સરદાર પટેલ ઇન્સ્ટી.ના સત્તાધીશો અને વસ્ત્રાપુર પોલીસ દ્વારા એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદે અને અમાનવીય કૃત્ય આચરાયુ હોવાના ફરિયાદી પૂર્વ વોચમેન દિનેશભાઇ દેસાઇના ગંભીર આક્ષેપો
લેબર કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પૂર્વ વોચમેનની નોકરી અને કવાર્ટસનો વિવાદ પેન્ડીંગ હોવાછતાં બળપ્રયોગ કરી કવાર્ટસ ખાલી કરાવાતાં ગંભીર વિવાદ
પૂર્વ વોચમેન દ્વારા વસ્ત્રાપુર પીઆઇ, સરદાર પટેલ ઇન્સ્ટી.ના સત્તાધીશો સહિતના લોકો વિરૂધ્ધ પોલીસ કમિશનર સહિતના સત્તાધીશો સમક્ષ ફરિયાદ કરાઇ
અમદાવાદ, તા.15
શહેરના થલતેજ વિસ્તારમાં સાંઇબાબાના મંદિર સામે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ રિસર્ચ સંસ્થાના પૂર્વ વોચમેન દિનેશભાઇ વાસીભાઇ દેસાઇની નોકરી અને કવાર્ટસ ખાલી કરાવવાના મામલા અમદાવાદ લેબર કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ હોવાછતાં સરદાર પટેલ ઇન્સ્ટીટયુટના સત્તાધીશોએ વસ્ત્રાપુર પોલીસની મદદથી ભારે બળપ્રયોગ કરી અમાનવીય વર્તન સાથે કવાર્ટસ ખાલી કરાવી ગરીબ પરિવારને આ કોરોના કાળમાં ઘરવિહોણો કરી રસ્તા પર લાવી દેતાં સમગ્ર મામલો ગરમાયો છે. વસ્ત્રાપુર પોલીસે સ્ટાફના માણસો સાથે પૂર્વ વોચમેનની ગેરહાજરીમાં તેની પત્ની, પુત્રી અને સગીર પુત્રને ઘરમાંથી બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢી ઘરનો માલસામાન, દર દાગીના, અગત્યના કાગળો-દસ્તાવેજો ફેંકી દઇ વોચમેનની પત્ની, પુત્રી અને સગીર પુત્રને પોલીસમથકે લઇ ધાકધમકી આપી, સગીર પુત્રને પુખ્ત નહી હોવાછતાં લોકઅપ કસ્ટડીમાં રાખી ફરીથી કવાર્ટસમાં પગ નહી મૂકવા ધાકધમકી આપી માર મારી કાયદો હાથમાં લેતાં આખરે ફરિયાદી પૂર્વ વોચમેન દિનેશભાઇ વાસીભાઇ દેસાઇ દ્વારા સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ સંસ્થાના એમડી નીતાબહેન મહેતા, પ્રદીપભાઇ લાયબ્રેરી, કલાર્ક અશોકભાઇ રાઠોડ, મનોજ અશોકભાઇ રાઠોડ અને વસ્ત્રાપુર પીઆઇ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસમથક, શહેર પોલીસ કમિશનર, ડીસીપી ઝોન-1 સહિતના સત્તાધીશોને અરજી આપી ફરિયાદ કરી છે. જો કે, વસ્ત્રાપુર પોલીસે હજુ સુધી આ સમગ્ર મામલે કાયદેસર ફરિયાદ દાખલ નહી કરતાં ગરીબ વોચમેન દિનેશભાઇ દેસાઇએ હવે આ સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
વસ્ત્રાપુર પોલીસ અને સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ સંસ્થાના સત્તાધીશોના મેળાપીપણામાં આ ગેરકાયદે કૃત્ય આચરાયુ હોવા અંગે ગંભીર આક્ષેપ કરતાં ફરિયાદી પૂર્વ વોચમેન દિનેશભાઇ દેસાઇએ પોતાની અરજી-ફરિયાદમાં જણાવ્યું છે કે, સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ રિસર્ચ સંસ્થા, થલતેજ ખાતે સને 2015માં અરજદાર ફરિયાદી દિનેશભાઇ દેસાઇની વોચમેન તરીકે ઇન્ટરવ્યુ બાદ પસંદગી કરવામાં આવી હતી અને તેઓને કવાર્ટસ નંબર-4 ફાળવવામાં આવ્યું હતું. જો કે, ત્યારબાદ ગત તા.14-3-2017ના રોજ અરજદાર ફરિયાદને કોઇપણ વાંક ગુના વગર નોકરીમાં છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેને લઇ તેમણે ઔદ્યોગિક વિવાદ ધારો-1947ની કલમ-2 હેઠળ નોકરીમાં પુનઃસ્થાપિત કરવા અંગે અમદાવાદ લેબર કોર્ટ સમક્ષ રેફરન્સ પણ દાખલ કર્યો હતો, જે હાલ પેન્ડીંગ છે.
