ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ટવીટ્ કરીને જણાવ્યું કે, કેન્દ્ર સરકાર વેકસીનેશન બાબતે શ્વેતપત્ર જાહેર કરે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વેકસીનેશનની કોઇ યોગ્ય વ્યવસ્થા, આયોજન કે નેટવર્ક જ નથી, જેને લઇ પ્રજા ભારે પરેશાન – મુકેશ પરીખ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.8
કોરોના મહામારીના કપરા સમયમાં કોરોના સામેનો જંગ જીતવા એકબાજુ પ્રજાને કોરોના સંક્રમણથી બચાવવા અને સુરક્ષિત રાખવાના ઉમદા આશયથી કેન્દ્ર સરકાર અને રાજય સરકારો પ્રત્યેક વ્યકિત વેકસીનનો ડોઝ લે અને તે માટે પૂરતા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરે છે ત્યારે બીજીબાજુ, છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં વેકેસીનેશનલ કેન્દ્રો બંધ કરાવવામાં આવતાં લોકોને ભારે નિરાશા અને હતાશાનો સામનો કરવો પડી રહ્યો છે. વેકસીનને લઇ પ્રજામાં જયારે જાગૃતતા આવી છે ત્યારે તેવા સમયે ઘણા કેન્દ્રો પર વેકસીન જ ઉપલબ્ધ નથી. બીજીબાજુ, ખાનગી હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટ સાથે વેકસીનેશન પૂરજોશમાં ચાલુ છે ત્યારે સરકારે આ મામલે દરમ્યાનગીરી કરી ખાનગી હોસ્પિટલોની લૂંટ પર નિયંત્રણ લાદવું જોઇએ અને પ્રજાને પોષાય તેવા ટોકન દરે વેકસીનેશન માટેની વ્યવસ્થા ગોઠવવી જોઇએ એવી ઉગ્ર માંગ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે રાજય અને કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું કે, સરકારી અને અમ્યુકો તંત્રના રસીકરણ કેન્દ્રો પર રસીની અછત સર્જાય છે પરંતુ ખાનગી હોસ્પિટલોને વેકસીનની કોઇ શોર્ટેજ નડતી નથી. ખાનગી હોસ્પિટલોમાં દરરોજના 500થી 1000 વ્યકિતઓને વેકસીન આપવામાં આવે છે. દરરોજ આશરે 15000થી વધુ વ્યકિતઓને ખાનગી હોસ્પિટલો દ્વારા વેકસીન આપવામાં આવે છે. કોવીશીલ્ડ વેકસીનનો રૂ.780 જેટલો ઉંચો ચાર્જ વસૂલવામાં આવે છે, જેને લઇ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને તો આટલો ઉંચો ચાર્જ પોષાય પણ નહી, તેથી તેઓ ખાનગી હોસ્પિટલોમાં વેકસીન લેવા જવાનું ટાળે છે, જેને લઇ વેકસીનનો સરકારનો જે ઉમદા આશય અને પ્રચાર-પ્રસાર છે તે ખરા અર્થમાં પરિપૂર્ણ થતો નથી.
દરમ્યાન ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ટવીટ્ કરીને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર વેકસીનેશન બાબતે શ્વેતપત્ર જાહેર કરે. દરેક બ્રાન્ડની વેકસીનની પડતર કિંમત પણ કેન્દ્ર દ્વારા જાહેર થવી જોઇએ. એટલું જ નહી, ખાનગી હોસ્પિટલો દ્વારા ચાલતી ઉઘાડી લૂંટ બંધ કરાવી વેકસીનેશન માટે રૂ.200 જ ચાર્જ વસૂલ કરી શકે તેવો આદેશ આપવો જોઇએ. સરકાર વેકસીનેશન માટે સર્વોચ્ચ અગ્રીમતા આપે અને યોગ્ય આયોજન કરે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે ઉમેર્યં કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વેકસીનેશનની કોઇ યોગ્ય વ્યવસ્થા, આયોજન કે નેટવર્ક જ નથી. કોર્પોરેશનના કેટલાક વેકસીન સેન્ટરો પર નાગરિકોની લાંબી લાઇનો લાગે છે તો કયાંક લાંબી લાઇનો વચ્ચે વેકસીન જ ગાયબ હોય છે, જેને લઇ ભારે હોબાળો અને અંધાધૂંધીની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજય સરકારે તાત્કાલિક ધોરણે વેકસીનેશન અભિયાનનો ઉમદા આશય સાચા અર્થમાં ચરિતાર્થ થાય તેવી માળખાકીય વ્યવસ્થા ગોઠવી તે માટેના જરૂરી આદેશો જારી કરવા જોઇએ કે જેથી પ્રજા અણઘડ વ્યવસ્થાના કારણે હેરાન-પરેશાન ના થાય.