વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થયાના અવસર પર શ્રી નરહરિ અમીન દ્વારા અમદાવાદ અને ગાંધીનગર લોકસભામાં આવતાં વિસ્તારમાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને આઠ હજાર જેટલી કીટનું વિતરણ કરાયુ
ભાજપના રાજયસભા સાંસદ નરહરિ અમીન દ્વારા આ વર્ષે પોતાના જન્મદિને કોરોના કાળમાં માનવજીવનને સહાયભૂત થવા અને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાના ભાગરૂપે અનોખો સેવાયજ્ઞ કરી સામાજિક જીવનમાં પણ સૌકોઇને અનોખી પ્રેરણા પૂરી પડાઇ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.4
રાજયસભાના સાંસદ શ્રી નરહરિ અમીને તા.5મી જૂને તેમના જન્મદિન નિમિતે અનોખો સેવાધર્મ બજાવ્યો છે. ભાજપના રાજયસભા સાંસદ શ્રી નરહરિ અમીન દ્વારા તેમના જન્મદિન નિમિતે આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમના દ્વારા દત્તક લેવાયેલા પાંચ ગામો અસલાલી, સરોડા, પલોડિયા, પીરોજપુર અને અડાલજના અંદાજે દસ હજારથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનું સુરક્ષા વીમા કવચ પૂરું પાડશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ભરવામાં આવતા પ્રીમીયમની રકમ નરહરિ અમીન દ્વારા જ ભરવામાં આવશે, જે નોંધનીય કહી શકાય.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતના કિસ્સામાં રૂ.બે લાખનું વીમા રક્ષણ આપતી યોજનામાં જેમની ઉમંર 18 થી 70 વર્ષ હોય તેવા તમામ વ્યકિત વાર્ષિક રૂ.12 પ્રીમીયમ ભરી આ યોજનામાં જોડાઇ શકે છે. આ વીમા કવચ હેઠળ (1) આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂ.બે લાખ, (2) અકસ્માતમાં બંને આંખો અથવા બંને પગ અથવા બંને પગ ગુમાવ્યા હોય અથવા એક આંખની દ્રષ્ટિ અને એક પગ અથવા એક હાથ ગુમાવ્યો હોય તેમને પણ રૂ.બે લાખ તેમ જ (3) એક આંખની દ્રષ્ટિ ગુમાવ્યેથી અથવા એક હાથ કે પગ બિનઉપયોગી થાય તેવા કિસ્સામાં પણ રૂ.એક લાખ સુધીનું વીમારક્ષણ મળે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થયાના અવસર પર શ્રી નરહરિ અમીન દ્વારા બે કિલો ઘઉં, બે કિલો ચોખા અને એક કિલો તુવેરદાળ એમ પાંચ કિલો અનાજની આઠ હજાર જેટલી કીટનું ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં એક હજાર કીટ, જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં એક હજાર કીટ, બાપુનગર વિધાનસભા વિસ્તારમાં એક હજાર કીટ તેમ જ કલોલ વિધાનસભા વિસ્તારમાં 2250 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
તદુપરાંત, રાજયસભાના સભ્ય તરીકે દત્તક લીધેલા પાંચ ગામો – અસલાલી, સરોડા, પલોડિયા, પીરોજપુર અને અડાલજ ગામ ઉપરાંત, અમદાવાદ શહેરના ચાંદખેડા, સાબરમતી, મોટેરા વોર્ડ તથા હીરામણી સ્કૂલના સીકયોરીટી, કામદારો, પટાવાળા, સ્વીપર, આયા બહેનો જેવા નાના કર્મચારીઓ તેમ જ અમદાવાદ શહેર અને જિલ્લાના વૃધ્ધાશ્રમો અવલ ફાઉન્ડેશન(વૃધ્ધાશ્રમ), શ્રી રામ ફાઉન્ડેશન(વૃધ્ધાશ્રમ), માતો શ્રી વૃધ્ધાશ્રમમાં સહિત કુલ 2750 જેટલી અનાજ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ભાજપના રાજયસભા સાંસદ નરહરિ અમીન દ્વારા આ વર્ષે પોતાના જન્મદિને કોરોના કાળમાં માનવજીવનને સહાયભૂત થવા અને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાના ભાગરૂપે અનોખો સેવાયજ્ઞ કરી સામાજિક જીવનમાં પણ સૌકોઇને અનોખી પ્રેરણા પૂરી પડાઇ છે.