અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા-બેઠક યોજાઈ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.15
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.૧૬ જુલાઈએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં ગાંધીનગરના નવીનીકરણ પામેલા અદ્યતન રેલવે સ્ટેશન તેમ જ સાયન્સ સીટીમાં રુ. ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વાટિક ગેલેરી, ૧૨૭ કરોડના ખર્ચે નિર્ણાણ પામેલી રોબોટિક ગેલેરી તેમ જ ૧૪ કરોડના ખર્ચે આકાર પામેલા નેચર પાર્કનો સમાવેશ થાય છે. વડાપ્રધાનશ્રીના વિકાસકાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદથી સહભાગી થશે.
વડાપ્રધાનશ્રી ગાંધીનગરને વારાણસી સાથે જોડતી નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો વર્ચ્યૂઅલ પ્રસ્થાન સંકેત આપી પ્રારંભ કરાવશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર-પીપાવાવ ૨૬૬ કિલોમીટર રેલવે ઈલેક્ટ્રીફિકેશન કામગીરીનું પણ લોકાર્પણ કરાશે. તદુપરાંત મહેસાણા- વરેઠા ઈલેક્ટ્રીફાઈડ બ્રોડગેજ લાઈનનો પણ શુભારંભ કરાવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ વિડીયો કોન્ફરન્સથી આ કાર્યક્રમોમાં જોડાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ-રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ-રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ અને ગુજરાત મંત્રીમંડળના મંત્રીશ્રીઓ ગાંધીનગરમાં આ કાર્યક્રમો ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે.જ્યારે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ ખાતેથી આ કાર્યક્રમમાં જોડાશે.
આ અંગેની જરુરી વ્યવસ્થા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા-બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન આપ્યું હતું અને સુચાર આયોજન માટે તાકીદ કરી હતી.