“ગુરુ શિષ્ય પરંપરા એ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ભેટ છે” : રાજ્યપાલશ્રી
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આચાર્ય વંદનાનો કાર્યક્રમ યોજાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.24
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આચાર્ય વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે આયોજીત આચાર્ય વંદના કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. અને ગુરુ –શિષ્યની અદભૂત પરંપરા એ ભારતની વિશ્વને ભેટ છે.
ગુરુ વંદનાનાં આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દેશમાં એક ગૌરવપૂર્ણ ઇતિહાસ સ્થાપિત કરવા જઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજીના આજના સમયમાં ગુરુ-શિષ્ય પરંપરાને જાગૃત્ત રાખવાનું ઉત્તમ કાર્ય જીટીયુ દ્વારા થઈ રહ્યું છે.
વિદ્યાર્થી ઉપર સૌથી વધારે ગુરુની અસર રહેતી હોય છે, બાળકના ઘડતરનો પ્રથમ આધાર માતા, બીજો આધાર પિતા અને ત્રીજો આધાર આચાર્ય હોય છે. તેમણે જણાવ્યું હતું કે અનાદિકાળથી ભારતમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ રહ્યું છે.
ભારત એ વિશ્વગુરુ હતો, જેણે દુનિયામાં જ્ઞાનનો પ્રકાશ પહોંચાડ્યો,ગાણિતિક વિદ્યા, શસ્ત્રવિદ્યા, વિજ્ઞાન અને ટેકનોલોજી, વેદો, ઉપનિષદો, શાસ્ત્રોનો વારસો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, માત્ર ગુરુ જ એવી વ્યક્તિ છે જેની ઇચ્છા હોય છે કે એમના શિષ્યો એક દિવસ વિશાળ વટવૃક્ષ બને, દુનિયામાં નામ રોશન કરી રાષ્ટ્રનું ગૌરવ વધારે.
ગુરુ શબ્દનો અર્થ જ એવો થાય છે કે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જવું. પૂર્ણતાનો આધાર ગુરુ હોય છે. તેમણે શિષ્યના ઘડતરમાં ગુરુની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું કે, આચાર્ય એ છે જે શિષ્યને યોગ્ય જીવનદર્શન આપે છે. એકતા, પ્રેમ, સદભાવ, ભાઈચારો જેવા ગુણો તેમનામાં કેળવે છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,પૂર્ણ સમભાવ રાખીને વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરી રાષ્ટ્ર અને વિશ્વનું નિર્માણ કરીએ. તેમણે જન્મદિને એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવા પણ સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નવીન શેઠે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને ત્રણ લાખથી વધુ લોકોએ વર્ચ્યૂઅલ નિહાળ્યો છે અને મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લીધો છે.
આ કાર્યક્રમમાં કુલ સચિવ ડો. કે.એન.ખેર, ઇનિશીએટિવ ફોર મોરલ એન્ડ કલ્ચરલ ટ્રેનિંગ ફાઉન્ડેશન – IMCTFના શ્રી ગુણવંત કોઠારી, શ્રી પ્રવિણ મહેતા, ગુરુજનો વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.