કોંગ્રેસ દ્વારા જન સંપર્ક અભિયાન સ્વરૂપે તા.1થી 9 ઓગસ્ટ દરમ્યાન વિવિધ કાર્યક્રમ મારફતે ભાજપ સરકારની જનવિરોધી અને ભ્રષ્ટ નીતિ-રિતીને ઉજાગર કરાશે અને ભાજપ સરકારની પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પડાશે
કોરોનાના કપરા કાળમાં પ્રજા મોંઘવારી, મંદી અને અસુરક્ષાથી ત્રસ્ત છે ત્યારે ભાજપ સરકાર પ્રજાના પૈસા તાયફાઓ પાછળ વેડફી રહી છે – વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી
કોરોના મહામારીમાં બે લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે, મંદીનો માહોલ છે, ધંધો-વેપાર ચોપટ થયા છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે. એવા સંજોગોમાં સરકારે પોતાના નિષ્ફળ શાસન માટે શરમ કરવી જોઈએ. તેના બદલે વાહવાહી કરવા માટે નવ દિવસના ઉત્સવો – તાયફા કરવા જઈ રહી છે – પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડા
અમદાવાદ,તા.30
ભાજપ સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન સંપર્ક અભિયાન’’ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વિવિધ કાર્યક્રમો યોજી ભાજપ સરકારની પોલ ખુલ્લી પાડવાની અને ભાજપનો અસલી ચહેરો પ્રજા સમક્ષ ઉજાગર કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – મહામારી – બેરોજગારી – અસુરક્ષાના ભાવ સાથે ગુજરાતની સાડા છ કરોડની જનતા આજે ખુબ કપરા સમયમાં પોતાનુ જીવન વ્યતિત કરી રહી છે. કોરોનાના આ કપરા સમયમાં સરકાર તરફથી લોકોને હુફ – મદદ – રાહત – સહાયતા મળવી જોઈએ. જેના બદલે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા રૂપી શાસનને વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાને ઉત્સવો – તાયફાઓ પાછળ વેડફી રહી છે. ગુજરાતનો યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર – મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે, કોરોના મહામારીમાં બે લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે, મંદીનો માહોલ છે, ધંધો-વેપાર ચોપટ થયા છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે. એવા સંજોગોમાં સરકારે પોતાના નિષ્ફળ શાસન માટે શરમ કરવી જોઈએ. જેના બદલે વાહવાહી કરવા માટે નવ દિવસના ઉત્સવો – તાયફા કરવા જઈ રહી છે. આ ઉત્સવ – ઉજવણી શેના માટે ? ઉજવણી કોના કેમ ? એ વાતને લઈને ગુજરાતના છ કરોડ નાગરિકોના આક્રોશ, મુજવણી, વ્યથા, લાગણી અને માંગણી વાચા આપવા, માટે કોંગ્રેસ માટે ક્રાંતિકારી ઓગસ્ટ મહિનામાં નવ દિવસના ‘‘જન ચેતના અભિયાન’’ કાર્યક્રમ કરવાના છીએ.
‘‘જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૧લી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભાજપના શાસનમાં શિક્ષણનાં ખાનગીકરણ, છ હજાર કરતા વધારે પ્રાથમિક શાળાઓ બંધ, સરકારી ગ્રાન્ટેડ – કોલેજો ખાનગી યુનિવર્સિટીઓમાં મર્જ કરવા સહીત પ્રાથમિક – માધ્યમિક – ઉચ્ચતર – હાયર એજ્યુકેશનની સંસ્થાઓમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી તે કારણે શિક્ષણ દિવસે દિવસે કથળતુ જાય છે. ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં શિક્ષણની અધોગતિ થઈ છે ત્યારે ગુજરાતમાં બાળકોના ભવિષ્ય માટે ‘‘શિક્ષણ બચાવો અભિયાન’’ કરવા જઈ રહ્યાં છીએ. કોરોના મહામારીમાં લોકોને ઓક્સિજન, બેડ, ઈન્જક્શન, વેન્ટીલેટર ના અભાવે બે લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા. ભાજપ સરકાર સંવેદનશીલતાથી કામ કરવાને બદલે અસંવેદનશીલ ભાજપ સરકાર અવ્યવસ્થા અને અણઘડ વહિવટથી ભોગ ગુજરાતની જનતા બની રહી છે. મહામારીમાં ખાનગી હોસ્પિટલોમાં જે રીતે લાખો રૂપિયાની લુંટ અને ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે તા.૨જી ઓગસ્ટે અસંવેદનશીલ સરકાર ‘‘આરોગ્ય બચાવો અભિયાન’’ કરવાના છીએ. એજ રીતે તા.૩જી ઓગસ્ટે કોંગ્રેસની યુપીએ સરકાર વખતે આખા દેશમાં કોઈ પણ વ્યક્તિ ભુખ્યો ના સુઈ જાય એની ચિંતા કરીને અન્ન સુરક્ષા કાયદો લાવવામાં આવ્યો હતો. આ સરકારે તેનો પુરતો લાભ લોકોને ના આપ્યો, આજે પણ ગરીબોને બીપીએલ કાર્ડ નથી મળતુ, કાર્ડ ઉપર પણ પુરુ રેશન નથી મળતુ, ગરીબોનુ અનાજ બારોબાર એમના મળતીયાઓ દ્વારા સગેવગે કરવામાં આવે છે, ત્યારે આખા ગુજરાતના જે ગરીબ વર્ગના લોકો છે. તેમનો અન્ન અધિકારનો અભિયાન લઈને અમે આવી રહ્યાં છીએ. તા.૩જી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં અન્ન અધિકારના નામે ગરીબોના હક્ક – અધિકારની લડાઈ લડવામાં આવશે.
