શનિદેવના વિશેષ હોમ-હવનમાં શ્રધ્ધાળુ ભકતો દ્વારા 23 હજારથી વધુ આહુતિ અર્પણ કરાઇ –સવારે 8-00 વાગ્યાથી રાત્રે 11-00 વાગ્યા સુધી શ્રી ગણેશ પૂજા, શ્રી શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શ્રી શનિકથા સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયુ
બપોરે 12-00 વાગ્યે શ્રી શનિદેવની મહાઆરતી ઉતારવામાં આવી – ત્યારબાદ 11 કિલોના લાડુનો મહાભોગ શ્રી શનિ મહારાજને ધરાવવામાં આવ્યો
ગુજરાત સહિત દેશભરમાંથી તેમજ વિશ્વભરમાંથી કોરોના મહામારી જડમૂળથી ખતમ થઇ જાય તેવી ખાસ પ્રાર્થના શ્રી શનિદેવને કરવામાં આવી – મંદિરના પૂજારી શ્રી રવિ મહારાજ
આજે તા.10મી જૂને અમાવસ્યાના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, તો, સાથે સાથે વડસાવિત્રીનું વ્રત અને શનિ જન્મજયંતિનો અનોખો સંયોગ સર્જાયો
અમદાવાદ, તા.10
શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શનિદેવ મંદિર ખાતે આજે વિક્રમ સંવત. 2077 વૈશાખ વદ અમાસ તા.10મી જૂન ગુરૂવારના રોજ શ્રી શનિદેવ જન્મજયંતિની ભારે શ્રધ્ધા અને ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌથી નોંધનીય વાત એ છે કે, આજે સવારે 8-00 વાગ્યાથી રાત્રે 11-00 વાગ્યા સુધી શનિદેવનો વિશેષ હોમ-હવન અને યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં શનિભકતો અને શ્રધ્ધાળુઓ દ્વારા 23 હજારથી વધુ આહુતિ શનિ મહારાજને અર્પણ કરવામાં આવી હતી અને ગુજરાત સહિત દેશભરમાંથી તેમજ વિશ્વભરમાંથી કોરોના મહામારી જડમૂળથી ખતમ થઇ જાય તેવી ખાસ પ્રાર્થના શનિદેવને કરવામાં આવી હતી. સાથે સાથે આજે પ્રાચીન શનિદેવ મંદિર ખાતે બપોરે 12-00 વાગ્યે શનિદેવની મહાઆરતી ઉતારવામાં આવી હતી તો, શનિ મહારાજનો તેલનો વિશેષ અભિષેક પણ આજના પ્રસંગે કરવામાં આવ્યો હતો. બીજીબાજુ, આજે પ્રાચીન અને અતિ ચમત્કારિક શનિદેવ મંદિરમાં સૂર્ય પુત્ર શ્રી શનિદેવ જન્મજયંતિ ઉત્સવનું આયોજન હોઇ મંદિર સત્તાધીશો તરફથી દર્શનાર્થે અને હોમ-હવનમાં જાહેરઆહુતિ માટે આવનાર તમામ શ્રધ્ધાળુ ભકતો માટે માસ્ક, સેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની સરકારી તંત્રની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું હતું અને મંદિર વહીવટકર્તાઓ દ્વારા પણ આ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
બીજીબાજુ, આજે તા.10મી જૂને અમાવસ્યા તિથિના રોજ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે, જે કુલ પાંચ કલાકનું રહેશે અને ભારતીય સમયાનુસાર, બપોરે 1-42 મિનિટથી શરૂ થઇ સાંજે 6-41 મિનિટ પર સમાપ્ત થશે. તો, આજે વટસાવિત્રીનું વ્રત પણ છે, સુહાગણ સ્ત્રીઓ-મહિલાઓ પોતાના પતિ અને સંતાનોની લાંબી આયુ માટે આ વ્રત કરી ધન્યતા અનુભવે છે. આ વ્રત નિમિતે વડના વૃક્ષની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. આમ, આજે તા.10મી જૂને અમાવસ્યાના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, તો, સાથે સાથે વડસાવિત્રીનું વ્રત, શનિ અમાવસ્યા અને શનિ જન્મજયંતિનો અનોખો સંયોગ સર્જાયો છે.
