સીબીએસઇની ધો-12ની પરીક્ષા રદ કરાયા બાદ ગુજરાત સરકારનો બહુ મોટો અને મહત્વનો નિર્ણય
ધોરણ-12ની પરીક્ષા રદ કરવા અંગે રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ
કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં પ્રધાનમંત્રીશ્રીએ ધોરણ-૧રની CBSE બોર્ડ પરીક્ષા રદ કરવા લીધેલા નિર્ણયનું સમર્થન કરતા ગુજરાત સરકારનો નિર્ણય
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો ધોરણ-૧રની પરીક્ષા રાજ્યમાં આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.2
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનારી ધોરણ-૧રની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે આખરે રાજય સરકાર દ્વારા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઇકાલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના કાળમાં વિદ્યાર્થીઓના આરોગ્યને પ્રાથમિકતા આપી આવા કપરા સમયમાં સીબીએસઇની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો, જેને પગલે આજે ગુજરાત સરકારે પણ તેને સમર્થન જાહેર કરી ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા પણ રદ કરવાનો પણ બહુ મોટો અને મહત્વનો નિર્ણય લીધો હતો.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરતાં અને તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ધોરણ-૧ર CBSE પરીક્ષાઓ આ વર્ષે નહિં યોજવાની ગઇકાલ મંગળવારે જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે પ્રધાનમંત્રીશ્રીના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧ર ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો નિર્ણય કર્યો છે એમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઇડ લાઇન્સ – માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે.
શિક્ષણ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આગામી તા.૭ મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ તાજેતરમાં જ બોર્ડ દ્વારા જાહેર કરાયો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઇ છે. ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરાતા હવે ટુંક સમયમાં માસ પ્રમોસશની પ્રક્રિયા કઇ રીતે હાથ ધરવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવશે. જો કે, રાજય સરકારના આ નિર્ણયને પગલે ધોરણ-12ના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત થઇ છે અને તેમના માથેથી બોર્ડની પરીક્ષાની ચિંતા ટળી છે., જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ રાહતની લાગણી પ્રસરી છે.