મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો
વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા તા.૩૧ જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે તા.૧પ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.31
રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓને આજે વેકસીન લેવાનો છેલ્લો દિવસ હતો પરંતુ હજુ રાજયમાં હજારો વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓનું રસીકરણ બાકી હોઇ અને તેની કામગીરી પૂર્ણ થવામાં હજુ વધુ સમય લાગે તેમ હોઇ રાજય સરકાર દ્વારા વ્યવહારૂ અને હકારાત્મક અભિગમ અપનાવી વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા તા.૩૧ જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે તા.૧પ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. રાજય સરકારના આ નિર્ણયને પગલે સમગ્ર વેપારી આલમમાં ભારે રાહત અને ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
ગુજરાતમાં વેપારી, ફેરિયા, હોટેલ- રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમોના માલિકો, સંચાલકો અને સ્ટાફને કોવિડ-19 સામેની વેક્સિન લેવા માટે આજે તા.31 જુલાઈને શનિવારે છેલ્લો દિવસ હતો. વળી, રસી ન લેનાર વેપારી તા.1 ઓગસ્ટથી ધંધો કરી શકશે નહી તેવી પણ જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી., જેને લઇ આજે વિવિધ રસીકરણ કેન્દ્રો પર વેપારીઓ-સેવાકીય સંસ્થાના કર્મચારીઓની લાંબી લાઇનો લાગી હતી પરંતુ તેમછતાં હજુ હજારો વેપારીઓ અને કર્મચારીઓનું રસીકરણ બાકી રહી ગયુ છે.
બીજીબાજુ, આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ કોર કમીટીની બેઠક મળી હતી, જેમાં આ મુદ્દો ખાસ ચર્ચા વિચારણામાં લેવાયો હતો. રાજયમાં હજારો વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓનું રસીકરણ બાકી હોઇ અને તેની કામગીરી પૂર્ણ થવામાં હજુ વધુ સમય લાગે તેમ હોઇ રાજય સરકાર દ્વારા વ્યવહારૂ અને હકારાત્મક અભિગમ અપનાવી વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા તા.૩૧ જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે તા.૧પ ઓગસ્ટ સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) દ્રારા તા.31 જુલાઇની મર્યાદાને તા.15 ઓગસ્ટ સુધી લંબાવવા માટે માંગ કરાઇ હતી. વેપારીઓ-સેવાકીય સંસ્થાઓ કર્મચારીઓને રસીકરણ પૂર્ણ કરવામાં સમય મર્યાદા ઓછી પડતી હોવાથી વધુ સમય મર્યાદા વધારવા માંગ કરાઇ હતી.
દરમ્યાન આજે તા.31 મી જુલાઈ અને શનિવારે રસીકરણ કેન્દ્ર ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વાણિજિયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ લાભાર્થીઓ, જીમ, વાંચનાલયો, કોચીંગ સેન્ટરો, ટયુશન કલાસીસ, પબ્લિક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર, કંડકટર તેમજ અન્ય સ્ટાફ, રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ, સિનેમા થિયેટરો ઓડીટેરીયમ એસ્મેબલી હોલ, મનોરંજન સ્થળો, વોટરપાર્ક, તથા સ્વિમીંગ પુલ વગેરેના ઉપરોકત તમામ માલિકો, સંચાલકો, કમર્ચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્યકિતઓને કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ આજે તા.31મી જૂલાઇના રોજ લેવાનો હતો,
જે મુદત પૂર્ણ થતાં સુધીમાં આટલા દિવસોમાં હજુ 50 ટકા વેપારીઓનું રસીકરણ જ પૂર્ણ થયુ હોવાનો અંદાજ છે. હજુ ઘણા વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓનું રસીકરણ બાકી હોઇ રાજય સરકારે આખરે તેઓને બહુ મોટી રાહત આપતો નિર્ણય કર્યો હતો. સરકારના રસીકરણ માટે તા.15મી ઓગસ્ટ સુધી મુદત લંબાવવાના નિર્ણયને પગલે વેપારી આલમમાં ભારે રાહત અને ખુશીની લાગણી ફેલાઇ હતી. વિવિધ એસોસીએશન, મંડળો અને સંસ્થાઓએ આ મુદ્દે રાજય સરકાર પરત્વે આભારની લાગણી પણ પ્રગટ કરી હતી.