એ જ રીતે ગુજરાતની ૫૦ ટકા વસ્તિ મહિલાઓની, એ મહિલાઓ દ્વારા આજે અસુરક્ષાના ભાવ સાથે જીવી રહી છે. મહિલાઓ ઉપરના અત્યાચારો દિવસેને દિવસે વધી રહ્યાં છે. બહેન-દિકરીઓ સલામત નથી. ત્યારે સમગ્ર ગુજરાતની નારી શક્તિ સન્માન, સુરક્ષા સાથે જીવી શકે, જુલમ – અત્યાચાર ન થાય છે એ માટે તા.૪થી ઓગસ્ટે ‘‘મહિલા સુરક્ષા અભિયાન’’ કરવા જઈ રહ્યાં છીએ. ભાજપ સરકારની ખેડૂત – ખેતી વિરોધી નીતિઓને કારણે ગુજરાતના ખેડૂતો ઉપર ૯૦ હજાર કરોડ કરતા વધારાનુ દેવુ થઈ ચુક્યુ છે. ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે. એકબાજુ ખાતર ના મળે, બિયારણ ના મળે, સિંચાઈ – વિજળી – તમામ મોંઘુ હોય એવા સંજોગોમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ ના મળે. પાક વિમાથી રક્ષણ ના મળે, ખેડૂતો – ખેતીને ખતમ કરવા માટે એક વ્યવસ્થિત ષડયંત્ર હોય એ રીતે જમીન માપણીમાં મોટા પાયે કૌભાંડો થાય આ તમામ ખેડૂતોની વ્યથા છે, જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. એ વાતને લઈ ૫મી ઓગસ્ટે ‘‘ખેડૂત – ખેતી બચાવો અભિયાન’’ લઈને આવી રહ્યાં છીએ.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ સરકારની યુવા વિરોધી, શિક્ષણ વિરોધી, રોજગાર વિરોધી નીતિઓને કારણે શિક્ષણ મોંઘુ થયું. યુવાનોને રોજગારી નથી મળતી. ગુજરાતમાં ૪૦ લાખ કરતા વધારે બેરોજગાર યુવાનો છે. ભરતી ન થાય, ભરતીમાં કૌભાંડ થાય, આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે યુવાનોનુ શોષણ થાય ત્યારે ગુજરાતના યુવાનનો રોજગારના અધિકાર અપાવવાના લક્ષ્ય સાથે તા.૬ઠ્ઠી ઓગસ્ટે ‘‘બેરોજગારી હટાવો અભિયાન’’ કરવાના છીએ. વિકાસની ખુબ મોટી વાતો થાય. મોટી પબ્લિસીટી થાય ત્યારે અમે પુછવા માંગીએ છીએ કે ‘‘વિકાસ કોનો થયો ?’’ વિકાસ માત્ર ભાજપના મળતીયા, નેતાઓ, આગેવાનો થયો, વિકાસ મુઠ્ઠીભર લોકોનો, પૈસાદાર-માલેતુજાર ઉદ્યોગપતિઓનો થયો, પરંતુ ગુજરાતની સામાન્ય – મધ્યમવર્ગ – ગરીબ વર્ગ આજે પણ વિકાસથી વંચિત છે. આ ભાજપની નીતિઓને કારણે ગુજરાતમાં પૈસાદાર લોકો વધુ પૈસાદાર થયો, જે કોંગ્રેસની નીતિઓને કારણે ગરીબને અપગ્રેડ કરીને મધ્યમવર્ગ સુધી લાવી શક્યા હતા તે આ ભાજપ સરકારની નીતિઓને કારણે મધ્યમવર્ગ આજે ફરી ગરીબી તરફ આગળ વધી રહ્યો છે. મુઠ્ઠીભર લોકોનો વિકાસ, મુઠ્ઠીભર લોકોનો ફાયદો થયો, આ શાસન પણ મુઠ્ઠીભર લોકો માટે જ ચાલે છે ત્યારે વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન એ બેનર હેઠળ ૭મી ઓગસ્ટના રોજ લઈને આવી રહ્યાં છે.
