દહેગામ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેશનનું રાજયના નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ
કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી રાજય સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા ૫૦૦ કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી
દહેગામ બસ સ્ટેશન ખાતેથી દરરોજ અંદાજીત ૧૦ હજાર કરતા વધુ નાગરિકો પોતાના કામ અર્થે આવન-જવાન કરે છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.4
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોની સલામત યાતાયાતની સૂવિધાઓ પુરી પાડી અદ્યતન પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. પ્રવર્તમાન યુગમા ટેકનોલોજીના માધ્યમથી એસ.ટી.ની સુવિધાઓ સહિત નવીન બસો દ્વારા મુસાફરોને પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે જેનો મહત્તમ ઉપયોગ નાગરિકો કરી રહ્યા છે.
આજે દહેગામ ખાતે રૂપિયા ૬ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા એસ.ટી. બસ સ્ટેશનનુ લોકર્પણ કરતા નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં એસ.ટી. બસની સુવિધા રાજયના મોટા ભાગના નાગરિકોના રોંજિદા જીવનમા ઉપયોગ કરી રહ્યા છે. દહેગામ બસ સ્ટેશન ખાતેથી દરરોજ અંદાજીત ૧૦ હજાર કરતા વધુ નાગરિકો પોતાના કામ અર્થે અવર જવર કરે છે.
આજરોજ રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયના વિવિધ જિલ્લામાં રૂપિયા ૨,૮૧૯ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા ૯ બસ સ્ટેશન- વર્કશોપનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ રૂપિયા ૪૩૭૨ લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર અધતન સુવિધાવાળા ૫ બસ સ્ટેશન – વર્ક શોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દહેગામ ખાતે નિર્માણ પામેલા બસ સ્ટેશનનુ લોકાર્પણ રાજયના નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ધંધા- રોજગાર, સામાજિક અને અન્ય પ્રસંગોમાં એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે આજે રાજયના મોટા ભાગના નાગરિકો એસ.ટી. બસ સુવિધાનો લાભ લે છે. રાજયમાં નિયમિત ૨૫ લાખ જેટલા લોકો બસ પરિવહનની સુવિધાનો ઉપયોગ કરે છે. આટલી મોટી સંખ્યામાં રાજયના નાગરિકો બસ સુવિધાનો ઉપયોગ કરતા હોવાથી તેમને ઉત્તમ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અધતન સુવિધા સજ્જ બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં રાજયના તમામ તાલુકાના બસ સ્ટેશનો સુવિધા જનક બનાવવાનું આયોજન રાજય સરકારે કર્યું છે.
દહેગામ ખેતીવાડી, ઉધોગ ધંધા સાથે સાથે રાજયમાં કોલ્ડ સ્ટોરજ માટે ગુજરાતમાં પ્રખ્યાત છે, તેવું જણાવી નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજયમાં આજે સહરદીય વિસ્તાર સહિત ઓછી વસ્તી ધરાવતા ગામોમાં પણ એસ.ટી. બસ સેવાનો લાભ મળી રહ્યો છે. તે ઉપરાંત વિધાર્થી, દિવ્યાંગો અને સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર મિત્રો, માજી ધારાસભ્યો, સંસદ સભ્યો અને કેન્સર પીડિત વ્યક્તિઓને રાહતદરે અથવા નિ: શુલ્ક મુસાફરીનો લાભ આપવામાં આવી રહ્યો છે.
એસ.ટી. બસ સ્ટેશનમાં સ્વછતા રાખવાની વાત પર ભાર મુકીને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર અને દહેગામ તાલુકામાં દૈનિક સંચાલિત થતી એરાઇવલ અને ડર્પાચર ટ્રીપો કુલ – ૭૨૫ છે. તેમજ બસ ટર્મિનલ પરથી દૈનિક ૨૬,૨૩૨ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે. તેમજ ૫૧૩ ટ્રીપો અને ૬૭ શીડયુલ છે. માસિક ૧૯૩૩ વિધાર્થીઓ અને ૨૧૯૮ મુસાફરોને પાસની સુવિધા આપવામાં આવી રહી છે. દહેગામ ખાતે નિર્માણ કરવામાં આવેલા બસ સ્ટેશનમાં અધતન સુવિધા વાળા મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, સ્ટુડન્ટ પાસ – ટીકીટ રૂમ, એ.ટી.એસ.- એ.ટી.આઇ રૂમ, કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, લેડીઝ રેસ્ટ રૂમ ( શૌચાલય સહિત), શૌચાલય, વિકલાંગ વ્યક્તીઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમપ્ની સુવિધા સહિત, રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયની વિકાસ યાત્રાનો આરંભ કર્યો હતો, તેને અવરિત ચાલુ રાખવામાં આવ્યો છે, તેવું કહી જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને હું વાહન વ્યવહાર મંત્રી હતા, તે સમયે નવીન બસો સ્ટેશન બનાવવા અને અધતન સુવિધાઓ આપવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ લોકડાઉનના સમયમાં સદતર બસોનું પરિવહન બંધ હતું. તેમજ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી રાજય સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા ૫૦૦ કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે.
આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના મહિલા પ્રમુખ શ્રીમતી પિનાબેન શાહ, દહેગામ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી સુમેરૂ અમીન, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી એસ.એમ.ભોરણિયા સહિત એસ.ટી. નિગમના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.