આરોપીઓ પોલીસ કર્મચારી પાસેથી મોબાઇલ, આઇ-કાર્ડ સહિત રોકડ લૂંટી ત્યાંથી ભાગી ગયા
ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે હોસ્પટલમાં દાખલ કરાયો – ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદ,તા.24
શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગઇ મોડી રાત્રે કેટલાક લુખ્ખા જેવા તત્વોએ એક પોલીસ કર્મચારીને નિર્દયતાથી માર મારતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહીં, આરોપીઓ આ પોલીસ કર્મચારી પાસેથી મોબાઇલ, આઇ-કાર્ડ સહિત રોકડ લૂંટી ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનામાં ઘાયલ પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ચાંદખેડા પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના શાહીબાગ હેડ કવાર્ટરમાં એફ -2 માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાહુલ ઇશ્વરભાઇ ડોડીવાડિયા (ઉ.વ.33) ચાંદખેડા વિસ્તારના ભુલાભાઇ પાર્ક વિભાગ -1 માનસરોવર રોડ ખાતે રહે છે. શુક્રવારે રાત્રે ફરજ બજાવી તે ઘરે પરત ફરી રહ્યા હતા અને તેઓ માનસરોવર પાણીની ટાંકી પાસે પહોંચ્યા તે, દરમિયાન એક વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો અને ગેરવર્તન શરૂ કર્યું હતું. એટલીવારમાં, અન્ય ત્રણ યુવકો પણ ત્યાં આવ્યા હતા. તમે અહીંથી કેમ જાવ છો એમ કહીને ચારેય યુવકોએ તેને નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું હતું. તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક યુવકે તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. આ પછી ચારેય યુવકોએ આ પોલીસ કર્મચારીનો મોબાઇલ ફોન અને રોકડ તેમ જ પોલીસનું આઈકાર્ડ લૂંટીને નાસી છૂટયો હતો.
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, આ ઘટનાને લઇ પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા જાગી હતી. કારણ કે, છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ નોંધનીય રીતે વધી રહી છે પરંતુ તેમછતાં શહેર પોલીસ દ્વારા આવા ગુનેગાર તત્વો સામે શા માટે સબક સમાન આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ હાલ તો ચર્ચાઇ રહ્યો છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીએ ચાંદખેડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચાંદખેડા પોલીસે જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેમની હાલત સ્થિર છે. થોડા સમય અગાઉ પણ શહેરના જમાલપુર અને યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ નોંધાઇ હતી પરંતુ શહેર પોલીસ દ્વારા હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરાઇ નથી., તે બહુ ગંભીર બાબત કહી શકાય.