એ જ રીતે તા.૮મી ઓગસ્ટ જન અધિકાર અભિયાન ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારો નગરપાલિકા – મહાનગરપાલિકાના નાગરિકો ખુબ મોટા પ્રમાણમાં ટેક્ષ આપે છે. પોતાના પરસેવાની કમાણીમાંથી મોટો હિસ્સો ટેક્ષના રૂપે સરકારની તિજોરીમાં જમા કરાવે છે. એની સામે પ્રજાનો અધિકાર જે છે. કે સારા રસ્તા મળવા જોઈએ, પીવાનુ શુદ્ધ પાણી મળવુ જોઈએ, શુદ્ધ પર્યાવરણ મળવુ જોઈએ, ટ્રાફીકની સમસ્યાઓમાંથી મુક્તિ મળવી જોઈએ. સારુ કાયદો વ્યવસ્થાવાળુ શાસન મળવુ જોઈએ અને સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને બીજી માળખાગત સુવિધાઓ, જેમકે, સ્વચ્છતા – ગટર સહિત પુરેપુરી પ્રજાની સુખાકારી માટેની રકમ વપરાવવી જોઈએ. રાહત કરવાને બદલે શહેરી વિસ્તારમાં સરકાર જાહેર અને પોતાના માનિતાઓ લોકો માટે માનિતા વિસ્તારો માટે કામ કરી રહી છે. એવા સંજોગોમાં સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ વિસ્તારો માટે અમે તા.૮મી ઓગસ્ટે જન અધિકાર અભિયાન એટલે કે પ્રજા જે ટેક્ષ ભરી છે તેના સામે જે સુવિધાઓ મેળવવા માટેનો જે અધિકારએ વાતને લઈને કાર્યક્રમ લઈને આવી રહ્યાં છે.
તા.૯મી ઓગસ્ટ ક્રાંતિ દિવસ છે, તા.૯મી ઓગસ્ટ આદિવાસી દિવસ છે અને આપણે સૌ જાણીએ છીએ કે, ભાજપના શાસનમાં લોકોની આઝાદી ખતમ થઈ ગઈ છે. લોકોના અધિકારોનુ હનન થઈ રહ્યું છે, જે રીતે આદિવાસી સમાજ કે જે જળ, જંગલ અને જમીન એનો અધિકાર છે. એના માટે કોંગ્રેસની સરકારોએ અનેક કાયદાકીય રક્ષણો આપ્યા હતા, એ તમામ અધિકારો – રક્ષણો છીનવવાનુ કામ થઈ રહ્યું છે. પોતાના માનિતા લોકો માટે જંગલની જમીન, આદિવાસી વિસ્તારની જમીનો હડપ કરવામાં આવી રહી છે. હમણાં જ કેવડીયા કોલોની ખાતે આપણે સૌએ જોયુ, સોનગઢ ખાતે જોયુ કે આદિવાસીઓના વિરોધ છતા પણ જબરજસ્તીથી તેમની જમીનો ઉપર કબજા લેવાઈ રહ્યાં છે. એમની જે ઐતિહાસીક ધરોહર છે, જે ઓળખ છે તે ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એજ રીતે ગુજરાતમાં આદિવાસી સમાજની સાથે સાથે દલિત સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, લઘુમતિ સમાજ હોય આ તમામ ગરીબ – મધ્યમવર્ગ – સામાન્ય વર્ગના લોકોના જે સંવૈધાનિક અધિકારો છે એ છીનવાઈ રહ્યાં છે, આ તમામ લોકોને આપણે આવનારા સમય ભવિષ્યની ચિંતા ઉભી થાય એવુ શાસન ચાલી રહ્યું છે. ત્યારે ૯મી ઓગસ્ટે જે ક્રાંતિ દિવસ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સામાજીક ક્રાંતિ અભિયાન લઈને કોંગ્રેસ પક્ષ અભિયાન ચલાવશે. કોંગ્રેસ પક્ષ રાજ્યના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તમામના હક્ક-અધિકાર માટે અભિયાન સ્વરૂપે કાર્યક્રમ દ્વારા ભાજપ સરકારની જનવિરોધી અને ભ્રષ્ટ નીતિ-રિતીને ઉજાગર કરાશે અને ભાજપનો અસલી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડી સરકારની પોલ ખોલવાનો પ્રયાસ કરાશે એમ અંતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ ઉમેર્યું હતું.
બોક્ષ – કોંગ્રેસનો ‘‘જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ
દિવસ કાર્યક્રમની વિગત
1 ઓગસ્ટ, રવિવાર શિક્ષણ બચાવો અભિયાન
2 ઓગસ્ટ, સોમવાર ‘‘સંવેદનહીન સરકાર’’ આરોગ્ય બચાવો અભિયાન
3 ઓગસ્ટ, મંગળવાર અન્ન અધિકાર અભિયાન
4 ઓગસ્ટ, બુધવાર મહિલા સુરક્ષા અભિયાન
5 ઓગસ્ટ, ગુરુવાર ખેડૂત – ખેતી – બચાવો અભિયાન
6 ઓગષ્ટ, શુક્રવાર બેરોજગારી હટાવો અભિયાન
7 ઓગસ્ટ, શનિવાર ‘‘વિકાસ કોનો ?’’ વિકાસ ખોજ અભિયાન
8 ઓગસ્ટ, રવિવાર જન અધિકાર અભિયાન
9 ઓગસ્ટ, સોમવાર સામાજિક ક્રાંતિ અભિયાન