શહેરના હાટકેશ્વર ચાર રસ્તા, ઠક્કરનગર ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર મરઘા ફાર્મ રોડ પર, અજીત મીલ ચાર રસ્તા, ઘાટલોડિયામાં શાસ્ત્રીનગર ટેનામેન્ટ પાસે, ઠક્કરનગર ચાર રસ્તાવાળા બ્રીજ પર, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં જોખમી ભુવાઓના કારણે ગંભીર જાનહાનિ કે અકસ્માત સર્જાવાની દહેશત
ઘાટલોડિયા વિસ્તારમાં શ્યામરત્ન એપાર્ટમેન્ટ અને શાસ્ત્રીનગર ટેનામેન્ટની વચ્ચે જાહેર રોડ પર છેલ્લા પાંચ-છ દિવસથી પડેલો મોટો ભુવો હજુ સુધી નહી પૂરાતા સ્થાનિક કારીઆ પરિવાર ભારે હાલાકીમાં ફસાયા છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતુ નથી, સ્થાનિક રહીશોમાં જોરદાર આક્રોશ
અમદાવાદ, તા.17
અમદાવાદ શહેરમાં ગઇકાલે અને આજે ખાબકેલા તોફાની અને ધોધમાર વરસાદે ચોમાસના પ્રારંભ પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના પ્રિ-મોન્સુન પ્લાન, ગટરો સાફ કરવા, પાણી નહી ભરાવા, ભુવા નહી પડવા સહિતના દાવાઓની પોલ ખોલી નાંખી છે અને સુશાસન તેમ જ આદર્શ વહીવટના જે બણગાં ફુંકવામાં આવતા હતા, તેની ધજ્જિયા ઉડી ગઇ છે. ચોમાસાના વરસાદ પહેલાં જ અમદાવાદ શહેર જાણે કે, ભુવા નગરી બની હોય તે પ્રકારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં નાના-મોટા અને જોખમી ભુવા પડી ગયા છે, શરમજનક અને નાલેશીભરી વાત તો એ છે કે, આ ભુવાઓ કેટલાય દિવસોથી પડયા છે પરંતુ હજુ સુધી અમ્યુકો તંત્ર દ્વારા તે પૂરાયા નથી કે સંપૂર્ણપણે રીપેર કરી પૂરી દેવાયા નથી. જેને લઇ ગમખ્વાર અકસ્માત અને જાનહાનિ સતત દહેશત પ્રવર્તી રહી છે પરંતુ અમ્યુકો તંત્ર હજુ સુધી તેની કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી જાગ્યુ નથી. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં શ્યામરત્ન એપાર્ટેન્ટ અને શાસ્ત્રીનગર ટેનામેન્ટ પાસે એક ઘરની સામે જ જાહેર રોડ પર વિશાળ ભુવો પડયો છે, જેના કારણે કારીઆ પરિવારના લોકો તેમની કાર લઇને પણ ઘરની બહાર નીકળી શકતા નથી અને ફસાઇ ગયા છે. કોરોનાના આ કપરા કાળમાં કોઇક ઇમરજન્સી હોય અને અચાનક તાત્કાલિક બહાર જવાનું થયુ તો, આ પરિવારના સભ્યો કેવી રીતે અને કયા પ્રકારે ઘરની બહાર નીકળે તેની વિકટ પરિસ્થિતિમાં મૂકાયા છે. અમ્યુકો તંત્ર અને તેમના સત્તાધીશોને છેલ્લા પાંચ દિવસથી ફરિયાદ અને જાણ કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતુ નથી, જે બહુ ગંભીર અને શરમજનક વાત કહી શકાય.
