ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વડોદરામાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના કોંગી નેતાઓની અટકાયત – કોંગ્રેસે સરકારના ઇશારે પોલીસની દમનકારી નીતિને વખોડી
માત્ર છેલ્લા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલના ભાવોમાં 43 વખત અસહનીય ભાવવધારો ઝીંકયો – કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે પેટ્રોલ ડિઝલના ભાવવધારાને પાછો ખેંચવા ઉગ્ર માંગણી
અમદાવાદ,તા.11
છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. બીજી તરફ મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાને લઈને ઘણા લોકોને બેરોજગાર થવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડિઝલમાં કમરતોડ અસહનીય ભાવવધારાને લઇ લોકોની કફોડી અને દયનીય હાલતને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના દેખાવો અને વિરોધ પ્રદર્શનને લઇ વાતાવરણ ગરમાયું હતું. રાજયભરમાંથી કોંગ્રેસના વિરોધ કાર્યક્રમો દરમ્યાન આશરે 100 થી વધુ કોંગી નેતાઓ, આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ સરકારના ઇશારે પોલીસ દમનકારી નીતિને વખોડી કાઢી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.
ગાંધીનગર ખાતે સેકટર-6 પાસે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારાના કેન્દ્ર સરકારના પગલાને સખત શબ્દોમાં વખોડી જોરદાર સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક ધોરણે પેટ્રોલ ડિઝલના ભાવોમાં ઘટાડો કરવા અને સામાન્ય માણસની આર્થિક સંકડામણ અને તકલીફને લઇ આ ભાવો નિયંત્રિત રાખવા ઉગ્ર માંગણી કરી હતી. જો કે, વિરોધ પ્રદર્શનનું ઉગ્ર સ્વરૂપ જોતાં સ્થાનિક પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ, આગેવાનો અને કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
બીજીબાજુ, વડોદરા ખાતે પણ કોંગ્રેસ દ્વારા યોજાયેલા દેખાવો દરમ્યાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ જોડાયા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યા હતા, જે દરમ્યાન પોલીસે ભરતસિંહ સહિતના આગેવાનો અને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. અમદાવાદમાં પણ વિધાનસભામાં વિરોધપક્ષના દંડક શૈલેષ પરમારની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજાયા હતા. સાથે સાથે અમદાવાદમાં સીજી રોડ ખાતે પણ કોંગ્રેસના યુવા નેતા નીરવ સુરેન્દ્ર બક્ષી સહિતના યુવા કાર્યકરોએ એકત્ર થઇ પ્લે કાર્ડ અને વિરોધ સૂત્રો દર્શાવી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઝીંકાઇ રહેલા અસહ્ય ભાવવધારાને વખોડી કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પેટ્રોલ ડિઝલના ભાવવધારાને પાછો ખેંચવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. દરમ્યાન ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કહેર અને ભયંકર આર્થિક બેરોજગારી અને નુકસાન વચ્ચે પણ કેન્દ્ર સરકાર નિર્દયી રીતે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહનીય ભાવ વધારો ઝીંકી રહી છે. અબ કી બાર પેટ્રોલ 100 કે પાર ના સૂત્ર સાથે છેલ્લા ત્રણ મહિનામાં કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ ડિઝલના ભાવોમાં અનુક્રમે રૂ.25.72, રૂ.23.93 પ્રતિ લિટર ધરમખ વધારો કર્યો છે. માત્ર છેલ્લા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલના ભાવોમાં 43 વખત અસહનીય ભાવવધારો ઝીંકયો છે. આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય માણસની પીડા અને વેદનામાં સહભાગી બની રાજયવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સી જી રોડ ખાતે પ્લેકાર્ડ દર્શાવી કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસદ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા 7 વર્ષમાં ભાજપની સરકારે પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટીમાં 258 ટકાનો અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 825 ટકાનો વધારો કર્યો છે.
પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી સરકારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકોની કમર તોડી નાંખી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે જીવન જરૂરીયાતની વસ્તુઓ મોંઘી બની છે. દેશના લોકો કમરતોડ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે માંગ કરી છે કે પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડયૂટી ઘટાડી ભાવ ધટાડો કરવામાં આવે તથા પેટ્રોલ ડિઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે. તો બીજી તરફ પોલીસે અધિકૃત મંજુરી વિના આ વિરોધ કાર્યક્મ અને દેખાવો યોજાયા હોઇ કોંગી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરાઇ હોવાનો બચાવ રજૂ કર્યો હતો.
![Poojan Studio](https://www.bharatmirror.in/wp-content/themes/goodnews5/images/poojan_studio.jpeg)