કોંગ્રેસ દ્વારા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતને જે વિગતવાર અને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું, તેમાં ખૂબ જ સંવેદનશીલ અને ચોંકાવનારા મુદ્દાઓ અને બાબતોનો ઉલ્લેખ
ભારતના નાગરીકોને બંધારણે આપેલો સ્વતંત્ર અને વ્યકિત્તગત જીવન વિના રોક-ટોક જીવવાનો જે અધિકાર આપ્યો છે તેની રક્ષા કરવાને બદલે ભાજપ સરકાર આવું ગેરકાનુની રીતે ફોન ટેપીંગ કરાવી રહી છે
ગાંધીનગર, તા.23
કોંગ્રેસ દ્વારા આજે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતને જે વિગતવાર અને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, તેમાં ખૂબ જ સંવેદનશીલ અને ચોંકાવનારા મુદ્દાઓ અને બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પેગાસસ જાસૂસી કાંડને બહુ જ આઘાતજનક અને દેશની જનતા સાથે વિશ્વાસઘાત સમાન ગણાવી આ સમગ્ર મામલે તાત્કાલિક ધોરણે સુપ્રીમકોર્ટના જજના વડપણ હેઠળ ન્યાયિક તપાસ કરાવવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા રાજયપાલશ્રીને સપ્રત કરાયેલા આવેદનપત્ર શબ્દશઃ કંઇક આ પ્રમાણે છે..
પ્રતિ,
મહામહીમ શ્રી રામનાથ કોવિંદજી, મહામહીમ રાષ્ટ્રપતિશ્રી, રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્લી.
મારફતે
માનનીયશ્રી દેવવ્રત આચાર્યજી, નામદાર રાજયપાલશ્રી, ગુજરાત રાજ્ય, રાજભવન, ગાંધીનગર.
વિષય: ભાજપ સરકાર દ્વારા પેગાસસ માલવેર (Pegasus Spyware) મારફતે કોંગ્રેસ નેતાશ્રી રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન હેકીંગ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી સબબ આવેદન પત્ર.
મહામહીમ રાષ્ટ્રપતિ મહોદયશ્રી,
સાદર પ્રણામ.
સવિનય ખુબ દુઃખ સાથે આ આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે,
(૧) સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી નાખે તેવા ઈઝરાઈલના NSO કંપનીના પેગાસસ સોફટવેર/માલેવર દ્વારા ફોન હેકીંગથી ભારતમાં વિરોધ પક્ષના નેતાઓ, શાસક પક્ષના અમુક નેતાઓ, ટોચના પત્રકારો, માનવ અધિકાર માટે લડતા કર્મશીલો, સુપ્રીમ કોર્ટના માનનીય જજશ્રીઓ તથા તેના સ્ટાફ, ચુંટણી પંચના કમિશ્નરશ્રી સહિતના અંદાજે ૩૦૦ જેટલા ફોન હેક કરવાની ઘટનાને ભારતની જનતાના સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર ઉપર તરાપ મારનાર અને શાસન ટકાવી રાખવા માટે બંધારણ અને રાજનીતિક પ્રક્રિયા સાથે ચેડા કરવા સમાન છે.
(૨) ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૦ની રાજ્યસભાની ચુંટણીઓ વખતે તથા વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષના અને ભાજપના ટોચના નેતાઓના ફોન હેકીંગ દ્વારા જાસુસી થઈ રહી હોવાનો આક્ષેપની શંકા છે.
(૩) પેગાસસ સોફટવેર/માલવેર દ્વારા ફોન ટેપીંગની ઘટના અંગે ફ્રાંસમાં પત્રકારો અને રાજકારણીઓના ફોન હેકીંગ કરવાની ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ભારતમાં આ પેગાસસ માલવેર દ્વારા અંદાજે ૩૦૦ જેટલા મહાનુભાવોના ફોન હેક કરીને જાસુસ કરાઈ હોવાની ઘટનાનો સ્વીકાર કરવાની ભાજપની સરકાર ઈન્કાર કરી રહી છે. સદરહુ પેગાસસ દ્વારા કર્ણાટક અને મધ્યપ્રદેશની ચુંટાયેલ સરકારને ઉથલાવવામાં કોંગ્રેસના આગેવાનોના ફોન હેક કરીને જાસુસી કરાઈ હોવાની પ્રબળ શંકા છે.
(૪) કોંગ્રેસ પક્ષના પુર્વ અધ્યક્ષ માનનીયશ્રી રાહુલ ગાંધી, ભાજપ સરકારના બે મંત્રીઓ શ્રી પ્રહલાદ જોષી અને શ્રી વિષ્નોઈના ફોન હેક કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપ સરકારે પાકિસ્તાન કે ચીનની જાસુસી કરવાને બદલે પોતાના જ દેશના નાગરીકોની જાસુસી કરીને નિમ્ન કક્ષાની રાજનીતિના કારણે ભારતની આબરૂ દેશ અને દુનિયામાં ધોવાણ થયું છે. ભારતના નાગરીકોને બંધારણે આપેલો સ્વતંત્ર અને વ્યકિત્તગત જીવન વિના રોક-ટોકે જીવવાનો જે અધિકાર આપ્યો છે તેની રક્ષા કરવાને બદલે ભાજપ સરકાર આવું ગેરકાનુની રીતે ફોન ટેપીંગ કરાવી રહી છે.
(૫) ભાજપની કેંદ્ર સરકાર ફોન ટેપીંગની તપાસ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે કરાવવામાં આવે તો કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જનમત મેળવેલી સરકારો પાડવામાં અને ગુજરાતની ૨૦૧૭ અને ૨૦૨૦ની રાજ્યસભાની ચુંટણીઓ દરમ્યાન કોના ફોન હેક થયા હતા, તેની સાથે કયા ધારાસભ્યની કેટલા રૂપિયામાં ખરીદી થઈ હતી તે સોદાની ઘટના પણ સામે આવે તેમ છે.
