મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયભરની આંગણવાડીઓના 14 લાખ જેટલા બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો
રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી મળશે આગવી ઓળખ
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીનો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો – ભૂલકાંઓ માટે સંવેદનાસ્પર્શી નવતર અભિગમ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.29
રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. આજના સુંદર પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયભરની આંગણવાડીઓના 14 લાખ જેટલા બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને અનોખુ પ્રોત્સાહન પુરૂં પાડયુ હતુ. આ સાથે જ રાજ્ય ભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરનારૂ એક માત્ર ગુજરાત રાજય બની ગયુ છે. રાજ્યની કુલ 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી હવે મળશે આગવી ઓળખ..આજે બાળકો અને તેમના વાલીઓમાં પણ સરકારની આ અનોખી પહેલને લઇ ભારે ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી.
કોરોનાકાળ દરમ્યાન રાજ્યના ૩ થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની ગુજરાતની પહેલ પણ ગુજરાતે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કરી છે.
કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણપત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે મહિલા બાળ વિકાસ કમિશનર કે કે નિરાલા તેમજ આઇ સી ડી એસ નિયામકશ્રી મોદી ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા મથકો-મહાનગરોમાં પદાધિકારીઓશ્રી યુનિફોર્મ વિતરણના વર્ચ્યુલ કાર્યક્રમમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ભૂલકાઓ ને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે યુનિફોર્મ વિતરણ કરવા સાથે આગવી સંવેદના દર્શાવતા આ બાળકોને પોતાના તરફથી ભેટ અર્પણ કરી હતી.