કોંગ્રેસના અગ્રણી નેતા અને અમ્યુકો સ્કૂલ બોર્ડના કોંગ્રેસના સભ્ય નાગજીભાઇ દેસાઇએ અમદાવાદને ભુવા નગરી બનાવવા માટે અમ્યુકો સત્તાવાળાઓને જવાબદાર ઠેરવી આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલાં જ પાલડી, વેજલપુર, ઘાટલોડિયા, બોપલ, હાટકેશ્વર ચાર રસ્તા, ઠક્કરનગર ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર મરઘા ફાર્મ રોડ પર, અજીત મીલ ચાર રસ્તા, ઠક્કરનગર ચાર રસ્તાવાળા બ્રીજ પર, ભીમજીપુરા, નિકોલ, નરોડા સહિતના વિવિધ વિસ્તારોમાં સહિત પંદરથી વધુ ભુવાઓ પડયા છે પરંતુ અમ્યુકો તંત્ર અને તેના સત્તાધીશોના પેટનું પાણી સુધ્ધાં હાલતુ નથી. બહુ શરમજનક અને આઘાતજનક વાત એ છે કે, ખુદ અમ્યુકો સત્તાવાળાઓનું આ ભુવાઓ પરત્વે ધ્યાન દોરવા છતાં તેને પુરાણનું કામ કે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી, આમ કરી અમ્યુકો સત્તાધીશો શહેરના પ્રજાજનો સાથે નફ્ફટાઇભર્યુ અને અપમાનજનક વર્તન દાખવી રહ્યા હોવાની એક આક્રોશભરી લાગણી જનમતમાં પ્રસરી રહી છે. અમ્યુકો સત્તાવાળાઓના અણઘડ વહીવટ અને બેજવાબદાર આયોજનના કારણે હાલ તો, અમદાવાદ કે જે સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે, તે હવે ભુવા નગરી બની ગઇ છે અને ચોમાસા પહેલાં જ ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસના અગ્રણી નેતા અને અમ્યુકો સ્કૂલ બોર્ડના કોંગ્રેસના સભ્ય નાગજીભાઇ દેસાઇએ વધુમાં ઉમેર્યું કે, ગઇકાલે અને આજે વરસેલા વરસાદે અમ્યુકો તંત્રના પ્રિ-મોન્સુન પ્લાન, ગટરો સાફ કરવા સહિતના તમામ દાવાઓની પોલ ખોલી નાંખી તેની ધજ્જિયાં ઉડાવી દીધી છે. પ્રજા અને નાગરિકો મહેનત-પરસેવાની કમાણીથી ટેકસના નાણાં ભરી રહ્યા છે તેમછતાં તેમને અમ્યુકો તંત્ર તરફથી સારી સુવિધા પ્રાપ્ય નથી બનાવાતી ઉલ્ટાનું ભુવાઓનું સામ્રાજય, ગટરો બેક મારવા સહિતની જોખમી અને જીવલેણ બાબતોમાં નાગરિકો ભોગ બની રહ્યા છે. તેમછતાં અમ્યુકો તંત્ર અને સત્તાધીશોના પેટનું પાણી હાલતુ નથી અને તેઓ ઘોર નિંદ્રામાંથી જાગતા નથી તે બહુ શરમજનક અને નાલેશીભરી વાત કહી શકાય.. પોતાની ફરજ અને કર્તવ્યથી વિમુખ થનારા કસૂરવાર અને જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી રાજય સરકારના સત્તાધીશોએ દાખલો બેસાડવો જોઇએ. ઠક્કરનગર ચાર રસ્તાવાળા બ્રીજ પર ભુવો દોઢ મહિનાથી પડેલો છે, જે હજુ રીપેર થયો નથી અને તેના કારણે આ બ્રીજ છેલ્લા દોઢ મહિનાથી બંધ છે, ગઇકાલે પણ ભારે વરસાદમાં આ વિસ્તારમાં જોરદાર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગઇકાલે પડેલા ધોધમાર વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં ઉઁડા પાણી ભરાઇ ગયા હતા તો, બાપુનગર સહિતના કેટલાક વિસ્તારોમાં તો ગટરોના પાણી બેક મારતા હતા આમ, ભાજપના શાસકોના જૂઠ્ઠાણાંનો ચહેરો ખુલ્લો પડી ગયો છે અને અમ્યુકો સત્તાધીશોના દાવાઓ પણ વરસાદી પાણીમાં ધોવાઇ ગયા છે.