આ અંગે પ્રાચીન શનિદેવ મંદિરના પૂજારી શ્રી રવિ મહારાજે જણાવ્યું હતું કે, આજે તા.10મી જૂન ગુરૂવારના દિવસે અમાવસ્યા આવી છે અને શનિદેવનો જન્મ અમાવસના દિવસે જ થયો હોવાથી આજની શનિ અમાવસ્યાનું વિશેષ અને અનેરૂ મહાત્મ્ય વધી જાય છે. કોરોના મહામારીના કારણે માનવજાત ભારે હેરાન-પરેશાન અને ત્રાહિમામ્ પોકારી ગઇ છે ત્યારે માનવજાતની સુરક્ષા અને જગતના કલ્યાણ માટે આજે શનિ અમાવસ્યાના પવિત્ર દિને માનવજાતના કલ્યાણ અને સુરક્ષા માટે શનિદેવને વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. આ માટે આજે શનિમહારાજની વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવી છે. આજે વહેલી સવારે 8-00 વાગ્યાથી શનિમંદિરના પ્રાંગણમાં શ્રધ્ધાળુ ભકતો દ્વારા શનિદેવના વિશેષ હોમ-હવનમાં જાહેરઆહુતિ અર્પી શકાય તે માટેનું ખાસ આયોજન કરાયું છે. સાથે સાથે સવારે 8-00 વાગ્યાથી રાત્રે 11-00 વાગ્યા સુધી શ્રી ગણેશ પૂજા, શ્રી શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શ્રી શનિકથા સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. જો કે, કોરોના મહામારીને લઇ સુરક્ષાના ભાગરૂપે તમામ શ્રધ્ધાળુઓએ માસ્ક, સેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની સરકારી તંત્રની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવાઇ રહ્યું છે. આજે બપોરે 12-00 વાગ્યે શનિદેવની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 11 કિલોના લાડુનો મહાભોગ શ્રી શનિ મહારાજને ધરાવવામાં આવ્યો હતો. આજે શનિ અમાવસ્યાના પવિત્ર દિનને લઇ દર્શનાર્થે આવનાર તમામ શ્રધ્ધાળુ ભકતો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા મંદિર સત્તાધીશો તરફથી કરવામાં આવી છે.
શનિદેવ મંદિરના પૂજારી શ્રી રવિ મહારાજે વધુમાં ઉમેર્યું કે, કોરોના મહામારીને જોતાં આજે બહારથી લાવેલ કોઇપણ પ્રકારનો પ્રસાદ કે તેલ મંદિરમાં સ્વીકારવામાં આવ્યા નથી. શનિમંદિરના સ્વ.મહંત શ્રી શિવપ્રસાદ ડી. ભાર્ગવ અને લાલચંદજી ડી.ભાર્ગવની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિ જન્મજયંતિની ઉજવણી ભારે ભકિતભાવ સાથે અને પરંપરાગત રીતે કરવામાં આવી છે. આજે શનિ જન્મજયંતિને લઇ હજારો શ્રધ્ધાળુ ભકતો દૂધેશ્વર ખાતેના પ્રાચીન શનિમંદિર ખાતે ઉમટનાર હોઇ મંદિર સત્તાધીશો અને વહીવટકર્તાઓ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શનિ અમાવસ્યાના પવિત્ર દિને દાન-પૂજાનું અનેરૂ મહાત્મ્ય હોઇ શ્રધ્ધાળુ ભકતોએ તેનો પૂરેપૂરો લાભ લીધો હતો એમ પણ મંદિરના પૂજારી શ્રી રવિ મહારાજે ઉમેર્યું હતું.
બોક્ષ – વિંઝોલ પાસે વટવા જીઆઇડીસીના સંકટમોચક શ્રી હનુમાનજી મંદિર ખાતે પણ શનિ જન્મજયંતિની ઉજવણી કરાઇ
વિંઝોલ પાસે વટવા જીઆઇડીસીના સંકટમોચક શ્રી હનુમાનજી મંદિર ખાતે પણ આજે શનિ જન્મજયંતિની ભારે શ્રધ્ધા અને ભકિત સાથે ઉજવણી કરાઇ હતી. શનિ જન્મજયંતિ નિમિતે ભુદેવોએ શાસ્ત્રોક્ત વિધી વિધાન દ્દારા ન્યાયના અધિષ્ઠાતા દેવ શનિદેવની વિવિધ રૂપે પુજા પાઠ કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે શનિયજ્ઞમાં આહુતિ અપઁણ કરી હતી, આ પ્રસંગે વટવાના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલ સાથે વર્તમાન કોર્પોરેટર મૌલિક પટેલ હાજર રહીને યજ્ઞમાં ભાગ લીધો હતો.
શનિ જન્મજયંતિ નિમિતે કોરોના મહામારીનું શમન થાય તે માટે ભક્તોએ મર્યાદિત સંખ્યામા ભાગ લઈ ને SOP નું પાલન કરીને યજ્ઞમાં ભાગ લઈને શ્રી સંકટમોચક હનુમાનજી મહારાજને અને શ્રી શનિદેવને વિશ્વભરમાંથી કોરોનારૂપી દૈત્યનો નાશ થાય તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આજે શનિ જન્મજયંતિ નિમિતે શ્રી સંકટમોચક હનુમાનજી મંદિર દ્વારા બાળકોને આઇસ્ક્રીમના પ્રસાદનું ખાસ પ્રકારે વિતરણ કરવામાં આવ્યું હતું.