કોરોના મહામારીના કારણે આ વર્ષે સીબીએસઇ દ્વારા ધોરણ-12ની પરીક્ષા નહોતી લેવાઇ અને તેના કારણે 30:30:40 ની ફોર્મ્યુલાના આધારે પરિણામ તૈયાર કરાયુ હતુ
વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા – વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર રિઝલ્ટમાં બાજી મારી
વિદ્યાર્થીઓ કે વાલીઓ સીબીએસઈ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે cbse.gov.in પર તેમના પરિણામ જોઇ શકશે
નવી દિલ્હી, તા.30
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઇ)નું ધોરણ-12 નું પરિણામ આજે બપોરે 2 વાગે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે સીબીએસઇ દ્વારા ધોરણ-12ની પરીક્ષા લેવાઇ ન હતી અને તેના કારણે જ 30:30:40 ની ફોર્મ્યુલાના આધારે સમગ્ર પરિણામ તૈયાર કરાયુ હતુ, જેથી આ વખતે સીબીએસઇ ધોરણ-12નું પરિણામ ઐતિહાસિક આવ્યું છે અને એટલે જ આ વર્ષે ધોરણ-12માં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આ વખતે વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા નોંધાઇ છે. આમ, પરિણામમાં વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર મેદાન માર્યું હતું. સીબીએસ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પરિણામ જોઇ શકાય તે માટે તાત્કાલિક રીતે પરિણામની લીંક પણ સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટીવ કરી દેવાઈ છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમનું પરિણામ સીબીએસઈ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે cbse.gov.in પરથી પણ ચેક કરી શકશે. સીબીએસઇ ધોરણ-12ના ઐતિહાસિક અને આટલા સફળ પરિણામને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સીબીએસઈની ધોરણ-12ની પરીક્ષા માટે આ વર્ષે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. જેમાં કુલ વિદ્યાર્થીઓ પૈકી આ વખતે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી. એટલે કે છોકરીઓની પાસ થવાની ટકાવારી 0.54 ટકા વધુ છે. આમ, સીબીએસઇ ધોરણ-12ના પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે, જેને લઇ વિદ્યાર્થીનીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
બીજીબાજુ, શાળાઓ દ્વારા ખોટો ડેટા અપાયો હોવાના કારણે તેમ જ સમયસર બોર્ડમાં ડેટા જમા નહી કરાવાયો હોવાના કારણે 65184 થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરી શકાયુ નથી., જેને લઇને આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે નિરાશા પણ જોવા મળી હતી. જો કે, આ વિદ્યાર્થીઓનું પરિણામ હવે તા.5મી ઓગસ્ટના રોજ જાહેર થાય તેવી શકયતા છે. આ સિવાય 0.47 ટકા વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે, એટલે કે, 6149 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. જેનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે. સીબીએસઇ દ્વારા આ માટેનું વિશેષ આયોજન હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હોવાના કારણે સીબીએસઇ દ્વારા ધોરણ-12ની પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ અંગેની જાહેરાત પણ કરાઇ હતી, જેને પગલે સીબીએસઇ તરફથી ધોરણ-12ની પરીક્ષા લેવાઇ ન હતી. જેને પગલે વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં વિશેષ મૂલ્યાંકન પધ્ધતિનું અનુસરણ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, સીબીએસઇ ધોરણ 12નું પરિણામ 30:30:40 ની ફોર્મ્યુલાના આધારે તૈયાર કરાયું છે. જેમાં ધોરણ 10ના અને ધોરણ 11ના માર્ક્સને 30-30 ટકા વેઇટેજ અને ધોરણ 12ના ઈન્ટરનલ પરીક્ષાને 40 ટકા વેઇટેજ આપીને એ પ્રમાણે ગણતરી કરીને સમગ્ર પરિણામને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ધોરણ 10ના 5માંથી 3 બેસ્ટ પેપર્સના માર્ક્સ લેવાયા છે. એ જ રીતે ધોરણ 11ના પણ બેસ્ટ 3 પેપર્સના માર્ક્સ લેવાયા છે. જ્યારે ધોરણ 12માં વિદ્યાર્થીઓના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામના માર્ક્સ ગણતરીમાં લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તેઓને પરીક્ષા આપવાની તક અપાશે. જો કે આ માટે કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોવી પડશે. જો કે, આ વખતે આટલુ સફળ અને ઐતિહાસિક પરિણામ આવવાના કારણે સીબીએસઇ ધોરણ-12ના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહની લાગણી પ્રસરેલી જોવા મળી હતી.
