ટ્રાફિક નિયમોને નહી ગણનારા અને ટ્રાફિક રૂલ્સ-જોગવાઇઓનો ભઁગ કરનારા વાહનચાલકોની બહાનાબાજી હવે નહી ચાલે – ટ્રાફિક પોલીસ પીઓએસ મશીન મારફતે સ્થળ પર જ દંડની વસૂલાત કરી તાત્કાલિક રસીદ-પાવતી પણ પકડાવી દેશે
શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસને 150 પીઓએસ મશીન જુદા જુદા વિસ્તાર માટે ઉપલબ્ધ બનાવી નવી ડીજીટલાઇઝેશન પહેલ શરૂ કરાવી જો કે, સાથે સાથે પોલીસ કમિશનરે વાહનચાલકો સાથે સારૂ વર્તન અને વ્યવહાર કરવા પણ શીખ આપી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.30
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ હવે ડીજીટલાઇઝેશન તરફ વધુ એક કદમ માંડયુ છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 150 જેટલા સ્થળોએ શહેર ટ્રાફિક પોલીસને 150 જેટલા પીઓએસ મશીન આપવામાં આવ્યા છે, જેના કારણે હવે વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમના ભંગના કિસ્સામાં તાત્કાલિક સ્થળ પર જ દંડની વસૂલાત કરી શકાશે. એટલે કે, હવે વાહનચાલકોની કોઇપણ પ્રકારની બહાનાબાજી ચાલી શકશે નહી. ટ્રાફિક પોલીસ આ પીઓએસ મશીન દ્વારા સ્થળ પર જ કસૂરવાર વાહનચાલક પાસેથી દંડની વસૂલાત કરી તેની પાવતી પણ પીઓએસ મશીનમાંથી તાત્કાલિક જ આપી દેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા પીઓએસ મશીન મારફતે દંડની વસૂલાતની અનોખી પહેલ શરૂ કરાવી હતી. જો કે, ટ્રાફિક પોલીસને શહેર પોલીસ કમિશનરે નાગરિકો અને વાહનચાલકો સાથે સારૂ વર્તન અને વ્યવહાર કરવાની શીખ પણ આપી છે કે જેથી નાગરિકો-વાહનચાલકોનો આદર જળવાય.
વાહનચાલકો પાસે જો રોકડા રૂપિયા કે હાથવગી રકમ ના હોય તો તેવા કિસ્સામાં તેણે ક્રેડિટ કાર્ડ કે ડેબીટ કાર્ડ મારફતે સ્વાઇપ કરીને પણ દંડની રકમ તાત્કાલિક ટ્રાફિક પોલીસ સમક્ષ સ્થળ પર જ ભરી દેવી પડશે. ટ્રાફિક પોલીસ પણ તેની સ્લીપ કે રસીદ તાત્કાલિક જ આ નવા પીઓએસ મશીન મારફતે વાહનચાલકોને આપી દેશે. આમ, હવે વાહનચાલકો કે નાગરિકો માટે જો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો, સ્થળ પર દંડની વસૂલાતમાંથી બચવુ મુશ્કેલ બનશે, જેથી હવે શહેરના નાગરિકો અને વાહનચાલકોએ ભારે સાવધાનીપૂર્વક વાહન ચલાવવાનું રહેશે એટલે કે, ટ્રાફિકના નિયમનો કોઇપણ પ્રકારે ભંગ ના થાય તે પ્રકારે વાહન ચલાવવાનું રહેશે અને ટ્રાફિક રૂલ્સની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ટ્રાફિક પોલીસની ડીજીટલાઇઝેશનની આ નવી પહેલ ટ્રાફિક ડિપાર્ટમેન્ટની કામગીરી વધુ સુદ્રઢ, પારદર્શક અને ઝડપી બનાવશે.
ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કામાં કસૂરવાર વાહનચાલકો પાસેથી માસ્ક ના પહેર્યું હોય, હેલ્મેટ ના પહેર્યુ હોય કે ટ્રાફિક સીગ્નલ કે રોંગ સાઇડમાં વાહન ચલાવવા સહિતની જોગવાઇઓના ભઁગ બદલ પીઓએસ મશીન મારફતે સ્થળ પર જ દંડ વસૂલવાની શરૂઆત કરી દેવાઇ છે., જેને લઇ હવે આડેધડ કે બેફામ ખાસ કરીને ટ્રાફિકના નિયમોને નહી ગણતાં વાહનચાલકોએ વધુ સાવધાની રાખવી પડશે, અન્યથા ટ્રાફિક પોલીસની આકરી કાર્યવાહીનો ભોગ બનવુ પડશે.
શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવે ટ્રાફિક પોલીસને આ નવા 150 ડીજીટલ પીઓએસ મશીન જુદા જુદા વિસ્તાર અને સ્થળો માટે ઉપલબ્ધ બનાવી ટ્રાફિક પોલીસને સમગ્ર પોલીસ તંત્રના નાક સમાન ગણાવી હતી. જો કે, સાથે સાથે દંડની વસૂલાત કે કાર્યવાહી કરવા દરમ્યાન નાગરિકો અને વાહનચાલકો સાથે સારૂ વર્તન અને વ્યવહાર કરવા પણ ખાસ શીખ આપી હતી, કે જેથી નાગરિકો-વાહનચાલકોનો આદર જળવાય. આમ, શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવે ટ્રાફિક પોલીસનો ઉત્સાહ વધારવાની સાથે તેમને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતનું સૂચન પણ કર્યું હતું.