ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત યોજનાનો લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં દેશમાં ૪૦ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવાનો છે. જેમાં ગુજરાત મહત્વનો રોલ અદા કરશે – ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ
રૂફટોપ સોલાર ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરીને કેન્દ્ર સરકારે બિરદાવીઃ અન્ય રાજ્યોને ગુજરાત મોડલ અનુસરવા કર્યો અનુરોધ
સમગ્ર રાષ્ટ્રમાં સ્થપાયેલ સોલાર રૂફટોપ યોજનામાં ૯૦ ટકા સોલાર સીસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ અંતર્ગત ગુજરાતને ૯૩૨ મેગાવોટ માટે રૂ. ૧૫૦૦ કરોડની સહાય મંજુર
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ફેઝ-૨ અંતર્ગત ૨,૩૭,૮૩૨ વીજ ગ્રાહકોએ ૯૨૦ મેગાવોટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું- ૭૫૦ મેગાવોટ વીજ ઉત્પાદન શરૂ
રાજયમાં સોલાર રૂફ ટોપ યોજનાને પ્રોત્સાહન આપવા રહેઠાણના ગ્રાહકોને નિયમિત ધોરણે એસ.એમ.એસ. સહિત કોઈપણ ગ્રાહક મિસ કોલ કરીને માહિતી મેળવી શકે છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14
ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં રૂફ ટોપ સોલાર યોજનાનો વ્યાપ વધે તે માટે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાત સરકારે સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯થી કાર્યાન્વિત કરી છે. ગુજરાત સરકારના સુચારૂરૂપ આયોજન અને અસરકારક કામગીરીને કેન્દ્ર સરકારે બિરદાવીને અન્ય રાજ્યોને ગુજરાત મોડલ અનુસરવા અનુરોધ કર્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં સ્થપાયેલ સોલાર રૂફટોપ યોજનામાં ૯૦ ટકા સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ અંતર્ગત ગુજરાતને ૯૩૨ મેગાવોટ માટે રૂ. ૧૫૦૦ કરોડની સહાય મંજુર કરાઈ છે.
ઉર્જા મંત્રીશ્રી એ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન એનર્જી કલીન એનર્જીના મંત્રને સાકાર કરવા ગુજરાત દેશને રાહ ચીંધશે આ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. ગુજરાત સરકાર દ્વારા રૂફટોપ પ્રોજેકટ હેઠળ છેલ્લા બે વર્ષથી શરૂ કરાયો છે જે હેઠળ લગભગ ૭૫૦ મેગાવોટ જેટલી ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરી દેવાઈ છે જે માત્રને માત્ર ગુજરાત સરકાર દ્વારા રૂફટોપ સોલાર યોજના માટે કરાયેલ અસરકારક કામગીરીને ફાળે જાય છે.
કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોને સૂચન કરતા કહ્યું કે, ગુજરાત સરકારે જે કામ કર્યું છે તે મુજબ રૂફટોપ સોલાર યોજનાનો વ્યાપ વધે અને જનજાગૃતિ કેળવાય તે માટે રહેઠાણના ગ્રાહકોને નિયમિત ધોરણે એસ.એમ.એસ. મોકલી સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરાય છે, યોજનાની વિગતો માટે મોબાઈલ નંબર આપ્યો છે જેમાં કોઈપણ ગ્રાહક મિસ કોલ કરીને માહિતી મેળવી શકે છે.
સબસિડી, સોલાર સિસ્ટમ લગાડનાર એજન્સીસનું નામ, રૂફટોપ સોલાર સ્થાપન માટેના અમલીકરણની માર્ગદર્શિકા સહિતની વિગતો માટે એફએમ રેડીયો ચેનલ પર માહિતીને બ્રોડકાસ્ટ , સરકારી કચેરીઓ પર ફલેક્સ બેનર લગાવવા, સમાચાર પત્રોમાં જાહેરાતો આપવી વીજ બીલની સાથે અને સમાચાર પત્રો સાથે માહિતીની પત્રિકાઓ વહેંચવી, ટી.વી. અને સિનેમાઓમાં વિડીયો સ્ક્રીપ્ટ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી રહી છે.
આ તમામ પ્રવૃત્તિઓ દેશની વિવિધ વીજ વિતરણ કંપનીઓ દ્વારા ઉપભોગતાઓ સુધી પહોંચાડવા અને રૂફટોપ સોલારના સ્થાપનને પ્રોત્સાહન કરવા માટે વીજ વિતરણ કંપની દ્વારા પ્રિન્ટ કોપી, ઇ-મેલ અને એસએમએસ મોકલવા, ફેસબુક, યુ-ટ્યુબ, ટ્વિટર, વોટ્સએપ ચેટ થકી સોશ્યલ મિડીયા દ્વારા અભિયાન ચલાવવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા દેશના અન્ય રાજ્યોને કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા સૂચન કરી સંપૂર્ણ સહયોગ આપવા સંમતિ દર્શાવાઈ છે.
ઉર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહનને વેગ મળે તે હેતુથી કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરાઈ હતી. આ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૨.૩૮ લાખથી વધુ વીજ ગ્રાહકોએ ૯૨૦ મેગાવોટનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી ૭૫૦ મેગાવોટની સિસ્ટમ સ્થાપિત થઈ ગઈ છે. રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઉર્જા ઉત્પન્ન કરી વધારાની ઉર્જા ગ્રીડમાં વેંચી વધારાની આવક મેળવી રહ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરી અંગેનો રીપોર્ટ તાજેતરમાં પ્રોગ્રામના અમલીકરણની સમીક્ષા પર રાષ્ટ્રીય વર્કશોપ ૧૨ મી જૂન ૨૦૨૧ માં રજૂ કરવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા દેશના અન્ય રાજ્યોને ગુજરાત મોડલ અનુસરવા અનુરોધ કરાયો છે.
તેમણે કહ્યુ કે,રાજ્ય સરકાર દ્વારા ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત વિવિધ પ્રોત્સાહનો આપવામા આવી રહ્યા છે જેના પરિણામે રહેઠાણ સહિત નાના એકમોમા સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થઈ રહ્યા છે. ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત યોજનાનો લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં દેશમાં ૪૦ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવાનો છે. જેમાં ગુજરાત મહત્વનો રોલ અદા કરશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રૂફટોપ લાભાર્થીઓને યોજના અંગેની જાણકારી અને જાગૃતિ માટે તથા તેના ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરવાના સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
bharatmirror #bharatmirror21 #news