રથયાત્રા પહેલાં પરંપરાગત વિધિના ભાગરૂપે ભગવાનના વાઘા, અલંકારો, આભૂષણો સહિતનું મામરૂં દર્શનાર્થે મૂકાયુ
તા.10મીએ ભગવાનની નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણના પ્રસંગ તો, તા.11મીએ ભગવાનને બહુ આકર્ષક સોનાવેશનો શણગાર અને ગજરાજોનું પૂજન
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.8
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા કરફયુના કડક અમલ અને કોરોના ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન વચ્ચે નીકાળવાની મંજૂરી રાજય સરકાર દ્વારા અપાતાની સાથે જ રથયાત્રા પૂર્વેના ધાર્મિક અને પરંપરાગત પ્રસંગો અને વિધિ શરૂ થઇ ગયા હતા. આજે બપોરે છ યજમાનો દ્વારા જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં નિજમંદિરનું મામેરૂં ભરવામાં આવ્યું હતું. મંદિરના પ્રાંગણમાં ભારે ભકિતભાવ અને ઉત્સાહ સાથે યજમાનો દ્વારા મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિત સંતોની હાજરીમાં ભગવાનનું મામેરૂં પાથરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી માટે લીલા, લાલ સહિતના આકર્ષક રંગોના મનમોહક વાઘા, અનેકવિધ અલંકારો, આભૂષણો સહિતની ચીજવસ્તુઓ મામેરામાં શ્રધ્ધાળુ ભકતોના દર્શનાર્થે મૂકવામાં આવી હતી. લીલા કલરના આકર્ષક વાઘા નેત્રોત્સવ વિધિ દરમ્યાન ભગવાનને પહેરાવવામાં આવશે. તા.12મી જૂલાઇએ મનમોહી લે તેવા વસ્ત્ર, અલંકારો અને આભૂષણોથી સજ્જ થઇ ભગવાન રથમાં સવાર થઇને નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના દિવસ માટે ભગવાન માટે બાંધણીના વિશેષ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાનને બાંધણીની બાંધેજ પાઘડી પણ પહેરાવવામાં આવશે. હાલ ભગવાન મોસાળ સરસપુરમાં હોઇ જમાલપુર સ્થિત નિજમંદિરમાં ભકતો ભગવાનના આવવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. તા.10મી જૂલાઇએ અમાસના દિવસે ભગવાન નિજમંદિરમાં પરત ફરશે.
અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને નિજમંદિરનું મામેરું પાથરવામાં આવ્યું હતું. આ વર્ષે ભગવાન જગન્નાથ અલગ અલગ પરંપરાગત વેશમાં જોવા મળશે. શનિવારે અમાસના દિવસે ભગવાન નીજ મંદિરે પરત આવશે અને ત્યારથી રથયાત્રા અને ત્રીજ સુધી ત્રણેય ભાઈ-બહેનના વાઘા, અલંકારોના દર્શન કરી શકાશે. નેત્રોત્સવ, રથયાત્રા, મામેરાના યજમાનો વાજતે ગાજતે ભગવાનનું મામેરું લઈને નિજમંદિરમાં પહોંચ્યા હતાં. મામેરાના અવસરે રથયાત્રાના યજમાન અને ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ગરબા કર્યા હતા. મહારાષ્ટ્રીયન પાઘડી, વાઘા અને અલંકારો વગેરે જમાલપુર મંદિરના પ્રાંગણમાં મુકવામાં આવ્યાં હતાં. જેના દર્શન કરી ભકતોએ ધન્યતા અનુભવી હતી. જો પ્રસંગની વિધિ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
આ વખતે તા.12મી જૂલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ છે તે પૂર્વે તા.10મી જૂલાઇએ ભગવાનના નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણના પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો ખાસ હાજરી આપનાર છે, જયારે બીજા દિવસે તા.11મી જૂલાઇએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સુંદર અને ભવ્ય એવા સોનાવેશથી શણગારવામાં આવશે. આ દિવસે ગજરાજોનું વિશેષ પૂજન પણ કરવામાં આવશે અને રથયાત્રા માટે ગજરાજોના આશીર્વાદ મેળવવામાં આવશે. બીજીબાજુ, રથયાત્રા નીકાળવાની સરકાર દ્વારા મંજૂરી અપાયાના સમાચારની જાણ થતાં જ જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર અને સરસપુર ખાતે મોસાળમાં પણ ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો હતો.