ચકચારભર્યા કેસમાં ખુદ મરનારના મોટાભાઇ અને અરજદાર વિધવાના જેઠે કેસના આરોપીઓ સાથે સમાધાન કરી લેતાં હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા અંગેની આરોપીઓ વિરૂધ્ધની ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહી હાઇકોર્ટે રદબાતલ ઠરાવતાં અરજદાર વિધવાએ રિકોલ અરજી કરી સખત વાંધો ઉઠાવ્યો
હાઇકોર્ટે રાજય સરકાર, મૂળ ફરિયાદી અને કેસના આરોપીઓ સામે કારણદર્શક નોટિસો જારી કરી, કેસની વધુ સુનાવણી તા.9મી જૂલાઇના રોજ
અમદાવાદ,તા.22
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ભાભર દારૂની હેરાફેરી અને દારૂ વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ સામે બાથ ભીડનાર ભાભર પોલીસમથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં બુટલેગર આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવનાર ખુદ મરનારના મોટા ભાઇ કાંતિજી સ્વરૂપજી ઠાકોરે જ સમાધાન કરી સમગ્ર પ્રકરણનો વીંટો વાળી દેતાં ચકચારભર્યા આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મરનારના ફરિયાદી ભાઇએ આરોપીઓ સાથે સમાધાન કરી લેતાં આરોપીઓ હાઇકોર્ટમાંથી પોલીસ હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા અંગે દુષ્પ્રેરણ અંગેની તેમની વિરૂધ્ધની ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવતો હુકમ મેળવવામાં સફળ રહેતાં મરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલની વિધવા પાર્વતીબહેન ઠાકોરને બહુ જબરદસ્ત આંચકો અને આઘાત લાગ્યો છે. જેને પગલે અરજદાર પાર્વતીબહેન ઠાકોરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અલગ-અલગ રિકોલ અરજી કરી તેમના પતિ મરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા અંગે દુષ્પ્રેરણની ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવતો હુકમ તાત્કાલિક પાછો ખેંચવા અને આ ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહી પુનઃસ્થાપિત કરવા એટલે કે, ચાલુ રાખવા અરજીમાં બહુ મહત્વની દાદ માંગી છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટના જસ્ટિસ એ.જી.ઉરેઝીએ રાજય સરકાર, મૂળ ફરિયાદી કાંતિજી સ્વરૂપજી અને આરોપીઓ ગેનીબહેન નાગજી ઠાકોર, ભુરાજી ધરમસિંહજી ઠાકોર, વૈકુંઠરામ ગણપતરામ ઠક્કર, હરિલાલ નટવરલાલ ઠક્કર અને કીટુભાઇ વિનુભા રાઠોડ વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે આ રિકોલ અરજી પરની વધુ સુનાવણી તા.9મી જૂલાઇના રોજ રાખી છે.
અરજદાર પાર્વતીબહેન ઠાકોર તરફથી કરાયેલી રિકોલ અરજીમાં બહુ જ મહત્વની દલીલો કરતાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અરજદારના પતિ નાગજી સ્વરૂપજી ઠાકોર ભાભર પોલીસમથકમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તેમની પોલીસની કામગીરી દરમ્યાન સ્થાનિક બુટલેગરો અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા તત્વો સામે બાથ ભીડતા હતા અને સ્થાનિક વિસ્તારમાં દારૂબંધીની અમલવારી માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. પરંતુ આરોપીઓ ગેનીબહેન નાગજી ઠાકોર, ભુરાજી ધરમસિંહજી ઠાકોર સહિતના આરોપીઓ દ્વારા અરજદારના પતિ હેડ કોન્સ્ટેબલ નાગજી ઠાકોરને વારંવાર જાનથી મારી નાંખવાની ધમકીઓ ઉપરાંત સખત ત્રાસ અપાતો હતો. જેના કારણે ગત તા.30-8-2016ના રોજ અરજદારના પતિ નાગજી ઠાકોરે આત્મહત્યા કરી લીધી હતી પરંતુ મરતા પહેલાં તેમણે લખેલી સ્યુસાઇડ નોટમાં આરોપીઓની ગુનાહિત કરતૂત અને કૃત્યનો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આમ, આરોપીઓના ભયંકર ત્રાસના કારણે તેમના પતિને આત્મહત્યા કરવા માટે મજબૂર બનવું પડયુ હતુ.
