ધર્માંતરણના કેસમાં સલાઉદ્દીન શેખની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા
સલાઉદ્દીન શેખના ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા બાદ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ ગુજરાત એટીએસના અધિકારીઓને સાથે રાખી સલાઉદ્દીનના વડોદરા ખાતેના નિવાસસ્થાને તપાસ હાથ ધરી
સલાઉદ્દીન શેખ દ્વારા ધર્માંતરણના ગુનાહિત કૃત્ય માટે ઉત્તરપ્રદેશથી પકડાયેલા ઉમર ગૌતમને મસમોટુ ફંડીંગ કરાયુ હોવાના પુરાવા તપાસનીસ એજન્સીને હાથ લાગ્યા – પાંચથી છ ટ્રાન્ઝેકશનના પુરાવાની પણ કડી મળી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.1
ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસમાં ગુજરાત ATSએ વડોદરાના સલાઉદ્દીન શેખ નામના આરોપીની અમદાવાદ-વડોદરા હાઇવેથી ગઇકાલે ધરપકડ કરી હતી. ત્યારબાદ એટીએસના અધિકારીઓએ આરોપી સલાઉદ્દીન શેખને કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા છે. બીજીબાજુ, ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ આજે ગુજરાત એટીએસના અધિકારીઓને સાથે રાખી આજે સલાઉદ્દીન શેખને તેના વડોદરા ખાતેના નિવાસસ્થાને લઇ જઇ ઉંડી પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી, જેને લઇ હવે આ સમગ્ર કેસમાં બહુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં સૌથી મોટો ખુલાસો એ સામે આવ્યો છે કે, રૂ.30 લાખ જેટલી માતબર રકમનું ફંડીંગ સલાઉદ્દીન શેખને વડોદરા ખાતે થયુ હતુ. આ અંગેના પાંચ ટ્રાસન્ઝેકશન પણ તપાસનીશ એજન્સીને હાથ લાગ્યા છે. બીજો સૌથી મોટો ખુલાસો એ પણ સામે આવ્યો કે, ધર્માંતરણ માટે ફંડીંગના તાર હવે ઉત્તરપ્રદેશ, વડોદરા, બાદ હવે છેક વિદેશની એનજીઓ સુધી જોડાયેલા છે કે કેમ તેથી તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. ખૂબ જ સંવેદનશીલ અને ચકચારભર્યા આ કેસમાં હવે ઉત્તરપ્રદેશ એટીએસની સાથે સાથે ગુજરાત એટીએસની ટીમે પણ તપાસનો ધમધમાટ જોરદાર રીતે આગળ ધપાવ્યો છે.
ઉત્તરપ્રદેશમાં ચાલતા ધર્માંતરણના ચકચારભર્યા કેસમાં ફંડીંગ કરવાનો આરોપ છે તે સલાઉદ્દીન શેખ નામના આરોપીની એક એનજીઓના તાર વિદેશમાં પણ જોડાયેલા છે કે કેમ કારણ કે, સલાઉદ્દીનની આ એનજીઓમાં યુ.કેથી 30 લાખ રૂપિયા ધર્માંતરણના ષડયંત્ર માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ ગુજરાત એટીએસ અને યુપી એટીએસની ટીમો દ્વારા સંયુકત રીતે હવે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ રહી છે.
દેશભરમાં ખળભળાટ મચાવનારા ધર્માંતરણના કેસમાં ફંડીંગમાં જેનું નામ ખૂલ્યુ છે તે અલ્ફલાહ નામની એનજીઓ કે જે ગરીબ મુસ્લિમ લોકોને દવાઓની જરૂર હોય, મેડિકલની જરૂર હોય ત્યારે તેઓ માટે રકમ આપે છે. વિદેશથી અલ્ફલાહ ફાઉન્ડેશને મોકલાયેલા મસમોટા આર્થિક ફંડનો દુરપયોગ આ સલાઉદ્દીન કરી રહ્યો હતો અને ફંડમાં આવેલા 30 લાખ જેટલા રૂપિયાનો તેણે ધર્માંતરણના ગુનાહિત કૃત્યમાં વાપર્યા હોવાનું ફલિત થયુ છે, જેને લઇ હવે તપાસ એજન્સીએ તપાસનો ધમધમાટ બહુ ઉંડાણપૂર્વક આગળ ધપાવ્યો છે. આ કેસમાં સલાઉદ્દીન શેખ સાથે અનેક લોકોનાં પણ નામ ખૂલવાની પૂરી શકયતા સેવાઇ રહી છે.
ગુજરાત એટીએસની તપાસ મુજબ, FCRA હેઠળ વિદેશથી આવતા ફંડમાંથી સલાઉદ્દીને 30 લાખ જેટલા રૂપિયા હવાલાથી વડોદરાથી યુપી પાંચથી છ વખત હવાલાથી મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે યુપી એટીએસ તપાસ કરી રહી છે કે, ફંડિંગ ઉપરાંત સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સાથે અન્ય બીજા કનેક્શન છે. નોંધનીય છે કે, યુકેનું અલ્ફલાહ ફાઉન્ડેશન રોહિંગ્યાની પણ મદદ કરે છે. સલાઉદ્દીન શેખ યુપીથી પકડાયેલા ઉમર ગૌતમ કે જે ઇસ્લામિક દાવાહ સેન્ટરનો ફાઉન્ડર છે, તેને ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિ માટે રૂપિયા પહોંચાડતો હતો. આરોપી સલાઉદ્દીન શેખ ગુજરાતના વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. તેને એક નહીં 2 NGOમાં વિદેશી ફંડીંગ મળતું હતું. ચકચારભર્યા આ કેસની વિગતો જોઇએ તો, ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ખાસ કરીને રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવતા. મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. ઉમર ગૌતમ પહેલા હિન્દુ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનુ બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સલાઉદ્દીન સિવાય પણ આ ગેંગમાં કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ તેજ બનાવાઇ છે. ખૂબ જ સંવેદનશીલ અને ચકચારભર્યા એવા આ કેસમાં ઉત્તરપ્રદેશ એટીએસની સાથે સાથે હવે ગુજરાત એટીએસના અધિકારીઓ પણ સલાઉદ્દીન શેખની ધરપકડ બાદ તપાસના ધમધમાટમાં જોડાઇ ગયા છે. આગામી દિવસોમાં આ સમગ્ર કેસમાં ચોંકાવનારી માહિતી સામે આવવાની પૂરી શકયતા સેવાઇ રહી છે.