હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા હોવાના દુઃખદ સમાચારની જાણ થતાં જ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તેમને શ્રદ્ધાંજલિ અર્પી
આજથી પાંચ દિવસ સુધી તા.31 જુલાઇ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. તા.1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવશે. આ માટે અલગ-અલગ પ્રદેશ માટે જુદા-જુદા દિવસે વ્યવસ્થા ગોઠવવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.27
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજીએ પોતાની જીવન લીલા સંકેલી અક્ષરધામ નિવાસી થતાં સૌ હરિભક્તોમાં ઘેરા શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ છે. માત્ર, અમદાવાદ, વડોદરા કે ગુજરાત જ નહી પરંતુ દેશ વિદેશમાં વસતા તેમના ભક્તો ઉંડા આઘાતમાં સરી પડ્યાં છે. લાંબા સમયથી બીમાર રહેતા હરિપ્રસાદ સ્વામીએ 88 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. ત્યારે સંસ્થાની વેબસાઈટ તથા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના નિધનની જાહેરાત કરાતાં હરિભકતોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તો, હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા હોવાના દુઃખદ સમાચારની જાણ થતાં જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.
ઉલ્લેખનીય છે કે, હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી આજીવન તેઓ હરિભક્તો માટે કાર્યરત રહ્યા હતા. યુવાનોના શિક્ષણમાં તેમનુ મોટુ યોગદાન હતું. તેઓ પ્રમુખસ્વામીના ગુરુભાઈ અને લગભગ સમકક્ષ હતા. તેણે વડતાલથી અલગ થઈને સોખડા ધામનો નવો ફાંટો કર્યો હતો. બાપ્સની માફક ચરોતર, કાનમ (વડોદરા આસપાસના વિસ્તારોના) હરિભક્તો પર તેમનો ઊંડો પ્રભાવ હતો. હરિપ્રસાદ સ્વામીજીના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામીશ્રીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.
આજે તા.27મી જૂલાઇથી પાંચ દિવસ સુધી તા.31 જુલાઇ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. તા.1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવશે. આ માટે અલગ-અલગ પ્રદેશ માટે જુદા-જુદા દિવસે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંતિમ દર્શન માટે આવનાર તમામે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની ખાસ સૂચના અપાઇ રહી છે. ઘણાં સમયથી હરિપ્રસાદ સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જેથી તેમનું નિયમિત રીતે ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. કિડનીની બીમારીને કારણે સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો.
સ્વામીજીએ જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા હતા. હોસ્પિટલમા પણ સવારે ખૂબ મોટી સંખ્યામાં હરિભકતો સ્વામીજીના અંતિમ દર્શનાર્થે ઉમટી પડયા હતા. જો કે, પોલીસ અને સ્થાનિક તંત્રએ તમામ હરિભકતોને લાઇનસર ઉભા રાખી દર્શનની વ્યવસ્થા સંભાળી હતી. બાદમાં સોખડા ખાતેના મંદિરે પણ હરિભકતો સ્વામીજીના અંતિમ દર્શનાર્થે પહોંચ્યા હતા એ વખતે ભારે લાગણીસભર અને હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને મહિલાઓ અને બહેનો ચોધાર આંસુએ રડતા જોવા મળી હતી. હરિભકતોના રૂદન અને આઘાતના કારણે સમગ્ર માહોલ શોકમય બની ગયો હતો. સૌકોઇ સ્વામીજીના અંતિમ દર્શન અને આશીર્વાદ મેળવવાની જ અભિલાષા વ્યકત કરતા જોવા મળ્યા હતા.