મુખ્યમંત્રી ને ઈ- મેઈલ અને પત્ર પાઠવી ગુજરાતનાં પત્રકારોની લાગણીથી વાકેફ કરાયા – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સત્વરને નિર્ણય લેવા અનુરોધ
ગુજરાતમા કોરોના કાળમાં 52 થી વધુ પત્રકારો મોતને ભેટ્યા : પરિવારજનો ને દસ લાખની સહાય આપવા ABPSS ની માંગ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.8
કોરોનાના આ કપરા કાળમાં અન્ય કોરોના વોરિયર્સની સાથે પત્રકાર આલમે પણ ખભેખભો મિલાવી રાત-દિવસ સતત પોતાની ફરજ અને કર્તવ્યનિષ્ઠા નિભાવી સામાજિક જવાબદારી અને ફરજનો બહુ ઉમદા પરિચય કરાવ્યો છે ત્યારે કોરોનાના આ કપરા કાળમાં મહામારીના સતત જોખમ અને દહેશત વચ્ચે પણ પત્રકારત્વ અને સત્યનિષ્ઠ રિપોર્ટીંગ કરી સમાજને એક એક ખબરથી રૂબરૂ-પરિચિત કરાવી જાણકારી આપી બહુ ઉમદા અને પ્રશંસનીય ફરજ નિષ્ઠા નિભાવી ગુજરાતના પત્રકારોએ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયુ છે. જો કે, કોરોનાના આ કપરા કાળમાં પત્રકારત્વ અને કર્તવ્ય નિષ્ઠા દરમ્યાન કેટલાક પત્રકારો અકાળે મોતને પણ ભેટયા અને તેમના પરિવારજનો પણ કારમો આઘાત અને શોકની લાગણીમાં ગરકાવ બન્યા છે ત્યારે તેવા દુઃખના સમયમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ ગુજરાત સરકારને માનવીય અભિગમ અને સંવેદનાપૂર્ણ વ્યવહાર દાખવી કોરોના કાળમાં ભોગ બનનાર પત્રકારોના પરિવારજનોને તાકીદે દસ લાખ રૂપિયાની આર્થિક સહાય કરવા ઉગ્ર માંગણી કરી છે.
આ અંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતના પત્રકારોએ આખા રાજ્યમાંથી વિગતો મેળવી છે તેમાં ઘણી ચોકાવનારી વિગતો એકઠી થઈ છે. જેટલી વિગતો મેળવી છે તેમાં 52 પત્રકારોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે દિલ્હીની એક સમાચાર સંસ્થાયે યાદી પણ બેબસાઈટમાં પ્રસિદ્ધ કરી છે. આ બાબતને ધ્યાનમાં લઈને પત્રકારો નાં હિત માટે દેશભરમાં લડત ચલાવતા પત્રકાર સંગઠ્ઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી કોરોના કાળમાં મોત ને ભેટેલ પત્રકારો નાં પરિવારજનો ને દસ લાખની તાત્કાલિક સહાય આપવા માંગ કરવામાં આવી છે.
તબીબોના જેટલા મોત થયા છે એટલા પત્રકારોના મોત થયા છે. જે અત્યંત ગંભીર બાબત છે. કારણ કે બીજા ઘણાં પત્રકારો છે જેમણે કોરોનામાં જીવ ગુમાવ્યો છે. વળી પત્રકારોના કુટુંબમાં પણ 3 ગણા મોત થયા હોવાની શંકા પત્રકારો વ્યક્ત કરી રહ્યાં છે. વળી એક અંદાજ પ્રમાણે 25 ટકા પત્રકારોને કોરોના થયો છે. તેમાંએ પરિષ્ઠ પત્રકારોની સંખ્યા મોટી છે. કુટુંબના સભ્યોને પણ કોરોનાના રોગચાળામાં સપડાયા છે. આવી સંખ્યા 3 હજારથી ઓછી નથી.
પત્રકારોને કોરોના વોરીયર્સ તરીકે ગણીને કેન્દ્ર સરકાર અને દેશની બીજી સરકારોએ રાહત પેકેઝ જાહેર કરેલા છે. ગુજરાત સરકારે કર્યું નથી. તેથી પત્રકારોની લાગણી છે તે ગુજરાતની વિજય રૂપાણીની સરકાર આ અંગે ઉદાર મત રાખી સહાય જાહેર કરે. તે માટે કેન્દ્ર સરકાર અને રાજસ્થાન સરકારને મોડેલ બનાવી શકે છે. તેથી કેન્દ્ર અને બીજા રાજ્યો કરતાં પણ વધું ઉદાર રાહત ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ જાહેર કરે એવી પત્રકારોની લાગણી છે.
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડિયાએ વધુમાં જણાવ્યું છે કે, કોવીડ 19ના રોગચાળામાં અહેવાલો અને લખો લખી જાગૃત્તિનું કામ કરતાં ગુજરાતમાં ઘણાં પત્રકારોના અવસાન થયા છે. પત્રકારોએ સામૂહિક રીતે એકઠી કરેલી વિગતોમાં આવા 52 પત્રકારોના અવસાન થયા હોવાનું જણાયું છે. હજું તેના કરતાં ઘણાં વધું પત્રકારોના અવસાન થયા હોવાની શક્યતા છે.
પત્રકારો માને છે કે, ફિલ્ડમાં કામ કરતાં તમામ સ્વ. પત્રકારોને આવરી લેવા જોઈએ. માત્ર સરકાર માન્ય પત્રકારો જ નહીં પણ તંત્રી લખી આપે એવા પત્રકારોને પણ સહાય આપવી જોઈએ. તંત્રી વિભાગમાં કામ કરતાં તમામને સહાય આપવી જોઈએ. છાપકામ, ટેકનિકલ કામ, કેમેરા મેન, ફોટોગ્રાફરને આ સહાયમાં આવરી લેવા જોઈએ. ટીવી અને વેબસાઈટમાં કામ કરતાં તમામ પત્રકારોને સહાય પેકેઝમાં આવરી લેવા જોઈએ.
માહિતી ખાતા દ્વારા 33 જિલ્લા અને 8 શહેરોમાં કોરોનાથી અવસાન પામેલા પત્રકારોની સત્તાવાર વિગતો મેળવવી જોઈએ. સાપ્તાહિત કે કોઈ અવધીના સમાચાર પત્રો હોય. બેસબાઈટ, ટીવી, રેડિયો, છાપાના કોઈ પણ વિભાગમાં કામ કરતાં સ્ટાફમાંથી કોઈના અવસાન થયા હોય તો તેની વિગતો મેળવીને તેમને સહાય કરવી જોઈએ એમ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડિયાએ ઉમેર્યું હતું.
જે પત્રકારોએ કોરોનાની તબીબી મદદ કે સારવાર કે સર્જરી કરાવેલી હોય તે તમામને રાજ્ય સરકાર ઉદાર હાથે મદદ કરવી જોઈએ એવું મોટાભાગના પત્રકારો માને છે. તેની માહિતી ખાતા દ્વારા જાહેરાત દ્વારા વિગતો ઓનલાઈન મંગાવવી જોઈએ. પત્રકારોના કુટુંબના સભ્યોના અવસાન થયા હોય અથવા તેમના કુટુંબના સભ્યોને કોરોના થયો હોય અને તેની સારવાર લીધી હોય કે સર્જરી કરાવેલી હોય તેમને આર્થિક સહાય આપવી જોઈએ. પત્રકારો ફિલ્ડમાં જઈને કોરોના વાહક બનીને તેમના કુટુંબને પણ ચેપ લાગતો હોય છે.
જે પત્રકારોના અવસાન થયા છે તે જે સંસ્થામાં કામ કરતાં હોય તે સંસ્થા તરફથી તેમને વળતર કે ખર્ચ આપવામાં આવે. તેની વિગતો સરકારે મેળવીને મજૂર કાયદાનો અમલ કરવા માટે કંઈક કરવું જોઈએ. આવી સંસ્થાઓ કલ્યાણકારી યોજના બનાવે, એવી લાગણી પત્રકારો જાહેરમાં વ્યક્ત કરી રહ્યાં છે. જે પત્રકારોની નોકરી ગઈ છે તેમને સરકાર બેકારી ભથ્થું આપવું જોઈએ. રાજ્યમાંથી વિગતો એકઠી કરવા માટે જે પત્રકારોએ અપીલ કરી હતી તેમાં કિરીટ ગણાત્રા, દિલીપ પટેલ, હરિ દેસાઈ, ઈશુદાન ગઢવી, શ્યામ પારેખ, ધીમંત પુરોહીત, વિક્રમ વકિલ, ભાર્ગવ પરીખ અને ગોપી મણીયારનો સમાવેશ થાય છે.