પાટીદારોની વાત કરતી વખતે મહેશ સવાણીની આંખમાંથી રીતસરના આંસુ સરી પડયા, આપમાં જોડાયા બાદ સવાણીએ ગુજરાત સરકાર પરત્વેની નારાજગી જાહેરમાં વ્યકત કરી
હજી અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે – મનીષ સીસોદિયા
ગુજરાતમાંથી હજુ વધુ મોટા માથાઓ આપમાં જોડાય તેવી શકયતા – 2022ની વિધાનસભાની ચૂંટણીઓને લઇ આપની બહુ યોજનાપૂર્વકની રાજનીતિ
(વિવેક આચાર્ય દ્વારા)
સુરત, તા.27
સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે વિધિવત્ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. ગુજરાતની મુલાકાતે આવેલ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ ગુજરાત સરકાર પ્રત્યેની નારાજગી ઠાલવી હતી. એક તબક્કે પાટીદારોની વાત કરતી વખતે મહેશ સવાણીની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. બીજીબાજુ, સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી અચાનક આપમાં જોડાઇ જતાં હવે ભાજપ અને કોંગ્રેસની ચિંતા પણ વધી છે. કારણ કે, આ વખતે સુરત મનપાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સફળતાના ચોંકાવનારા અને અણધાર્યા પરિણામ મેળવી ભાજપ અને કોંગ્રેસને બહુ મોટો ઝટકો ઓલરેડી આપેલો છે ત્યારે હવે સુરતમાં આપની સ્થિતિ વધુ મજબૂત બનતાં ખાસ કરીને ભાજપની ચિંતા વધી છે. તો, આપના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ આજે સ્પષ્ટ કર્યું હતું કે, હજી અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે. ગુજરાતમાં હવે આપની હાજરી નોંધનીય બની રહી છે.
સુરત ખાતે આપ પાર્ટીનું ઝાડુ હાથમાં પકડ્યા બાદ જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પત્રકાર પરિષદ દરમ્યાન દિલ ખોલીને વાત કરતાં જણાવ્યું કે, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે. ગોળી ખાવાનું પસંદ કરીશ. પણ મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. તો દિલ્હીના વિકાસ અંગે મહેશ સવાણીએ કહ્યું કે, હું દિલ્હી ગયો હતો ત્યાં મેં સરકારી સ્કૂલો જોઈ હતી. ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલો છે. કોરોના કાળમાં લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે. લોકો કોરોનામાં રઝળી રહ્યા હતાં. ગુજરાતમાં ખાસ કરીને સુરતના પાટીદારોની વાત કરતા મહેશ સવાણીની આંખમાં એક તબક્કે આસું આવી ગયા હતા.
દરમ્યાન હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીમાં આવકારતા આપના રાષ્ટ્રીય નેતા મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સીએમ કોણ હશે તે ચૂંટણી સમયે જોવાશે. અમારા નગરસેવકોએ ખૂબ સારું કામ કર્યું છે. હજી અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે. ભાજપ શિક્ષણ સમિતિની લૂંટ ચલાવવા માંગે છે. ભાજપનો ચહેરો આજે સમાજમાં ખાસ કરીને ગુજરાતની જનતા સામે ખુલ્લો પડી ગયો છે.
જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા બાદ હવે ગુજરાતમાં એક પછી એક મોટા ચહેરાઓ જોડવાની આપની રણનીતિ સામે આવી રહી છે. 2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ આપની વ્યૂહરચના અને તેના નેતાઓની ચાણકયચાલ ભાજપને બહુ મોટા આંચકાજનક પરિણામો આપી ગુજરાતમાં આપનો નવો સૂર્યોદય કરવાની નિશંકપણે દેખાઇ રહી છે ત્યારે ઉદ્યોગપતિ મહેશ સવાણીના જોડાવાથી આપને ગુજરાતમાં જમીન મળશે અને સાથે જ નાણાંકીય ફાયદો પણ બહુ મોટો થશે. વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્યોગપતિ મહેશ સવાણીના જોડાવાથી આપને ફંડની સાથે સાથે પાટીદાર સમાજનો પણ સાથ મળશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં મહેશ સવાણીનું આગવું વર્ચસ્વ છે અને સાથે જ સામાજિક તેમજ ઔદ્યોગિક રીતે પણ તેઓ આગળ પડતા છે. જેના કારણે આમ આદમી પાર્ટીને મોટા ફાયદાની આશા છે. આપના રાષ્ટ્રીય નેતા મનીષ સીસોદિયા, તાજેતરમાં જ આપમાં જોડાનાર જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી સહિતના અગ્રણીઓ સાથે મહેશ સવાણીની મહત્વની બેઠક પણ યોજાઇ હતી. જેમાં બહુ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.
મહેશ સવાણીના વ્યકિતત્વ પરિચયની વાત કરીએ તો, મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ સામાજિક સેવામા પણ અગ્રેસર છે. તેઓ સુરતમાં પી પી સવાણી હાર્ટ હૉસ્પિટલ ચલાવે છે. 2019માં તેમણે BJP માંથી ટિકિટ માટે દાવેદારી હતી. સામાજિક ક્ષેત્રે અગ્રેસર મહેશ સવાણી પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી નાતજાતના ભેદભાવ વિના મોટાપાયે સમૂહ લગ્નોનું આયોજન કરે છે. ઉરીમાં શહીદ જવાનોના બાળકોને પણ તેમણે મદદ કરી છે. તેમણે જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો છે. તેમની હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની નજીવા દરે હાર્ટ સર્જરી કરવામા આવે છે. આમ, અનેક સામાજિક કાર્યો અને સેવા પ્રવૃત્તિમાં સવાણી તેમનું બહુમૂલ્ય યોગદાન આપતા આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ આજે સવાણીને પોતાના પક્ષમાં લઇને ખાસ કરીને ભાજપની ચિંતા વધારી દીધી છે.