બોક્ષ – મેસેજ અને આઇવીઆરએસ સીસ્ટમથી પણ વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકશે
સીબીએસઈ દ્વારા ધોરણ-12 નું પરિણામ વિદ્યાર્થીઓ IVRS અને SMS મારફતે પણ જાણી શકે તેવી પણ વ્યવસ્થા કરાઇ છે. સીબીએસઈ બોર્ડ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરો પર પરિણામ મોકલશે. આ માટે વિદ્યાર્થીઓએ CBSE12 <ROLLNUMBER> <ADMITCARDID> લખીને 7738299899 નંબર પર સેન્ડ કરવાનું કહેશે. આ રીતે વિદ્યાર્થીઓને તેમનું પરિણામ જાણવા મળી શકશે.
બોક્ષ – સીબીએસઈની અધિકૃત વેબસાઈટ પરથી પણ પરિણામ ચેક કરી શકાશે
– સીબીએસઈની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે cbse.gov.in પર જાઓ
– અહીં હોમપેજ પર તમારે રિઝલ્ટ ટેબ પર કલીક કરવું પડશે
– સીબીએસઈ ધોરણ 12નું પરિણામ ચેક કરવા માટે રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર અને અન્ય લોગ ઈન ક્રેડેન્શિયલ અંદર જણાવો
– સીબીએસઈ ધોરણ 12નું પરિણામ સ્ક્રીન પર આવે એટલે તમારા પરિણામની વિગતો તપાસો, સીબીએસઈ ધોરણ 12નું પરિણામ 2021 માર્કશીટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લઈ શકો
બોક્ષ – ઉમંગ એપ અને DigiLocker થી પણ પરિણામ જાણી શકાશે
આ સિવાય અન્ય વિકલ્પમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 12ના પરિણામને ડિજિલોકર, ઉમંગ એપ અને અન્ય પ્લેટફોર્મ પરથી પણ મેળવી શકશે. આ માટે વિદ્યાર્થીઓ કે વાલીઓએ સ્માર્ટફોનમાં પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ઉમંગ એપ ડાઉનલોડ કરવાની રહેશે, ત્યારબાદ એપમાં રજિસ્ટર કરવાનું રહેશે. એ પછી CBSE Results સંબંધિત ટેબ પર ક્લિક કર્યા બધી જાણકારી ભરીને સબમીટ કરો એટલે સ્ક્રીન પર પરિણામ આવી જશે, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ એપ મારફતે તેમનું પરિણામ પણ ડાઉનલોડ કરી શકે છે. આ જ વિદ્યાર્થીઓ સીબીએસઈની સાથે રજિસ્ટર્ડ પોતાના મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ડિજિલોકર digilocker.gov.in પર લોગ ઈન કરી શકે છે. જો પહેલેથી જ રજિસ્ટર કર્યું હશે તો લોગ ઈન કરો નહીં તો પહેલા રજિસ્ટર્ડ કરો અને ત્યારબાદ લોગ ઈન કરો. લોગ ઈન કર્યા બાદ તમારા રિઝલ્ટ માર્કશીટ જેવી લિંક્સ જોઈ શકશો. CBSE class 12 Result 2021 પર કલીક કરવાની સાથે રિઝલ્ટ તમારી સામે હશે. આ એપથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની માર્કશીટ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા છે. આમ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ અલગ-અલગ વૈક્લ્પિક પ્લેટફોર્મ પરથી સીબીએસઇ ધોરણ-12નું પરિણામ જોઇ તેને ડાઉનલોડ પણ કર્યું હતું.