા સંતોમાં બી.એ.પી.એસ.ના ભાગ્યસેતુ સ્વામી, રૂસ્તમબાગ સ્વામિનારાયણ ગુરુકુળના સંતોનો સમાવેશ થાય છે. આ સિવાય રાજકીય મહાનુભાવોમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના મંત્રીઓ સૌરભભાઈ પટેલ, જયદ્રથસિંહ પરમાર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, પ્રદેશ ભાજપ અગ્રણી ભરતભાઇ પંડયા, રાજકોટ જિલ્લા પંચાયત ભૂપતભાઇ બોદર, વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, જાણીતા ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણી મહેશભાઇ સવાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયા, સહિતના અનેક મહાનુભાવો પૂજય સ્વામીજીને શ્રધ્ધાંજલિ અર્પવા અને તેમના અંતિમ દર્શનાર્થે ઉમટયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી વિશેષ શોક સંદેશો પાઠવ્યો હતો. જેમાં તેમણે શોક સંદેશમાં સ્વામીજીને સેવા, ભક્તિ અને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા હતા. સાથે જ કહ્યું કે, ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ વિદેશના લાખો અનુયાયીઓના જીવનમા પરિવર્તન લાવવા સેતુ રૂપ બન્યા છે. વિચાર દર્શનનુ પ્રતિક એવુ સોખડા હરિધામ પ્રેરણા તીર્થધામ બન્યું છે. સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળ્યો છે. વડાપ્રધાનશ્રી મોદીએ હરિપ્રસાદ સ્વામી મહારાજના આત્માને પ્રભુ શાન્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આજે પૂજય સ્વામીજીના અંતિમ દર્શનના છેલ્લા દિવસે પણ હજારો હરિભકતો અને અનુયાયીઓ ભારે શ્રધ્ધા અને ભાવ સાથે તેમના ચરણવંદના અને આશિષ માટે ઉમટયા હતા. શ્રધ્ધાળુ હરિભકતોએ પૂજય સ્વામીજીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.