મૃતક જલુભાઈ દેસાઈ શહેરના ચાણકયપુરી વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા, જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હતા
અકસ્માતને પગલે એક પત્નીએ પોતાના પતિને ગુમાવ્યો અને બે સંતાનોએ પણ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી
પોલીસે આરોપી બીઆરટીએસ ચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ,તા.14
અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસના ચાલકે વધુ એક નિર્દોષ વ્યકિતનો ભોગ લીધો હતો. અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે બીઆરટીએસ બસની જોરદાર ટક્કરથી એકિટવાચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારંમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માત સર્જયા બાદ ગભરાઇ ગયેલો બીઆરટીએસ બસનો ડ્રાઇવર બસની છત ઉપર ચઢી ગયો હતો અને પોતાનો જીવ બચાવવા આજીજી કરતો જોવા મળ્યો હતો. બીજીબાજુ, ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સગાવ્હાલા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને ઉગ્ર વિરોધ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે, બાદમાં સ્થાનિક પોલીસની દરમ્યાનગીરીને પગલે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. બી ડિવીઝન ટ્રાફિક પોલીસે પણ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જરૂરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આરોપી ડ્રાઇવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કમકમાટીભર્યા આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે 6-30 વાગ્યાની આસપાસ એકિટવા લઇને જઇ રહેલા જલુભાઇ દેસાઇનું પૂરપાટઝડપે આવી રહેલી બીઆરટીએસ બસની ટક્કરથી કરૂણ મોત નીપજ્યું હતું. બીઆરટીએસ બસ ઓવરસ્પીડમાં હોઇ બસની ટક્કરથી જલાભાઇ ફંગોળાઇને પડયા હતા અને ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું મૃત્યુ નીપજયુ હતું. મૃતક જલુભાઈ દેસાઈ છાપા વિતરણનું કામ કરતા હતા અને આજે સવારે ઘરે પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે સ્થાનિક ટોળે ટોળા એકઠાં થયા હતા. જેથી બીઆરટીએસ બસનો ડ્રાઇવર ગભરાઈને જીવ બચાવવા બસની ઉપર ચઢી ગયો હતો.
બનાવ બાદ મૃતકના પરિવારજનો અને અન્ય સગાવ્હાલા બસ ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય બીઆરટીએસના નારા લગાવતાં બનાવ સ્થળે જ ધરણાં પર બેસી ગયા હતા અને ઉગ્ર વિરોધ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો., જેને લઇને સમગ્ર મામલો ગરમાયો હતો. બીજીબાજુ, બનાવન જાણ થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી બીઆરટીએસ બસ ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે, મૃતક જલુભાઈ દેસાઈ શહેરના ચાણકયપુરી વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હતા. આજે વહેલી સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા ગયા હતા. 6-30 વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને અંકુર ચાર રસ્તાથી ચાણકયપુરી ઘરે પરત ફરતાં હતા ત્યારે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસના ચાલકે પોતાની બસ ગફલતભરી રીતે હંકારી જલુભાઇને જોરદાર ટક્કર મારી હતી. જેથી જલુભાઈ નીચે પટકાતાં ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયુ હતું.
અકસ્માત બાદ રોષે ભરાયેલા અને વિરોધ કરી રહેલા મૃતકના પરિવારજનો અને સગાવ્હાલાને સ્થાનિક પોલીસે દરમ્યાનગીરી કરી સમજાવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાળ્યો હતો. આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની તૈયારી બતાવતાં લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાઇ હતી. જો કે, બીઆરટીએસ બસના ચાલકની ગંભીર ગફલત અને નિર્દોષ વ્યકિતનો જીવ લઇ લેવાના ગંભીર અપરાધને પગલે એક પરિવાર ઘરના મોભી વિહોણો બન્યો છે અને એક પત્નીએ પોતાના પતિને ગુમાવ્યો છે અને બે સંતાનોએ પણ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.