બીજીબાજુ, સંસ્થાના સત્તાધીશો દ્વારા અરજદાર ફરિયાદીને વારંવાર હેરાન પરેશાન કરી વસ્ત્રાપુર પોલીસના મેળાપીપણામાં કવાર્ટસ ખાલી કરાવવા બાબતે ધાકધમકી અપાતા અરજદાર તરફથી ગુજરાત હાઇકોર્ટમાં લેટર્સ પેટન્ટ અપીલ પણ દાખલ કરવામાં આવેલી છે, જેમાં સ્ટેની કાર્યવાહી કોરોના કાળને લઇ હાલ પેન્ડીંગ છે, તે દરમ્યાન જ વસ્ત્રાપુર પોલીસે તા.11-6-2021ના રોજ બપોરે દોઢથી બે વાગ્યાના સુમારે સ્ટાફના માણસો સાથે બિલકુલ અમાનવીય, અણછાજતુ અને બળપ્રયોગપૂર્વકનું વર્તન કરી અરજદારના નિવાસસ્થાનમાં હલ્લાબોલ મચાવ્યું હતું અને અરજદાર ફરિયાદી ઘેર હાજર નહી હોવાછતાં તેમની પત્ની, એક પુત્રી અને 17 વર્ષના સગીર પુત્રને ઘરમાંથી બળજબરીપૂર્વક કાઢી મૂકયા હતા. એટલું જ નહી, ઘરમાંથી દર દાગીના, રોકડ રૂપિયા અને બાળકોના અભ્યાસના સર્ટિફિકેટ સહિતનો ઘરવખરી અને માલસામાન બહાર ફેંકી દીધ હતો. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ અરજદાર ફરિયાદીની પત્ની અને તેમના પુત્ર અને પુત્રીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને ત્યાં ફરિયાદીનો પુત્ર પુખ્ત નહી હોવાછતાં તેને લોકઅપ કસ્ટડીમાં રાખ્યો હતો અને તેને માર મારી ફરીથી કવાર્ટસમાં નહી આવવા ધાકધમકી આપી હતી. ફરિયાદીએ વસ્ત્રાપુર પોલીસના સ્ટાફના માણસો અને 323, 427,452,506(2), 114 અને 120(બી) હેઠળ જરૂરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે. ફરિયાદી દિનેશભાઇ વાસીભાઇ દેસાઇ તરફથી આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર, ડીસીપી ઝોન-1, એસીપી, ડ્રાઇવઇન રોડ સહિતના સંબંધિત સત્તાધીશોને પણ રજૂઆત કરી ન્યાય માટે ઉગ્ર માંગણી કરી છે. કોરોના કાળમાં એક ગરીબ પૂર્વ વોચમેનને નોકરી અને રોજગારી નથી ત્યારે તેવા સંજોગોમાં ઘરવિહોણો કરી રસ્તો રઝળતો કરી નાંખતાં સમગ્ર મામલો ગરમાયો છે.
દરમ્યાન ગરીબ પૂર્વ વોચમેન દિનેશભાઇ દેસાઇએ પોતાની અને પોતાના પરિવાર પર વસ્ત્રાપુર પોલીસ દ્વારા કરાયેલા અત્યાચાર મુદ્દે વ્યથા ઠાલવતાં જણાવ્યું કે, મારી પુત્રીની હમણાં જ સગાઇ થઇ છે અને તેના લગ્ન માટે રૂપિયા ભેગા કર્યા હતા અને દરદાગીના કરાવડાવ્યા હતા. હવે આ બધુ અત્યારે પોલીસે તેના કબ્જામાં લીધુ છે કે કયાં છે તેની મને કોઇ જાણકારી નથી અને વસ્ત્રાપુર પોલીસ તે અંગે કંઇ અમને કહેતી પણ નથી. વસ્ત્રાપુર પોલીસે સ્ટાફના માણસો સાથે તેમની ઘરવખરી અને કિંમતી માલસામાન અને મુદ્દામાલ ઘરની બહાર ફેંકી દીધો હતો, તેથી અમારા માથે તો હાલ આભ તૂટી પડયુ છે, અત્યારે તો ઉપર આભ અને નીચે ધરતી છે અને આવા કોરોનાના કપરા કાળમાં ઘરવિહોણાં કરી પોલીસે કાયદો હાથમાં લઇ અમને સમગ્ર પરિવારને રસ્તે રઝળતા કરી મૂકયા છે.