પહેલી પ્રવેશ યાદી તા.8મી જુલાઈના જાહેર કરાશે અને ત્યારે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ યોજાશે, ત્યારબાદ તા.11મી જુલાઈએ બીજી અને તા.13મી જુલાઈના રોજ ત્રીજી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે
ત્રીજા રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે તા.20 જુલાઈના રોજ રાયખંડ કન્યાશાળામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
અમદાવાદ,તા.2
અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં ધોરણ-11 સાયન્સમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાનો આજથી વિધિવત્ પ્રારંભ થયો છે. ધોરણ11 સાયન્સનો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલો સાયન્સમાં પોતાના માત્ર 25 જુના વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકશે. શહેરમાં સાયન્સ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થતાં શાળા સંચાલકો, સ્ટાફ કર્મચારીઓની સાથે સાથે ધોરણ-11ના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહની લાગણી પણ જોવા મળી છે. ધોરણ-11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ તબક્કામાં આ હાથ ધરવામાં આવશે., જે અંગે તબક્કાવાર પ્રવેશ યાદી પણ જાહેર કરવામાં આવશે અને તેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
પહેલી પ્રવેશ યાદી તા.8મી જુલાઈના જાહેર કરાશે અને ત્યારે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ યોજાશે. ત્યારબાદ તા.11મી જુલાઈએ બીજી અને તા.13મી જુલાઈના રોજ ત્રીજી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે આ વખતે રાજય સરકાર દ્વારા ધોરણ-10માં માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે, જેના કારણે ધોરણ-11માં પ્રવેશ માટે દર વર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે અને ધસારો પણ રહેશે. જો કે, ધોરણ-11 સાયન્સમાં માત્ર 25 જ જૂના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેવી ગાઇડલાઇન્સ હોઇ કોઇ પ્રવેશથી વંચિત ના રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
પ્રવેશ પ્રક્રિયાના છેલ્લા અને ત્રીજા રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે તા.20 જુલાઈના રોજ રાયખંડ કન્યાશાળામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેરમાં અંદાજીત 164 અને ગ્રામ્યમાં 117 મળીને કુલ 281 જેટલી સ્કુલોમાં 370 જેટલા વર્ગો છે. જેથી 75ની સંખ્યા પ્રમાણે 27,500 જેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેટલી વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ માટેનું મેરિટ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોના મેળવેલા ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. જેમાં દરેક સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલો પોતાના માત્ર 25 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકશે. જ્યારે અન્ય બેઠકો પર કેન્દ્રિયકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરની લઘુતમ સ્કુલોની વાત કરવામાં આવે તો લઘુમતી સ્કુલો પોતાની શાળાના 69 વિદ્યાર્થીઓ અને અન્ય 6 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.
કેટેગરીવાઈઝ વાત કરવામાં આવે તો SC -05, ST-11 અને SEBC-20 જેટલી જગ્યાઓ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. જેથી, સામાજીક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકશે. ત્રણ તબક્કામાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ પ્રવેશને લઇ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.