પંદર દિવસ સુધી મોસાળમાં રહી ભગવાન નિજમંદિરે પરત ફરતાં શ્રધ્ધાળુ ભકતો રીતસરના ઝુમી ઉઠયા, જગન્નાથજી મંદિરમાં ભકિતનો જબરદસ્ત માહોલ છવાયો
નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ અને મહાઆરતી યોજાઇ, જેમાં ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા
રવિવારે ભગવાનના અનોખા સોનાવેશન દર્શનનો લ્હાવો – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા ભગવાન માટે ખીચડીનો પ્રસાદ લઇને આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.10
ભગવાન જગન્નાથજી આજે બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નિજમંદિરે પરત ફરતા આતુરતાપૂર્વક ભગવાનની રાહ જોઈ રહેલા હજારો શ્રધ્ધાળુ ભકતો ખુશીથી અને ભક્તિસભર લાગણીમાં ઝુમી ઉઠયા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધી સાથે ભગવાનનો નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાયો હતો. ભગવાનના ગર્ભગૃહમાં પ્રવેશની સાથે જ હજારો શ્રધ્ધાળુ ભકતો દ્વારા જય જગન્નાથ…. જય જગન્નાથ…. નો જયઘોષ ગૂંજી ઉઠયા હતા ત્યારે જગન્નાથજી મંદિરમાં જબરદસ્ત ભક્તિનો માહોલ છવાઇ ગયો હતો.
જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા સહિતના મહાનુભાવોની હાજરીમાં આજે અમાસના દિવસે વહેલી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો ગર્ભગૃહમાં વિધિવત્ પ્રવેશ કરાવાયો હતો અને પરંપરાગત વિધિ-પૂજન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે આઠ વાગ્યે તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ પૂર્ણ કરાઇ હતી.
આજના દિવસે જ કેમ નેત્રોત્સવ વિધિ કરાય છે તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ એવો છે કે, જલયાત્રા બાદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજી પોતાની બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સાથે મામાના ઘેર મોસાળમાં સરસપુર ગયા હતા., જયાં પંદર દિવસ રોકાયા હતા એ દરમ્યાન મોસાળમાં મામા અને મોસાળવાસીઓએ ભગવાનને ભારે ભાવ સાથે આગતા સ્વાગતા કરી ભાવતા ભોજન કરાવ્યા હતા, જેને લઇ ભગવાનને આંખો આવી જાય છે. પંદર દિવસ બાદ અમાસના દિવસે ભગવાન પરત ફરે છે ત્યારે નિજમંદિરમાં તેઓની વૈદિક મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બાંધવામાં આવે છે અને ભગવાનની આંખો ઝડપથી સારી થઇ જાય તે માટે મંત્રો સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. આમ, નેત્રોત્સવ વિધિ પૂર્ણ કરાય છે. હવે તા.12મી જૂલાઇએ રથયાત્રાના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંગળા આરતી સમયે ભગવાનની આંખો પરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પાટા ખોલવામાં આવશે અને ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવશે.
આજે જગન્નાથજી મંદિર ખાતે ભગવાનની નેત્રોત્સવ વિધિ બાદ સવારે સાડા નવ વાગ્યે ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવી હતી ત્યારબાદ 10-30 વાગે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ ની મહાઆરતી ઉતારવામાં આવી હતી. જે પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સાધુ-સંતો માટે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભગવાનની વિશિષ્ટ પૂજા ઉપરાંત અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક સારા વરસાદ માટે ઇન્દ્રદેવને ખાસ પૂજા-અર્ચના કરી વરસાદની સીઝન ખેડૂતો માટે ખૂબ સારી રહે અને તેઓ ખુશહાલ બને તેવી પ્રાર્થના કરાઇ હતી તો ગુજરાત સહિત દેશભરમાંથી કોરોના મહામારી નાબૂદ થાય અને સૌનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના પણ કરાઇ હતી.
હવે આવતીકાલે તારીખ 11મી જુલાઈએ સવારે આઠ વાગ્યે ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શન ખુલ્લાં મુકવામાં આવશે. જેમાં વિશેષ પ્રકારના આભૂષણો અને સાજ-શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. ત્યારબાદ બપોરે બે વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ તેમજ સાંજે ચાર વાગ્યે શાંતિ સમિતિની મુલાકાત અને સાંજે છ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પરંપરા મુજબ રથયાત્રાના આગલા દિવસે શ્રી જગન્નાથજી મંદિર અને મહંત શ્રી દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત લેવામાં આવશે. આવતીકાલે તેઓ ભગવાન જગન્નાથજી માટે ખાસ ખીચડીનો પ્રસાદ પણ લાવશે. આવતીકાલે સાંજે આઠ વાગ્યે ભગવાનની વિશેષ પૂજા અને સંધ્યા આરતી યોજાશે જેમાં ભાજપના કેટલાક આગેવાનો પણ અતિથિ વિશેષ પદે હાજર રહેશે.
બોક્ષ – જગન્નાથજી મંદિરમાં એક હજારથી વધુ સાધુ-સંતોનો ભંડારો યોજાયો
જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રા પૂર્વે દેશના હરિદ્વાર, રૂષિકેશ, ચિત્રકુટ, ઉજ્જૈન, નાસિક, કાશી, સોમનાથ, દ્વારકા સહિતના અનેક સ્થળોએથી પધારતા સાધુ-સંતો અને મહામંડલેશ્વર માટે યોજાતો પરંપરાગત ભંડારો આજે પણ યોજવામાં આવ્યો હતો. આજે આશરે એક હજારથી વધુ સાધુ-સંતોને આજે ભારે ભાવપૂર્વક માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ભંડારામાં પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.
સાધુ-સંતોના વિશેષ ભંડારાને લઇ આજે વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવે છે. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામાં આવ્યો હતો, તો સાથે ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવ્યા હતા. અંદાજે એક હજારથી વધુ સાધુ-સંતોએ ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લઇ તૃપ્ત થયા હતા. સાધુ-સંતો સિવાય પણ મંદિર તરફથી કેટલાક મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, આજના ભંડારાનું વિશેષ મહત્વ હોય છે કારણ કે, અનેક સાધુ-સંતો અને દિવ્ય વિભૂતિઓ આજના ભંડારમાં પધારતી હોય છે, તેને લઇ ભકિતનો માહોલ પણ સ્વાભાવિક બનતો હોય છે.