આ બનાવ અંગે અરજદારના જેઠ અને મરનારના મોટાભાઇ કાંતિજી સ્વરૂપજી ઠાકોરે ભાભર પોલીસમથકમાં ગેનીબહેન નાગજી ઠાકોર, ભુરાજી ધરમસિંહજી ઠાકોર સહિતના આરોપીઓ વિરૂધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતના ગુના સબબ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીઓએ આગોતરા જામીન મેળવી લીધા હતા. બીજીબાજુ, આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં તેમની વિરૂધ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ રદબાતલ ઠરાવવા માટે કવોશીંગ પિટિશન દાખલ કરી હતી, તો નીચલી કોર્ટમાં પણ આ ફરિયાદ અનુસંધાનમાં પ્રોસીડીંગ્સ શરૂ થયા હતા. જો કે, પાછળથી મૂળ ફરિયાદી કાંતિજી ઠાકોર અને આરોપીઓ વચ્ચે સમાધાન થઇ જતાં તેને આધાર બનાવી આરોપીઓ હાઇકોર્ટમાંથી તેમની વિરૂધ્ધની કવોશીંગ પિટિશન મંજૂર કરાવી ફરિયાદ રદબાતલ ઠરાવવામાં સફળ થઇ ગયા હતા. આ વાતની જાણ અરજદારને થતાં તેણી બહુ આઘાત અને આંચકો પામ્યા હતા. કારણ કે, આ તેમના પતિની આત્મહત્યાના ચકચારભર્યા અને સંવેદનશીલ કેસમાં ન્યાય મેળવવાનો મામલો છે. અરજદાર વિધવા તરફથી હાઇકોર્ટના કવોશીંગ અંગેના હુકમ સામે પણ સખત વાંધો ઉઠાવાયો હતો.
અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ સુપ્રીમકોર્ટના સ્ટેટ ઓફ પંજાબ વિરૂદ્ધ દવીન્દરપાલસિંહ ભુલ્લર તથા અન્યોના કેસ સહિતના વિવિધ કેસમાં સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકયા હતા અને એવી મહત્વની કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતી દલીલ કરી હતી કે, પ્રસ્તુત કેસમાં અરજદાર પોતે ભોગ બનનાર છે અને તેથી તેમને સાંભળ્યા વિના આ કેસની ફરિયાદ રદબાતલ ઠરાવી શકાય નહી. સુપ્રીમકોર્ટના સ્ટેટ ઓફ પંજાબ વિરૂદ્ધ દવીન્દરપાલસિંહ ભુલ્લર તથા અન્યોના કેસમાં ત્રણ જજોની બેંચે ઠરાવ્યું છે કે, અસરગ્રસ્ત પક્ષકારને સાંભળ્યા વિના એફઆઇઆર કવોશ કરી શકાય નહી. જેથી આ કેસમાં અરજદાર પોતે અસરગ્રસ્ત પક્ષકાર છે અને તેથી તેમને પોતાના પક્ષની રજૂઆત અને દલીલો કરવાની તક હાઇકોર્ટે પૂરી પાડવી જોઇએ અને તેમને સાંભળવા જોઇએ ત્યારબાદ જ હાઇકોર્ટે આખરી નિર્ણય કરવો જોઇએ. આમ, હાઇકોર્ટે આરોપીઓ વિરૂધ્ધની ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવતો જે હુકમ કર્યો છે તે અયોગ્ય અને ગેરકાયદે હોઇ તેને તાત્કાલિક રદ કરી તેને પાછો ખેંચવો જોઇએ. વધુમાં, આરોપીઓ વિરૂધ્ધની ફરિયાદ અને તેને આનુષંગિક કોર્ટ કાર્યવાહી ફરીથી ચાલુ કરવી જોઇએ એટલે કે, પુનઃસ્થાપિત કરવી જોઇએ એવી પણ અરજદારપક્ષ તરફથી દાદ માંગવામાં આવી હતી. અરજદાર વિધવાની મહત્વની દલીલો ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે આ કેસમાં રાજય સરકાર, મૂળ ફરિયાદી કાંતિજી સ્વરૂપજી ઠાકોર અને આરોપીઓ ગેનીબહેન નાગજી ઠાકોર, ભુરાજી ધરમસિંહજી ઠાકોર, વૈકુંઠરામ ગણપતરામ ઠક્કર, હરિલાલ નટવરલાલ ઠક્કર અને કીટુભાઇ વિનુભા રાઠોડ વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે આ રિકોલ અરજીની વધુ સુનાવણી તા.9મી જૂલાઇના રોજ મુકરર કરી છે.