યુવાનોને રોજગારી પૂરી પાડવી એ જ અમારો નિર્ધાર – ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ
ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૩૬૫ જૂનિયર આસિસટન્ટ તથા ૨૭૫ જુનિયર ઈજનેરોને નિમણૂક અપાઈ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.4
રાજયમાં ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓને વિદ્યૃત સહાયક જૂનિયર આસિસટન્ટ અને વિદ્યૃત સહાયક જૂનિયર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સરકારના ઉર્જા વિભાગના આ નિર્ણયને પગલે નિમણૂંક પામેલા ઉમેદવારો અને તેમના પરિવારોમાં ભારે ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી તો, બીજીબાજુ, ઉર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં આટલી નિમણૂંક એકસાથે કરવાના સરકારના નિર્ણયની પણ પ્રશંસા થઇ રહી છે.
આ અંગે ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓને વિદ્યૃત સહાયક જૂનિયર આસિસટન્ટ અને વિદ્યૃત સહાયક જૂનિયર તરીકે નિમણૂક આપી દેવાઈ છે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, યુવાઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને જીસેકમાં આ નિમણૂકો આપવામાં આવી છે. રાજ્યની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ડીસેમ્બર-૨૦૨૦ અને જાન્યુઆરી-૨૦૨૧માં ઓન લાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું પરિણામ તા. ૦૯/૦૩/૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ જેના આધારે આ નિમણૂકો આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યુત સહાયક જુનીયર આસીસ્ટંટની જગ્યા પર ડીજીવીસીએલમાં ૬૯૧, યુજીવીસીએલમાં ૫૨૭, પીજીવીસીએલમાં ૮૩૯, એમજીવીસીએલમાં ૨૪૦ અને જીસેકમાં ૬૮ મળી કુલ ૨૩૬૫ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે. એ જ રીતે વિદ્યુત સહાયક જુનીયર ઈજનેરની જગ્યા પર ડીજીવીસીએલમાં ૧૩૧, યુજીવીસીએલમાં ૩૭, અને જીસેકમાં ૧૦૭ મળી કુલ ૨૭૫ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે.