અરવલ્લી જીલ્લાના માલપુર ગામની બે ફરીયાદો રદ કરવા અંગેની કવોશીંગ પિટિશનો હાઈકોર્ટે ફગાવી
પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો એવા આરોપીઓની ક્વોશીંગ પીટીશન હાઇકોર્ટે રદ કરી અને પોલીસ અધિકારીને તાત્કાલીક તપાસ હાથ ધરી ચાર્જશીટ ફાઈલ કરવા મહત્વનો હુકમ કર્યો
હાઇકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ તેમના ચુકાદામાં હાઇકોર્ટ તેમ જ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકી મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ કરી આરોપીઓની કવોશીંગ પિટિશન ધરાર ફગાવી દીધી
અમદાવાદ,તા.29
અરવલ્લી જિલ્લાના માલપુર ગામે યુવક-યુવતીના પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો તરફથી યુવક અને તેના પરિવારજનોને ખોટી ધાકધમકી આપી જીવલેણ હુમલો કરવાના ચકચારભર્યા કેસમાં યુવતીના પરિવારજનો વિરૂધ્ધ માલપુર પોલીસમથકમાં જુદી જુદી ફરિયાદો નોંધાઇ હતી. જે ફરિયાદો રદબાતલ ઠરાવવા યુવતીના પરિવારજનો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીઓ એવા યુવતીના પરિવારજનોની બંને ફરિયાદો રદ કરવા અંગેની કવોશીંગ પિટિશન આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ તેમના ચુકાદામાં હાઇકોર્ટ તેમ જ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકી મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ કરી આરોપીઓની કવોશીંગ પિટિશન ધરાર ફગાવી દીધી હતી. વધુમાં, હાઇકોર્ટે જવાબદાર પોલીસ અધિકારીને આ સમગ્ર પ્રકરણમાં તાત્કાલિક તપાસ હાથ ધરી ચાર્જશીટ સક્ષમ કોર્ટમાં રજૂ કરવા પણ મહત્વનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, માલપુર ગામના ભીખાભાઈ મોહનભાઈ ખાંટે માલપુર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. ની કલમ ૩૯૪,૩૨૩,૫૦૬(૨),૧૧૪ હેઠળ એફ.આઈ.આર. નોંધાવી જણાવેલ કે તેમના ગામના રીઢા અપરાધી સુરેશ હાથીભાઈ ખાંટ તથા તેના સાથીદારોએ ભીખાભાઈ ઉપર લોખંડની પાઈપથી હુમલો કરી ગડદા પાટુ નો માર મારી ૧૮૦૦૦ રૂપિયાની લુંટ કરી હતી. જે વિરૂધ્ધ આરોપીઓએ હાઈકોર્ટ માં Misc. Criminal App. No. 21877/2019 દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટએ કોર્ટની પરવાનગી વિના તપાસ અધિકારીએ ચાર્જશીટ કરવી નહીં તેવો હુકમ કર્યો હતો. આ સિવાય બીજા ગુનામાં, ગુલાબસીંહ રૂપાભાઈ ખાંટે આ સુરેશ ખાંટ તથા તેમની સાથેના બીજા ૧૪ આરોપીઓએ ધાક ધમકીથી ૧,૭૫,૦૦૦ રૂપિયા પડાવી લીધેલ તે અંગે આઈ.પી.સી. ની કલમ ૩૮૪,૩૨૩,૫૦૬(૨),૧૧૪ હેઠળ માલપુર પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધાવેલ જે વિરૂધ્ધ આરોપીઓએ હાઈકોર્ટમાં Misc. Criminal App. No. 342/2020 દાખલ કરી હતી, જેમાં હાઈકોર્ટએ વધુ કાર્યવાહી સામે મનાઈ ફરમાવ્યો હતો.
આ કેસની મૂળ હકીકત રજૂ કરતાં એડવોકેટ નિમિષ એમ.કાપડિયાએ મહત્વની દલીલોમાં જણાવ્યું હતું કે, આરોપી પ્રવીણ ખાંટ કે જે આ ફરીયાદીઓનો ભત્રીજો થાય તેની વિરૂધ્ધ એક મીત્તલબેન નામની છોકરીને ભગાડી જવાનો ખોટો આક્ષેપ મીત્તલબેનના સગાએ કર્યો હતો અને ધાક ધમકીથી આ ફરીયાદીઓ તથા તેમના સગા પાસે એવું લખાણ કરાયું કે મીત્તલબેનને પ્રવીણસીંહ ભગાડી ગયો નથી અને પાછળથી જાણવા મળશે કે મીત્તલબેનને પ્રવીણસીંહ ભગાડી ગયો હશે તો ફરીયાદીઓ, તેમના સગા તથા પ્રવીણસિંહએ ૧૦ લાખ રૂપિયા ભરવા પડશે.
ત્યારબાદ થોડા સમય બાદ મીત્તલબેન પોતાની મરજીથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ નિવેદન આપ્યું હતું કે, તે તેની મરજીથી ઘર છોડીને ગઈ હતી, અને હવે તે પાછી પોતાના માતા-પિતાના ઘરે જવા ઈચ્છે છે. ત્યારબાદ મીત્તલબેનને વીરપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી, જ્યાં તેનું ફરીવાર નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેણીએ જણાવ્યું કે તે તેના મા-બાપ એ નક્કી કરેલા છોકરા સાથે પરણવા નથી માંગતી અને તેથી નોકરીના હેતુથી તે પોતાનું ઘર છોડી અમદાવાદ આવી હતી અને તેને આ પ્રવીણભાઈ સાથે પ્રેમ સંબંઘ હતો. આ નિવેદનના આધારે એ સ્પષ્ટ પણે જાહેર થતુ હતું કે આ પ્રવીણભાઈ છોકરીને ભગાડી કે અપહરણ કરીને નહોતા લઈ ગયા. છતાં પણ આ છોકરીના પરીવારજનો પ્રવીણભાઈના ઘરવાળાઓને ડરાવીને પૈસા આપવા માટે ધમકાવવા લાગ્યા હતા.
ફરીયાદીના વકીલ નિમિષ એમ. કાપડીયા અને નિસર્ગ એસ.શાહે એવી મુખ્યત્વ દલીલ કરી હતી કે, આ આરોપીઓ માથાભારે લોકો છે અને પોતાના ધરની દીકરીના લગ્ન તેની મરજી વિરૂધ્ધ પોતાના ફાયદા માટે છોકરીને ન ગમતા છોકરા સાથે કરાવવા માંગે છે. આ મીત્તલબેન પોતાની મરજીથી તેના ઘરથી નીકળી ગઈ હતી જે તેના નિવેદનોથી ફલિત થાય છે. તેથી આ સામાવાળા ફરીયાદીઓ પાસેથી કોઈ પણ પૈસા ઉઘરાવી ન શકે. વળી તેમની દલીલ એવી હતી કે ગુનો કરવા માટે આ પૈસા અને બનાવમાં વપરાયેલી લોખંડની પાઈપ તથા લૂંટનો મુદ્દામાલ પણ આરોપીઓ પાસેથી રીકવર થયો છે. આ આરોપીઓએ છોકરીને ડરાવી ઘમકાવીને પ્રવીણભાઈ સામે બળાત્કારની ખોટી ફરીયાદ કરી હતી એટલે હાઈકોર્ટે આ પ્રવીણભાઈને આગોતરા જામીન આપ્યા હતા. ફરિયાદો જોતાં આરોપીઓ વિરૂધ્ધ ક્રીમીનલ કેસ બને છે.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટના જસ્ટીસ ગીતા ગોપીએ આરોપીઓની ક્વોશીંગ પીટીશન રદ કરી અને પોલીસ અધિકારીને તાત્કાલીક તપાસ હાથ ધરી ચાર્જશીટ ફાઈલ કરવા મહત્વનો હુકમ કર્યો હતો.