કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર જિલ્લામાં પાનસર- છત્રાલ રેલવે ઓવરબ્રિજ ઉપરાંત, રૂ.બે કરોડના ખર્ચે નિર્માણ પામેલ કલોલ એ.પી.એમ.સી. ના કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યુ
આ પ્રસંગે રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા
કલોલ એ.પી.એમ.સી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે માર્કેટયાર્ડના કાર્યાલયનું જાત નિરીક્ષણ કર્યુ : માર્કેટયાર્ડમાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.21
ગાંધીનગર જિલ્લાના પાનસર – છત્રાલ રોડ પર રૂપિયા ૩૪.૯૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલવે ઓવરબ્રિજ અને કલોલ તાલુકાની એ.પી.એમ.સી.નું રૂપિયા ૨ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ કાર્યાલયનું આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમીતભાઇ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાના પાનસર – છત્રાલ નજીક અમદાવાદ થી દિલ્હી સુધીમાં ડી.એફ.સી.સી. યોજના હેઠળ પેસેન્જર ટ્રેઇન અને માલવાહક ટ્રેઇન કુલ મળીને ચાર ટ્રેક પર ટ્રેઇન ચલાવવાની યોજના છે. હાલમાં ૨૦ થી ૨૨ વખત ફાટક બંધ કરવામાં આવે છે. જેના લીધે મુસાફરોને ખૂબ પરેશાની ભોગવવી પડે તેમ હોઇ આ રૂટ પર રૂપિયા ૩૪.૯૨ કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રીજની કામગીરી કરવામાં આવી છે. ફાટક બંધ કરવાની પરેશાનીનું નિવારણ થશે. તેમજ સમય તથા ઇંધણની બચત થશે. આ ફાટક કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ અને રાજય સરકાર દ્વારા ૫૦-૫૦ ટકા કોસ્ટ શેરીંગ મુજબ કરવામાં આવ્યું છે.
કલોલ તાલુકાના આશરે ૭૦ ગામોના ખેડૂતો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કલોલ માર્કેટયાર્ડમાં પોતાની ખેત પેદાશોના વેચાણ અર્થ આવે છે. આ માર્કેટમાં વાર્ષિક ૫૮૩૮ લાખની ખરીદી-વેચાણ થાય છે. માર્કેટ યાર્ડના કામકાજ અર્થે રુપિયા ૨ કરોડના ખર્ચે કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે રેલ્વે ઓવરબ્રિજ અને માર્કેટયાર્ડના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
એ.પી.એમ.સી.ના કાર્યાલયના લોકાર્પણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સમગ્ર કાર્યાલયનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉપસ્થિત સર્વે ખેડૂત મિત્રો અને યાર્ડના સભ્યોની શુભેચ્છા મુલાકાત લઇ તેમની સાથે વાતચીત કરી હતી.
આ બન્ને કાર્યક્રમમાં ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સહકાર રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, એ.પી.એમ.સીના ચેરમેન શ્રી નવીનભાઇ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ,ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાધેલા અને રજનીભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ સહિત માર્કેટયાર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.