ગોત્રી મેડિકલ કોલેજમાં સિનિયર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા 60 વિદ્યાર્થીને 100 ઉઠક-બેઠક કરાવીને રેગિંગ કરાતાં શિક્ષણજગતમાં ઉંડા અને ઘેરા પ્રત્યાઘાત
રેગિંગની ઘટના બાદ સમગ્ર મામલામાં સંડોવાયેલા બે વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરાઇ – ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સની તપાસ જારી
કોલેજની મેનેજમેન્ટ કમીટીના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે – રેગિંગની ઘટનાને લઇ શિક્ષણજગતને લાંછન લાગતાં સરકાર ખફા
ગાંધીનગર,તા.26
વડોદરાની જાણીતી ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતાં શિક્ષણજગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને સુપ્રીમકોર્ટના રેગિંગનું દૂષણ નાથવા માટે જારી કરાયેલા મહત્વના આદેશો અને માર્ગદર્શિકા બાદ પણ આવી ઘટનાઓ સામે આવતાં ગુજરાતના શિક્ષણજગતમાં તેના લાંછનરૂપ છાંટા ઉડયા છે. જેને લઇ ખુદ રાજય સરકારે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ આ પ્રકરણમાં તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે કોલેજ સંચાલકો પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતો મંગાવી છે. તો બીજી તરફ રેગિંગની ઘટના કોલેજનું તંત્ર એક્શનમાં આવ્યું છે. બીજીબાજુ, રેગિંગની ઘટના બાદ સમગ્ર મામલામાં સંડોવાયેલા બે વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરાઇ છે, જયારે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સની તપાસ જારી કરી દેવાઇ છે.
ગોત્રી પોલીસ પણ સમગ્ર મામલે હરકતમાં આવી છે. કોલેજની મેનેજમેન્ટ કમીટીના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. રેગિંગની શરમજનક ઘટના બાદ તાત્કાલિક ધોરણે ગોત્રી મેડિકલ કોલેજના મેનેજમેન્ટ, એન્ટિ રેગિંગ કમિટી અને સ્થાનિક પીઆઈની બેઠક મળી હતી. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મેનેજમેન્ટની કમિટી યોગ્ય તપાસ કરશે. રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ પોલીસને એક રિપોર્ટ સોંપવામાં આવશે. જેના આધારે પોલીસ વિભાગ આગળ કાર્યવાહી કરશે., તેથી પોલીસની ભૂમિકા પણ હવે સમગ્ર મામલામાં બહુ મહત્વની થઇ જાય છે.
તો બીજીબાજુ, રેગિંગની ઘટના બાદ ગોત્રી કોલેજના મેનેજમેન્ટ દ્વારા થતી તપાસ પ્રભાવિત ન થાય તે માટે બહારથી આવતા કોઈ પૂર્વ વિદ્યાર્થીને હમણાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગોત્રી મેડિકલ કોલેજમાં સિનિયર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા 60 વિદ્યાર્થીને 100 ઉઠક-બેઠક કરાવીને રેગિંગ કરાયું હતું. જે બાદ ત્રણ વિદ્યાર્થીની તબિયત લથડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં એક જુનિયર વિધાર્થીએ દૂધની થેલી લાવવાનો ઇનકાર કરતા સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયાની વિગતો સામે આવી રહી છે. જો કે, હવે જોવાનું એ રહે છે કે આ મામલાની તપાસમાં શું સામે આવે છે. અને કેવી કાર્યવાહી થાય છે. કારણ કે, રેગિંગની ઘટના બહુ ગંભીર કહી શકાય અને જયારે ખુદ સુપ્રીમકોર્ટે આ બદીને નાથવા મહત્વના આદેશો અને માર્ગદર્શિકા જારી કરેલા હોય તેમછતાં આવી બદીને પ્રોત્સાહન આપવાની હિંમત કરનાર તત્વો સામે હવે રાજય સરકાર કયા પ્રકારની આકરી કાર્યવાહી કરે છે તેની પર સૌની નજર મંડાઇ છે.