બીજીબાજુ, અમ્યુકો સત્તાવાળાઓના બેજવાબદાર, નફ્ફટાઇભર્યા અને શરમજનક અણઘડ વહીવટનો નમૂનો તાજેતરમાં જ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં શ્યામરત્ન એપાર્ટમેન્ટ અને શાસ્ત્રીનગર ટેનામેન્ટની વચ્ચે જાહેર રોડ પર છેલ્લા પાંચ-છ દિવસથી મોટો ભુવો પડયો તેનો છે. સૌથી ગંભીર અને શરમજનક વાત એ છે કે, આ ભુવો તાત્કાલિક રીપેર કરવા અમ્યુકો સત્તાધીશોને ભુવો પડયાના ગણતરીના કલાકોમાં જ જાણ કરી દેવાઇ હતી પરંતુ તેમછતાં હજુ સુધી આ ભુવો પૂરાયો નથી. જેના કારણે આ ભુવો જેમના ઘરની સામે પડયો છે, તે શાસ્ત્રીનગર ટેનામેન્ટમાં રહેતા મનોજ કે.કારીઆ અને હેમાબહેન કારીઆના પરિવારની હાલત કફોડી અને બહુ કટોકટીભરી બની રહી છે. કારણ કે, આ કોરોનાના કપરા કાળમાં કારીઆ પરિવાર માટે હાલ તો ઘરની બહાર નીકળવું જ મુશ્કેલ બની ગયુ છે અને તેઓ લગભગ છેલ્લા એક સપ્તાહથી ઘરમાં પૂરાઇ રહેવા મજબૂર બન્યા છે. કારણ કે, જો કે, ઇમરજન્સીના સંજોગોમાં કે આકસ્મિક કિસ્સામાં તેમને ઘરની બહાર કાર લઇને નીકળવાનું થયુ તો, તેમની કાર જ ઘરના ગેટ પાસેથી નીકળી શકે તેમ નથી. કારીઆ પરિવાર તરફથી અમ્યુકોના સંબંધિત સત્તાવાળાઓનું વારંવાર ધ્યાન દોર્યું પરંતુ હજુ સુધી તેમના ઘરની બહારનો જાહેર રોડ પરનો આ વિશાળ ભુવો પૂરાયો નથી.
બીજી ગંભીર વાત એ છે કે, આ ભુવો એટલો ઉંડો છે કે, રાતના અંધારામાં જો કોઇ માણસ કે બાળક કે સીનીયર સીટીઝન કે મહિલા અંદર પડે તો તે આખા અંદર ખૂપી જાય એટલો ઉંડો છે. વળી, ગઇકાલે જે પ્રકારે વરસાદ આવ્યો અને જો ભુવામાં પાણી ભરાઇ જાય તો પણ કોઇક અંદર પડી જાય તો ગંભીર અકસ્માત, જાનહાનિ કે ઇજા થવાની સતત દહેશત પ્રવર્તી રહી છે પરંતુ તેમછતાં અમ્યુકો સત્તાવાળાઓનું આટલા દિવસોથી પેટનું પાણી હાલતુ નથી. આવા કિસ્સાઓમાં તો, રાજય સરકારના જવાબદાર સત્તાવાળાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કસૂરવાર અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી અથવા તો તેમને નોકરીમાંથી હકાલપટ્ટી કરી સમાજમાં એક ઉત્કૃષ્ટ દાખલો બેસાડવો જોઇએ તેવી પણ સ્થાનિક રહીશોમાં આક્રોશભરી લાગણી પ્રવર્તી રહી છે.