મુખ્યમંત્રીશ્રીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહે તેવી શકયતા
મુખ્યમંત્રીશ્રી મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સાથે મુલાકાત કરશે અને રથયાત્રાની તૈયારીઓને લઇ જરૂરી સમીક્ષા પણ કરશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.10
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ૧૪૪મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આવતીકાલે તા.11મી જૂલાઇના રોજ રવિવારે અમદાવાદમાં જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી – દર્શન કરશે. એટલું જ નહી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા પણ કરશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં અષાઢી બીજ ૧૨મીજુલાઈ એ યોજાનારી ૧૪૪મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવાર તા.૧૧મી જુલાઈના સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી – દર્શનમાં સહભાગી થશે. મુખ્યમંત્રીશ્રી મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સાથે મુલાકાત કરશે અને રથયાત્રાની તૈયારીઓને લઇ જરૂરી સમીક્ષા પણ કરશે.
આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવીડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
બીજીબાજુ, આવતીકાલે તારીખ 11મી જુલાઈએ સવારે આઠ વાગ્યે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શન ખુલ્લાં મુકવામાં આવશે. જેમાં વિશેષ પ્રકારના આભૂષણો અને સાજ-શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. ત્યારબાદ બપોરે બે વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ તેમજ સાંજે ચાર વાગ્યે શાંતિ સમિતિની મુલાકાત અને સાંજે સાડા છ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, દ્વારા પરંપરા મુજબ રથયાત્રાના આગલા દિવસે શ્રી જગન્નાથજી મંદિર અને મહંત શ્રી દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત લેવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીની સાથે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહે તેવી શકયતા છે. આવતીકાલે તેઓ ભગવાન જગન્નાથજી માટે ખાસ ખીચડીનો પ્રસાદ પણ લાવશે. આવતીકાલે સાંજે આઠ વાગ્યે ભગવાનની વિશેષ પૂજા અને સંધ્યા આરતી યોજાશે જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિશેષ ભાગ લેશે અને ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવશે.