અમદાવાદમાં રથયાત્રા નીકાળવાના મુદ્દે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ વાત કહી
ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા પણ કોવીડ પ્રોટોકોલ અને ગાઇડલાઇન્સ મુજબ જ યોજાશે
ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના જન્મદિવસે ભગવાન જગન્નાથજી અને ભદ્રકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
આજે રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો જન્મ દિવસ હોઇ તેઓ ખાસ અમદાવાદના જમાલપુર ખાતેના સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કર્યા હતા અને ભારે શ્રધ્ધા અને ભકિતભાવ સાથે ભગવાનની આરતી ઉતારી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટસ્ટ્રી મહેન્દ્ર ઝા અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી અને રથયાત્રા અને તે પહેલાંની જળયાત્રાની તૈયારીને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું હતુ કે, કોરોનાના કેસોની સ્થિતિ અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા પણ કોવીડ પ્રોટોકોલ અને ગાઇડલાઇન્સ મુજબ જ યોજાશે એમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કહેરના કારણે ગત વર્ષે પણ ભક્તો વગર રથયાત્રા નિજમંદિરમાં જ કાઢવામાં આવી હતી, જેના કારણે હજારો-લાખો શ્રધ્ધાળુ અને ભકતોની લાગણી દુભાઇ હતી. જો કે, આ વર્ષે પણ હજુ કોરોના મહામારીની અસરો ચાલુ હોઇ કોવીડ ગાઇડલાઇન્સ પાલન અને અમલવારીનો તબક્કો પણ ચાલુ જ છે, જેના કારણે આ વર્ષે પણ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી અટકળો ચાલી રહી છે. જો કે, આજે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. સરકાર કક્ષાએ પણ રથયાત્રાને લઇ મહત્વની વિચારણા ચાલી રહી છે અને તમામ સંબંધિત પાસાઓને ધ્યાનમાં લેવાઇ રહ્યા છે. જો કે, આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા નીકાળવી કે કેમ તેને લઇને હજુ સ્થિતિ સ્પષ્ટ રીતે સામે આવી નથી ત્યારે ખુદ ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે ફોડ પાડતાં કહ્યું કે, કોરોનાના કેસોની સ્થિતિ હશે તે મુજબ આગામી દિવસોમાં રથયાત્રાને લઇ નિર્ણય લઈશું. આ વર્ષે જળયાત્રા પણ કોવિડ પ્રોટોકોલ મુજબ યોજાશે.
નોંધનીય છે કે, કોરોના મહામારી વચ્ચે 58 દિવસ બાદ આજથી અમદાવાદનું પ્રખ્યાત જગન્નાથ મંદિર શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ અને ભકતો માટે ખુલ્લુ મૂકાયુ છે. કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય દ્વાર પર સેનેટાઈઝ ટનલ બનાવવામાં આવી છે. સાથે જ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે. શ્રધ્ધાળુઓને પણ કોવીડ ગાઇડલાઇન્સનું પાલન કરવા તાકીદ કરાઇ છે.
દરમ્યાન અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ જણાવ્યું છે કે કોરોના સંક્રમણની આગામી દિવસોની પરિસ્થિતિ ધ્યાને રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે. માત્ર મારી જ નહિ બધાની લાગણી છે કે, ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળે. જો કે, જળયાત્રા કોવિડ ગાઇડલાન મુજબ થશે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે અને દર વર્ષે તો મોટી સંખ્યામાં સાધુ સંતો,ભક્તો જોડાતા હતા અને ધામધૂમથી જળયાત્રાની વિધિ થતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે ગત વર્ષે પણ સાદાઈથી જ જળયાત્રાની વિધિ કરવામાં આવી હતી અને આ વર્ષે પણ જળયાત્રાની વિધિ કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે જ કરવામાં આવશે. તો, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે સુપ્રસિધ્ધ ભદ્રકાળી મંદિર ખાતે ભદ્રકાળી માતાજીના પણ દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.