નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ઉત્તમ સુવિધા મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા
પાલડી પોલીસ મથક રૂ. ૨ કરોડ ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે, જ્યારે ચાંદખેડા પોલીસ મથક રૂ. ૨ કરોડ ૫૧ લાખના ખર્ચે તૈયાર થયું છે
ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાનું આયોજન કોવીડને અનુલક્ષીને કરવામાં આવશે અને આ અંગે સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિચાર-વિમર્શ ચાલી રહ્યા છે – ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.24
ગુજરાતના નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ઉત્તમ સુવિધાઓ મળે અને અધિકારીઓ માટે કામગીરીમાં સાનુકૂળ વાતાવરણ સર્જાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદમાં આગામી દિવસોમાં રથયાત્રા નીકાળવામાં આવશે કે કેમ તે અંગે પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે, ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાનું આયોજન કોવીડને અનુલક્ષીને કરવામાં આવશે અને આ અંગે સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિચાર-વિમર્શ ચાલી રહ્યા છે. પરિસ્થિતિની સમીક્ષા બાદ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રીએ મીડિયા સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ આવાસ નિગમે પોલીસ આવાસને અગ્રીમતા આપ્યા બાદ હવે જૂના પોલીસ સ્ટેશનને આધુનિક બનાવવા માટે બીડું ઝડપ્યું છે. ગૃહરાજ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ચાંદખેડા પોલીસ મથકની ડિઝાઈન અને નિર્માણમાં નૂતન અભિગમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ પોલીસ મથકમાં પોલીસીંગ તેમ જ નાગરિકોને આનુષાંગિક સુવિધાઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ, પોલીસ મથક નિર્માણના કેન્દ્રમાં નાગરિક છે.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ પોલીસ આધુનિકીકરણની દિશામાં થઈ રહેલા પ્રયાસોની રુપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ સંવેદનશીલ બને તે સાથોસાથ ટેકનોલોજીના ઉપયોગમાં સ્માર્ટ પણ બને તે દિશામાં ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
આ અવસરે ગૃહરાજ્યમંત્રીશ્રીએ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું પણ લોકાર્પણ કર્યું હતું. અને જણાવ્યું હતું કે, પોલીસ સ્વૈચ્છીક સંગઠનોના સહકાર દ્વારા ટ્રાફિકની સમસ્યાના ઉકેલની દિશામાં કાર્યરત છે. આ અંતર્ગત જ યુવા અનસ્ટોપેલ સંસ્થા સાથે બાળકો અને યુવાનોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આણવા માટે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં રથયાત્રા આયોજન સંદર્ભે મીડિયાના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાનું આયોજન કોવીડને અનુલક્ષીને કરવામાં આવશે અને આ અંગે સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.
અહીં નોંધપાત્ર બાબત એ છે કે, અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં નિર્માણ પામેલું પોલીસ સ્ટેશન એ શહેરનું પહેલું એવું પોલીસ સ્ટેશન બન્યું છે જેમાં લિફ્ટની સુવિધા છે. નાગરિક કેન્દ્રીત સુવિધાસભર પોલીસમથકથી સિનિયર સિટીઝન તેમ જ શારીરિક અશક્ત નાગરિકોને ઉપયોગી પુરવાર થશે. જ્યારે ચાંદખેડાના નવનિર્મિત પોલીસ મથકમાં પોલીસીંગની સાથે નાગરિકને જરુરી સુવિધાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પાલડી પોલીસ મથક રૂ. ૨ કરોડ ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે, જ્યારે ચાંદખેડા પોલીસ મથક રૂ. ૨ કરોડ ૫૧ લાખના ખર્ચે તૈયાર થયું છે. જેમાં જરૂરી તમામ સાધન-સુવિધા પોલીસ કર્મચારીઓ માટે તૈનાત કરાઇ છે. આ અદ્યતન પોલીસ મથકના લોકાર્પણને લઇ પોલીસ તંત્રમાં પણ ભારે ખુશીની લાગણી પ્રસરી હતી.
પાલડી પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ, અમદાવાદ મહાનગર પાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા શ્રી અમિતભાઇ શાહ ,પૂર્વ મેયર શ્રી બિજલબેન પટેલ તેમજ કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ચાંદખેડા પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે સંસદસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ તેમ જ ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી. પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ તેમ જ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજીપી શ્રી હસમુખ પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.