૨ વર્ષથી વિભાગ કક્ષાએ ૨૨૦ અપીલ અરજીઓ અને વિકાસ કમિશ્નર કક્ષાએ ૧૩૦ મળીને કુલ ૩૫૦ અપીલ અરજીઓ પડતર હોવાનું ધ્યાન પર આવતાં નિર્ણય
પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, IAS ના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલી રીવ્યુ બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો
પડતર અપીલોની ઇ-ગ્રામ પાવન નેટવર્ક મારફતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન સુનાવણી હાથ ધરાશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.30
રાજયના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી અપીલની સુનાવણી અન્વયે તાજેતરમાં પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, IAS ના અધ્યક્ષ પણા હેઠળ રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં ૨ વર્ષથી વિભાગ કક્ષાએ ૨૨૦ અપીલ અરજીઓ અને વિકાસ કમિશ્નર કક્ષાએ ૧૩૦ મળીને કુલ ૩૫૦ અપીલ અરજીઓ પડતર હોવાનું ધ્યાને આવેલ જે બાબતે વિપુલ મિત્રા દ્વારા અપીલોની સુનાવણી ઇ-ગ્રામ પાવન નેટવર્ક મારફતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવા જણાવાયું છે. આમ સમગ્ર અપીલ અરજીઓની સુનાવણી ઓનલાઇન કરવામાં આવશે જે કોવીડના સમયમાં મોટુ સ્ટેપ ગણી શકાય. વળી, પડતર અરજીઓનો નિકાલ કરવાના હેતુથી પણ આ એક હકારાત્મક અભિગમ અને પગલું કહી શકાય.
આ માટે અરજદારે નિયત તારીખ અને સમયે ઇ-ગ્રામ કેન્દ્ર પર ઉપસ્થિત રહેવાનું રહેશે. તલાટીએ વિડીયો કોન્ફરન્સ પર લોગ ઇન કરવાનું રહેશે જે તે તાલુકા – જિલ્લા પંચાયતના સબંધિત અધિકારીએ પણ હાજર રહેવાનું રહેશે. જયાં ઇ-ગ્રામ નેટવર્ક ઉપલબ્ધ ન હોય તે જિલ્લાની અપીલની સુનાવણી વેબ બેઇઝ વિડીયો કોન્ફરન્સ એપ. મારફત થી હાજર રહેવાનું રહેશે.
વિપુલ મિત્રાના જણાવ્યા મુજબ પડતર અરજીઓ અન્વયે ઉપરોકત પધ્ધતીથી અરજદારોને ગાંધીનગર આવન-જાવન અન્વયે સમય અને નાણાંનો ખર્ચ થતો બચશે. સચિવાલય પરિસરમાં પણ પ્રવર્તમાન કોરોના સ્થિતિને કારણે બિન જરૂરી મુલાકાતો તથા સંપર્કનું પ્રમાણ ઘટશે, તેમના મુસાફરીમાં વ્યય થતા માનવ કલાકોનો ઉપયોગ જન કલ્યાણની યોજનાઓમાં થશે. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પડતર તુમારોના નિકાલ ઝડપી અને પારદર્શી થશે અને પ્રજાજનોને ઝડપથી ન્યાય મળી રહેશે.