જો કે, કોવીડ ગાઇડલાઇન્સને લઇ બધા નગરજનો દર્શન નહી કરી શકે, સોમવારે સાંજે 5-00થી 8-00 દરમ્યાન સ્થાનિક દર્શનાર્થીઓ મામેરાંના દર્શનનો લાભ લઇ શકશે. બાકીના શ્રધ્ધાળુઓને ટીવી ચેનલ અને સમાચાર માધ્યમો મારફતે મામેરાના દર્શન કરવા ટ્રસ્ટીશ્રીનો અનુરોધ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ ભકિત અને ઉત્સાહનો માહોલ છવાયેલો છે તો બીજીબાજુ, મોસાળમાં એટલે કે, સરસપુર ખાતેના રણછોડરાયજી મંદિરમાં ભગવાનના મામેરાને લઇ જોરદાર તૈયારીઓ
આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીને ગુજરાતની આગવી ઓળખ અને ભારતીય સંસ્કૃતિના પ્રતિકરૂપ એવી બાંધણીનો સાફો અને બાંધેજ પાઘડી પહેરાવવામાં આવશે
સરસપુરમાં મોસાળ ખાતે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે પણ પણ ઉત્સાહ અને ભકિતભાવના દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે. અહીં પ્રતિદિન હવે સ્થાનિક મહિલાઓ અને બહેનો ભજનો અને ભકિતરસમાં તરબોળ બની રહ્યા છે
ભગવાનના મોસાળમાં શ્રધ્ધાળુ ભકતો ભકિતરસમાં તરબોળ બની રથયાત્રાને લઇ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને આવકારવા થનગની રહ્યા છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.4
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકાળવા અંગે રાજય સરકાર દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કે મંજૂરી અપાઇ નથી પરંતુ બીજીબાજુ, જમાલપુર ખાતેના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર અને ભગવાનના મોસાળ એવા સરસપુર ખાતે 144મી રથયાત્રાને લઇ ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. એકબાજુ, જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ ભકિત અને ઉત્સાહનો માહોલ છવાયેલો છે તો બીજીબાજુ, મોસાળમાં એટલે કે, સરસપુર ખાતેના રણછોડરાયજી મંદિરમાં ભગવાનના મામેરાને લઇ જોરદાર તૈયારીઓ શરૂ કરાઇ છે. આવતીકાલથી સરસપુર ખાતેના રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનના મોસાળ ખાતે શ્રધ્ધાળુ ભકતો માટે મામેરાના દર્શનનો લાભ ઉપલબ્ધ બનાવવામાં આવશે. જો કે, કોવીડ ગાઇડલાઇન્સને લઇ બધા નગરજનો દર્શન નહી કરી શકે, સોમવારે સાંજે 5-00થી 8-00 દરમ્યાન સ્થાનિક દર્શનાર્થીઓ મામેરાંના દર્શનનો લાભ લઇ શકશે. બાકીના શ્રધ્ધાળુઓને ટીવી ચેનલ અને સમાચાર માધ્યમો મારફતે મામેરાના દર્શન કરવા ટ્રસ્ટીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ વર્ષે તા.12મી જૂલાઇએ રથયાત્રાનો પવિત્ર દિવસ આવી રહ્યો છે. તે પહેલાં તા.10 જુલાઈએ યોજાનારી ધજારોહણ અને નેત્રોત્સવ વિધિમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજીબાજુ, રથયાત્રાને લઈને મંદિરમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. બીજીબાજુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.12મી જૂલાઇએ ગુજરાતની એક દિવસની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. તે દરમ્યાન તેઓ તા.12મી જુલાઈનાં રોજ જગન્નાથ રથયાત્રાની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર રહેશે. ત્યારે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. અલબત્ત, કોવીડ ગાઇડલાઇન્સ, પ્રોટોકોલ અને કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનાં આયોજન અંગેની મંજુરી મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેને લઇને પણ લાખો શ્રધ્ધાળુ ભકતોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ જોરદાર ઉત્સાહ અને ભકિતભાવ ઉમટી રહ્યો છે.
આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીને ગુજરાતની આગવી ઓળખ અને ભારતીય સંસ્કૃતિના પ્રતિકરૂપ એવી બાંધણીનો સાફો અને બાંધેજ પાઘડી પહેરાવવામાં આવશે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી રજવાડી વેશ ધારણ કરશે. ભગવાનના વાઘા અને સાજ-શણગાર માટે ગોકુળ, મથુરા સહિતના જુદા જુદા સ્થળોએથી કાપડ સહિતની સૌંદર્ય પ્રસાધન અને શણગારની અનેક ચીજવસ્તુઓ મંગાવવામાં આવી છે. ભગવાનના વાઘા અને સુંદર વેશભૂષા સજાવતાં સુનીલભાઇની સાથે અન્ય સાત કારીગરો છેલ્લા 25 દિવસોથી આ સાજ-શણગારની તૈયારીઓ કરી રહ્યા છે.
સરસપુર શ્રી રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી ઉમંગભાઇ પટેલ અને સ્થાનિક જાગનાથ મહાદેવનના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, એકબાજુ, જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરમાં ભકિતનો માહોલ છવાયો છે તો, બીજીબાજુ, સરસપુરમાં મોસાળ ખાતે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે પણ પણ ઉત્સાહ અને ભકિતભાવના દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે. અહીં પ્રતિદિન હવે સ્થાનિક મહિલાઓ અને બહેનો દર્શનની સાથે ભજનો અને ભકિતરસથી ભીંજાઇ રહ્યા છે. તાળીઓ અને કરતાલના તાલે ભજન-ધૂનના સૂર રેલાઇ રહ્યા છે અને શ્રધ્ધાળુ ભકતો ભકિતરસમાં તરબોળ બની રથયાત્રાને લઇ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને આવકારવા થનગની રહ્યા છે. ભાણિ-ભાણિયાઓના મામેરાને લઇને પણ શ્રધ્ધાળુઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આવતીકાલથી સરસપુરના મોસાળ સ્થિત શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભકતો અને શ્રધ્ધાળુઓ માટે મામેરાના દર-દાગીના, સાજ-શણગાર, અલંકારિક વસ્ત્રો, સૌંદર્ય પ્રસાધન સહિતની ચીજવસ્તુઓ દર્શનાર્થે મૂકવામાં આવશે, જો કે, માત્ર સાંજે 5-00થી 8-00 દરમ્યાન સ્થાનિક દર્શનાર્થીઓ મામેરાંના દર્શનનો લાભ લઇ શકશે. કોવીડ ગાઇડલાઇન્સને લઇ બધા નગરજનો દર્શન નહી કરી શકે, જો કે, બાકીના શ્રધ્ધાળુઓને ટીવી ચેનલ અને સમાચાર માધ્યમો મારફતે મામેરાના દર્શન કરે તે માટે અમારો ખાસ અનુરોધ અને જાહેર વિનંતી છે કે જેથી કોરોના સંક્રમણ ફેલાય નહી અને કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન થાય.
સરસપુર શ્રી રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી ઉમંગભાઇ પટેલ અને સ્થાનિક જાગનાથ મહાદેવનના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું કે, આ વર્ષે ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી અને હાલ સેટેલાઈટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવામાં આવશે. મહેશભાઈના પિતા ભગવાનદાસભાઈ 50 વર્ષથી મામેરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ રણછોડજી મંદિરના ટ્રસ્ટ સાથે સતત સંપર્કમાં હતા અને અંતે આ વર્ષે નંબર લાગ્યો, જેને લઇ ઠાકોર પરિવારમાં ભારે ખુશી અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઇ છે. તમામ પરિવારજનો ભાણ-ભાણિયાઓના મામેરાની તૈયારીને લઇ કામે લાગી ગયા છે અને ખુલ્લા દિલે ભગવાનનું મામેરૂં સંપન્ન કરવાનો નિર્ધાર ઠાકોર પરિવારે વ્યકત કર્યો છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રના મામેરાંની ઐતિહાસિક અને પરંપરાગત વિધિ કોવીડ ગાઇડલાઇન્સના પાલન સાથે પરંતુ એટલા જ ભકિતભાવ, ઉત્સાહ અને ભકિતભર્યા માહોલ વચ્ચે કરવામાં આવશે.