શ્રીભાગવત વિદ્યાપીઠના 20-ઋષિકુમારોને ભાગવત કથાકાર બનાવી વૈશ્વિક ફલક ઉપર
ભારતીય સંસ્કૃતિ સભ્યતા અને સંસ્કારનો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વલિત કરીશું : શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રી
અમદાવાદ, તા. ૧૦
અમદાવાદ ખાતે આવેલ શ્રીભાગવત વિદ્યાપીઠ-સોલાના પ્રાંગણમાં પ. પૂ. વિશ્વવન્દ્ય શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજીની 19 મી પુણ્યસ્મૃતિમાં તેઓને ભાગવતાર્ઘ્ય સમર્પણ કરવાના હેતુથી “પરંપરાપૂર્તિ મહોત્સવ” ઉજવવામાં આવ્યો હતો. આ “પરમ્પરાપૂર્તિ મહોત્સવ”થી ભાગનત કથાકાર ક્ષેત્રમાં પદાર્પણ કરનાર વિદ્યા-વિનયથી સમ્પન્ન તથા જેમના એક હાથમાં વર્તમાન ટેક્નોલોજી અને બીજા હાથમાં શાસ્ત્રવિદ્યા છે તેવા નવયુવા શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજીના વિચારો ભક્તિમય અને વ્યવહારુ છે. શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજીએ “પરંપરાપૂર્તિ મહોત્સવના સમાપન પ્રસંગે તેઓના વિચારો વ્યક્ત કર્યા હતાં.
શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી વ્યાસપીઠના માધ્યમથી આજની યુવા પેઢીને શાસ્ત્રો અને વેદો તરફ પાછા વાળવાની ઝંખના રાખે છે. તેમનું એવું દ્રઢપણે માનવું છે કે, આજની યુવાપેઢીને ધર્મ જો સાયન્સના માધ્યમ દ્વારા સમજાવીશું તો તે સાચી શ્રદ્ધાથી પ્રભુપ્રીતિ કરતી થશે.
જ્ઞાન અને વિજ્ઞાનના સમન્વયથી જ આજનો બુદ્ધિજીવી વર્ગ ધર્મમાં આસ્થા રાખતો થશે, માટે ધર્મના દરેક પાસાને વિજ્ઞાન સાથે જોડી લોકો સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ આ પરંપરાપૂર્તિ મહોત્સવ દ્વારા મને પ્રાપ્ત થયેલ વ્યાસપીઠના માધ્યમથી હું કરવા ઈચ્છું છું.
શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજીએ વધુમાં જણાવ્યું કે, તેઓશ્રી આ ભાગવતની પરમ્પરાને વધુ વેગ આપવા માટે શ્રીભાગવત વિદ્યાપીઠના 20-ઋષિકુમારોને ભાગવત કથાકાર બનાવી વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિ સભ્યતા અને સંસ્કારનો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વલિત કરવા માંગે છે.
શ્રીભાગવત વિદ્યાપીઠ-સોલા એ શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી દ્વારા પ્રસ્થાપિત શ્રીમદ્ ભાગવત વ્યાસપીઠની એક અદ્ભૂત પરમ્પરા છે જે પરમ્પરામાં શાસ્ત્રીજીના પુત્ર અને કાશીના પરમ વિદ્વાન પૂ. શ્રીકર્દમઋષિજી, તે પછી ભાગવત ભાસ્ક્રર એવા પૂ. શ્રીભાગવતઋષિજી અને હવે શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજીની ચતુર્થ પેઢી પરમ વિદ્વાન, પ્રાચ્ય અને અર્વાચ્ય વિદ્યાના સુભગ સમન્વય સ્વરૂપ એવાં વર્તમાન સમયનાં ઉભરી રહેલા પ્રતિભા સમ્પન્ન યુવા ભાગવતાચાર્ય કથાકાર શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી પોતાના પરદાદાની પરમ્પરાને સંપૂર્ણ નિષ્ઠાથી આગળ વધારવા તારીખ 02-06-2021 થી 08-06-2021 સુધી કથારસનો તેમની વૈદુષ્ય પરિપૂર્ણ શૈલીમાં સૌ વૈષ્ણવો અને ભક્તોના હૃદયમાં ભક્તિરસનું સિંચન કર્યુ હતું.
આમ, શ્રીભાગવત વિદ્યાપીઠના આદ્યસંસ્થાપક એવાં પરમ વિદ્વાન શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજીના પ્રપૌત્ર એવા યુવાકથાકાર શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી ભાગવત કથાના ક્ષેત્રમાં ખૂબ જ ઉજ્જવલ પ્રગતિ કરે અને સંસ્કૃત-સંસ્કૃતિ અને સંસ્કારને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરી ભારતને વિશ્વગુરુ પદ ઉપર સ્થાપિત કરવાના સફળ પ્રયત્નો કરશે.