રાજયમાં આજે માત્ર 24 કેસ નોંધાયા, હવે કોરોના દર્દી સાજા થવાનો દર 98.72 – રાજ્યના 25 જિલ્લામાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા
રાજયમાં કુલ 3,92,953 વ્યક્તિઓનું રસીકરણ થયું જેમાં આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 41,137 વ્યક્તિને રસી આપવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.19
કોરોના વાયરસે ગુજરાતભરમાં હાહાકાર મચાવ્યા બાદ તેની પ્રથમ લહેર પછી આજે એવો દિવસ આવ્યો કે, જયારે રાજયમાં કોરોનાના સૌથી ઓછા કેસ એટલે કે, સમગ્ર રાજયમાં આજે માત્ર 24 કેસ નોંધાયા છે. વળી, આજે રાજયભરમાં કોરોનાના કારણે એક પણ મોત નોંધાયુ નથી. માત્ર અમદાવાદ અને સુરતમાં જ સૌથી વધુ અને એ પણ માત્ર પાંચ-પાંચ કેસ નોંધાયા છે. રાજયના 25 જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જે બહુ નોંધનીય કહી શકાય. રાજયમાં કુલ 3,92,953 વ્યક્તિઓનું રસીકરણ થયું જેમાં આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 41,137 વ્યક્તિને રસી આપવામાં આવી છે. આમ, કોરોનાનો કહેર બહુ નોંધપાત્ર રીતે હવે રાજયભરમાંથી ઘટી રહ્યો છે પરંતુ તેમછતાં જનતાએ સાવચેતી અને સાવધાની તો એટલી જ રાખવી જરૂરી બની રહે છે. ખાસ કરીને સરકારની કોવીડ ગાઇડલાઇન્સ અને માર્ગદર્શિકાનું હજુ પણ ચુસ્તપણે પાલન કરાશે તો, કોરોનાને મ્હાત આપવામાં નિશંકપણે સફળતા મળશે તે નક્કી છે.
ગુજરાતમાં કોરોનાના કેસોની આજની સ્થિતિની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેની સામે 74 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે આજે એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.72 ટકા છે.
તો, વળી, આજે રાજ્યના 25 જિલ્લામાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે જ્યારે બાકીના જિલ્લામાં એકથી પાંચ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે સૌથી વધુ કેસ ફક્ત 5 જ નોંધાયા છે, જે અમદાવાદ અને સુરત શહેરમાં નોંધાયા છે. જયારે તેની સામે સૌથી વધુ 26 દર્દી અમદાવાદ શહેરમાંથી સાજા થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરા કોર્પોરેશનમાં 3-3 કેસ આવ્યા છે. રાજયના 25 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે ત્રણ મહાનગર જામનગર, ભાવનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો, વળી, આઠ જિલ્લામાં તો માત્ર 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,97,34,5497 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં આજે કુલ 3,92,953 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. જેમાં આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 41,137 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 234ને પ્રથમ અને 13808 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 69067 ને પ્રથમ અને 89847 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 211764 લોકોને પ્રથમ અને 8233 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
બીજીબાજુ, ગુજરાત રાજ્યમાં હાલ કોરોના વાયરસના ફક્ત 443 એક્ટિવ કેસ છે જ્યારે આ પૈકીના 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી કુલ 8,13,998 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 10076 છે. રાજ્યમાં કોરોનાના કેસ તળિયે બેસી જતા રિકવરી રેટ 98.72 ટકાએ પહોંચ્યો છે.