વડોદરા સહિત રાજયભરમાં જબરદસ્ત ચકચાર જગાવનાર સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં બહુ જ મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે તપાસ હાથમાં લીધાના માત્ર બે જ દિવસમાં સમગ્ર કેસમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખી મોટી સફળતા મેળવી
વડોદરા એસઓજીના પીઆઇ અજય દેસાઇએ સ્વીટી પટેલની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ દહેજ પાસે અટાલીના અવાવરૂ મકાનમાં તેની લાશને સળગાવી દઇ પુરાવાનો નાશ કરવાનો હીન પ્રયાસ કર્યો હતો
ક્રાઇમ બ્રાંચની તપાસ દરમ્યાન પીઆઇ અજય દેસાઇ ભાંગી પડયો અને આખરે પોતે જ પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી તેની લાશ સળગાવી દીધી હોવાનો ગુનો કબૂલી લીધો
અમદાવાદ,તા.24
વડોદરા સહિત સમગ્ર રાજયમાં જબરદસ્ત ચકચાર અને ઉત્સુકતા જગાવનાર સ્વીટી પટેલ ગુમ થવાના અતિ ચકચારભર્યા કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચની તપાસમાં આજે બહુ મોટો અને જોરદાર ખુલાસો સામે આવ્યો છે કે, સ્વીટી પટેલના પતિ અજય એ.દેસાઇ કે જે વડોદરા જિલ્લા એસઓજીમાં પીઆઇ(પોલીસ ઇન્સ્પેકટર) તરીકે ફરજ બજાવે છે, તેણે જ સ્વીટી પટેલની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી અને હત્યા બાદ તેની લાશને દહેજ પાસે અટાલી ગામે એક અવાવરૂ મકાનમાં સળગાવી નાંખી પુરાવાનો નાશ કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. જો કે, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ અને એટીએસની તપાસમાં આખરે આરોપી પીઆઇ અજય દેસાઇના પાપનો પર્દાફાશ થઇ ગયો છે અને સમગ્ર ગુનાનો ભાંડો ફુટી ગયો છે. ખુદ પીઆઇ અજય દેસાઇએ પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી તેની લાશને સળગાવી હોવાનો વાતનો આખરે સ્વીકાર કરી લઇ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આમ સ્વીટી પટેલ ગુમ થવાના ચકચારભર્યા કેસમાં આખરે 49 દિવસ બાદ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. સૌથી નોંધનીય વાત તો એ છે કે, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે સમગ્ર કેસની તપાસ હાથમાં લીધાના માત્ર બે જ દિવસમાં બહુ જ ગૂંચવણભર્યા એવા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
સ્વીટી પટેલના ચકચારભર્યા કેસમાં હજુ ગઇકાલે જ પીઆઇ અજય દેસાઇએ છેલ્લી ઘડીએ નાર્કો ટેસ્ટ કરવાની ના પાડી દીધી હતી અને પોતાની માનસિક તેમ જ શારીરિક સ્થિતિ સારી નહી હોવાનું જણાવી તપાસને ટાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ પીઆઇના આ અસહકારભર્યા વલણને પણ ગંભીરતાથી લઇ આખરે તેને સકંજામાં લઇ લીધો હતો. આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓએ વડોદરા જિલ્લા એસઓજીના પીઆઇ અજય એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. જે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને પીઆઇ અજય એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફ.એસ.એલ.ની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી જે દરમ્યાન સમગ્ર કેસમાં આજે રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ભાંગી પડેલા પીઆઇ અજય દેસાઇએ આખરે તપાસનીશ અધિકારીઓ સમક્ષ પોતાની પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પીઆઇ અજય એ.દેસાઇએ સને 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2017માં અન્ય એક યુવતી સાથે પણ લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય નહી હોવાથી આરોપી પીઆઇએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી ત્યારબાદ તેની લાશને સળગાવી દીધી હોવાનું મનાઇ રહ્યું છે. સ્વીટી પટેલની હત્યા કર્યા બાદ પીઆઇ અજય દેસાઇ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા ત્રણ માળના અવાવરુ બિલ્ડિંગમાં લઈ ગયો હતો અને ત્યાં સ્વીટી પટેલની લાશને સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજીબાજુ, ક્રાઇમબ્રાંચની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ઉપરોકત જમીન પીઆઇ કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને દસેક વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પરંતુ કોઇ કારણોસર તે અધૂરુ રહ્યુ હતુ, જેને પગલે હવે આ કેસમાં કિરીટસિંહ જાડેજાની ધરપકડ થવાની શકયતા પ્રબળ બની ગઇ છે.
સ્વીટી પટેલ ગુમ થવાના રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર કેસમાં સૌપ્રથમ વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ 46 દિવસ સુધી કરાયેલી તપાસમાં કંઇ ભલીવાર આવ્યો ન હતો અને તપાસના નામે સમગ્ર કેસમાં જાણે કે, પીલ્લું વાળવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. આખરે રાજયભરમાં આ કેસને લઇ બહુ ચર્ચા જાગતાં અને વિવાદ વકરતા આખરે રાજય સરકારે સમગ્ર કેસની તપાસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાની જાહેરાત કરી હતી. જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ચુનંદા અધિકારીઓની ટીમે એસીપી ડી.પી.ચુડાસમના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ જોરદાર રીતે આગળ ધપાવ્યો હતો અને માત્ર બે જ દિવસમાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખી બહુ મોટી અને જબરદસ્ત સફળતા મેળવી હતી કે જે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હરહંમેશ જાણીતી છે. નોંધનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાચની ટીમે તપાસ હાથ પર લીધા બાદ રહસ્યમય ગુમ સ્વીટી પટેલના પતિ પીઆઇ અજય એ. દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. ત્યારબાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ દહેજના અટારી ખાતેના અવાવરૂ મકાનમાં પહોંચ્યા હતા અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યાં હતાં એ જગ્યા અને મકાનનું પંચનામું કર્યું હતું. પોલીસ માટે તપાસની આ કડી મહત્વની સાબિત થઇ હતી.
વડોદરા સહિત ગુજરાતભરમાં જબરદસ્ત ચકચાર જગાવનાર આ કેસની વિગતો એવી છે કે, વડોદરા જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવનાર પીઆઇ અજય એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 49 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં વડોદાર ગ્રામ્ય પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન સાથે તપાસ હાથ ધરાઇ હતી પરંતુ કંઇ નક્કર પરિણામ કે ફળશ્રુતિ સામે આવ્યા ન હતા., જેને પગલે આ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ અને એટીએસને સોંપાઇ હતી. જેમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા ત્રણ માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં. પોલીસે હાડકાંના નમૂના એકત્ર કરીને એફએસએલ ખાતે મોકલાતા હાડકા યુવાવય અને મધ્યમ ઉંમરની વ્યક્તિનાં હોવાનું તારણ અપાયા બાદ પોલીસે પીઆઇ અજય દેસાઇ તથા તેમનાં પત્ની સ્વીટી પટેલના બે વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલી ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. હવે આગામી ચાર-પાંચ દિવસમાં આ રિપોર્ટ આવી જવાની રાહ જોવાઇ રહી છે જેથી તેનો રિપોર્ટ આવ્યા બાદ પણ આ સમગ્ર કેસમાં વધુ ચોંકાવનારા અને નવા ખુલાસા સામે આવે તેવી પૂરી શકયતા છે.