યુનિવર્સિટીના કાર્યક્રમોમાં ડેકોરેશન સહિતની વ્યવસ્થા પૂરી પાડનાર ડેકોરેટર કોન્ટ્રાકટરને રૂ.40 લાખનું પેમેન્ટ નહી ચૂકવાતાં મામલો હાઇકોર્ટ પહોંચ્યો
ડેકોરેટર કોન્ટ્રાકટરને આપવાની રકમનો પ્રશ્ન એક મહીનાની અંદર સીન્ડીકેટ સમક્ષ નિર્ણય માટે મુકવામાં આવશે તેવી કોર્ટ રૂબરૂ બાંહેધરી આપ્યા છતાં પણ તેનું પાલન નહી થતાં હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ
યુનિવર્સિટીના વકીલ તરફથી જવાબ રજૂ કરવા માટે સમય મંગાતા હવે કેસની વધુ સુનાવણી તા.23મી ઓગસ્ટે
અમદાવાદ,તા.13
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમોમાં ડેકોરેશન સહિતની વ્યવસ્થા પૂરી પાડનાર ડેકોરેટર કોન્ટ્રાકટરને રૂ.40 લાખનું પેમેન્ટ નહી ચૂકવાતાં મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. ડેકોરેટર કોન્ટ્રાકટરને આપવાની રકમનો પ્રશ્ન એક મહીનાની અંદર સીન્ડીકેટ સમક્ષ નિર્ણય માટે મુકવામાં આવશે તેવી કોર્ટ રૂબરૂ બાંહેધરી આપ્યા છતાં પણ તેનું પાલન નહી થતાં હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવતાં હાઇકોર્ટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, રજીસ્ટ્રાર તથા અન્યોને હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી હતી. જેમાં આજે આ કેસની સુનાવણી દરમ્યાન યુનિવર્સિટીના વકીલ તરફથી જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવતાં પિટિશનની સુનાવણી તા.23મી ઓગસ્ટ પર ટળી હતી.
સુરતના પંકજ જશવંતભાઈ પટેલએ તેમના એડવોકેટ નિમિષ કાપડીયા અને રૂષભ કાપડીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટ તીરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ પીટીશન એટલે MCA 329/2021 દાખલ કરી જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં યુનિવર્સીટીના કાર્યક્રમોમાં તેમણે ડેકોરેશન તથા અન્ય વ્યવસ્થાઓ પુરી પાડી હતી. જેમાં યુનિવર્સીટીએ ફક્ત રૂ.૨૦ લાખ ચુક્વેલ અને યુનિવર્સીટી પાસેથી બાકીના ૪૦ લાખ રૂપિયા લેવાના નીકળતાં હોવાં છતાં અને રજુઆતો કરવાં છતાં યુનિવર્સીટીના અધિકારીઓએ એક કે બીજા બહાના હેઠળ બાકીનું પેમેન્ટ ચુકવેલ નથી. એટલું જ નહી, વર્ષ ૨૦૧૬ માં સીન્ડીકેટએ ઠરાવ નિર્ણય લીધેલ કે કોન્ટ્રાક્ટર ને ૫૦% રકમ ચુકવવી. પરંતુ તે પણ ચુકવેલ નથી. યુનિવર્સીટીએ પૈસા ચુકવવા ન પડે તે હેતુથી તપાસ સમિતિની નિમણુંક કરી હતી. તેનો રીપોર્ટ પણ અરજદારની ફેવરમાં આવ્યો હતો, તેમ છતાં ખોટી રીતે બીજી કમીટી બનાવી અરજદારને નાણા ચુકવેલ નથી. તેથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં SCA 10782/2020 દાખલ કરી હતી.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ નિમિષ કાપડીયા અને રૂષભ કાપડીયાએ હાઇકોર્ટનું ધ્યાન દોરતાં ભારપૂર્વક જણાવ્યું કે, આ કેસની સુનાવણી દરમ્યાન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના વકીલે રજીસ્ટ્રારના પત્રના આધારે એવું નિવેદન કર્યું હતું કે, અરજદારને આપવાની રકમનો પ્રશ્ન એક મહીનાની અંદર સીન્ડીકેટ સમક્ષ નિર્ણય માટે મુકવામાં આવશે. પરંતુ આવો હુકમ મેળવ્યા છતાં રજીસ્ટ્રાર અને વાઈસ ચાન્સેલરએ અરજદારની લેખિત અરજીઓ છતાં અરજદારના નાણાં ચુકવાનો પ્રશ્ન સીડીકેટ સમક્ષ મુક્યો નથી અને હાઇકોર્ટ સમક્ષ ખોટું નિવેદન કર્યું હતું. આ સંજોગોમાં તેઓની વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ કોર્ટ તીરસ્કારની કાર્યવાહી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ નિમિષ કાપડીયા અને રૂષભ કાપડીયાની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટના જસ્ટીસ એ.જે.દેસાઈ અને એ.પી.ઠાકરની ખંડપીઠે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, રજીસ્ટ્રાર તથા અન્ય વિરૂધ્ધ નોટીસો જારી કરી કેસની વધુ સુનાવણી તા. ૧૩-૦૭-૨૦૨૧ ના રોજ રાખી હતી. જેમાં આજે આ કેસની સુનાવણી દરમ્યાન યુનિવર્સિટીના વકીલ તરફથી જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવતાં પિટિશનની સુનાવણી તા.23મી ઓગસ્ટ પર ટળી હતી.