(૬) અગાઉ સને ૨૦૦૨માં જે તે વખતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ભાજપના જ આગેવાન હરેન પંડ્યા તથા વિરોધ પક્ષના નેતાઓના ટેલીફોન ટેપ કરવાની સુચના રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારીઓને આપી હતી તે બાબત રેકોર્ડ ઉપર મૌજુદ છે. ૨૦૦૯માં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની સુચનાથી જે તે વખતના ગૃહમંત્રીશ્રી અમીત શાહે એક યુવતીની તેમના બેડરૂમ સુધી જાસુસી કરવામાં આવી હતી અને તે બાબતની એક આઈ.પી.એસ. અધિકારીની વાતચીતની આખી ટેપ સી.બી.આઈ.એ મેળવી હતી તે ઘટના પણ રેકોર્ડ ઉપર મૌજુદ છે. તેમ જ કોંગ્રેસ પક્ષના આગેવાનોની મોબાઈલની કોલ ડીટેઈલ ગેરકાનુની રીતે મેળવીને કોર્ટમાં રજુ કરાઈ હોવાના દાખલાઓ પણ છે.
(૭) પેગાસસ માલવેરની ખરીદી અને મેઈનટેન્સ કોન્ટ્રાકટ મુજબ આવા માલવેર માત્ર સાર્વભૌમિક સરકારોને માત્ર ત્રાસવાદીઓની માહિતી મેળવવા જ વેચવામાં આવે છે અને એક મોબાઈલ હેક કરવાનો ખર્ચ અંદાજે ૯૦ લાખ જેટલો થાય છે. અંદાજે ૪૫ કરોડનું એક પેગાસીસ અંદાજે ૫૦ ફોન ટેપ કરી શકે છે. નાગરીકોની જાસુસી કરવાનો ખર્ચ કયા હેડ હેઠળ કરવામાં આવે છે ? આ ખર્ચ કોઈ ખાનગી ઉદ્યોગ ગૃહ કે ભારત સરકારનું સ્વાયત એકમ ભોગવે છે.
(૮) જેમના ફોન ટેપ થાય છે તે યાદીમાં જે નામ છે જેવાકે પ્રશાંત કિશોર, અશોક લવાસા, આલોક વર્મા વગેરે તે પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં સત્તા પાર્ટી સંડોવાયેલી છે. પ્રશાંત કિશોર ભાજપ સામેના ચૂંટણી જંગમાં ભાજપને હરાવવા ખૂબ જાણીતા છે. અશોક લવાસા કે જેઓ ચૂંટણી પંચના કમિશ્નર હતા જેઓનો પક્ષ હતો કે 2019 ની ચૂંટણીઓ દરમ્યાન નરેન્દ્ર મોદી દ્વારા અપનાવેલી ગેર રીતિઓ સામે નિષ્પક્ષ રીતે પગલાં લેવા જોઈએ. આલોક વર્મા, પૂર્વ ડાયરેકટર, સીબીઆઈ કે જેમણે રાફેલ જેટની ખરીદી બાબતે પ્રાથમિક તપાસની નોંધ કરેલી. તે યાદ કરવું જોઈએ કે રાતોરાત તેમની બદલી કરવામાં આવેલી અને દિલ્હી પોલીસ દ્વારા તેમને સીબીઆઈ મુખ્યાલયમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવેલા કારણકે ડર હતો કે તેઓ આ બાબતમાં FIR રજીસ્ટર કરશે. તેમણે તત્કાલીન સ્પેશ્યલ ડાયરેકટર, સીબીઆઈ કે જેઓ ગોધરા ટ્રેન કાંડ 2002 ની તપાસ માટેની SIT ના હેડ હતા તેમની સામે FIR રજીસ્ટર કરેલી. તે જ પ્રમાણે ગુજરાત કેડરના આઇપીએસ ઓફિસરો જેવાકે રાકેશ અસ્થાના અને એ. કે. શર્મા પણ આ યાદીમાં છે. તે જ બતાવે છે કે Pegasus સોફ્ટ્વેરને રાષ્ટ્રીય સલામતી કે જાહેર કાયદા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેનો ઉપયોગ જે લોકો સરકારનો વિરોધ કરે છે અથવા જેઓની માહિતી એકઠી કરવામાં સરકારને રસ છે તેમના પર દેખરેખ રાખવા અને તેમની માહિતી એકઠી કરવા માટે કરવામાં આવે છે.
આમ, આ બાબતે સર્વાંગી તપાસ જરૂરી છે તેમજ દેશમાં અને રાજ્યમાં કયા મહાનુભાવોના ગેરકાયદેસર રીતે ફોન ટેપીંગ કરવામાં આવેલ તેની સત્ય વિગતો નાગરીકો સામે જાહેર કરવામાં આવી નથી જે બદલ દેશના વડાપ્રધાનશ્રી દેશના લોકોની માફી માંગે તેમજ જેમના શીરે દેશ અને જનતા જનાર્દનની સુરક્ષાની જવાબદારી છે તેવા બેજવાબદાર ગૃહમંત્રીશ્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીશ્રીના હોદ્દા પરથી રાજીનામું આપે અને ગેરકાયદેસર કૃત્ય કરવામાં સંડોવાયેલા સામે પગલાં લેવાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ મારફતે તપાસ થાય તેવી માંગણી અમે આપશ્રી સમક્ષ કરીએ છીએ.
આભાર સહ,