ગુજરાતમાં આવનારી વિભાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે પ્રજાનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી ભાજપ સરકારનું આયોજન
ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઇ
કોરોનાની સંભવિત ત્રીજી લહેર સંદર્ભે નાગરિકોને સુરક્ષિત કરવા રાજય સરકારે ઘડેલ એકશન પ્લાનની માહિતી ધારાસભ્યશ્રીઓને પુરી પડાઇ
ગુજરાત ભાજપ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે જે અંતર્ગત એક આગવી એપ્લિકેશન આગામી સમયમાં લોન્ચ કરાશે : શ્રી સી.આર. પાટીલ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.16
સંસદીય બાબતો અને ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં વર્ષ-૨૦૨૨માં આવનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓના લાભો પ્રજા સુધી પંહોચાડવા ભાજપા સરકારે માઇક્રોમેનેજમેન્ટ થકી લોકોનો વિશ્વાસ ઉજાગર કરવા નક્કર આયોજન ઘડીને પ્રજાનો વિશ્વાસ વધુને વધુ સંપાદન થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મંગળવાર તા.૧૫મી જૂન-૨૦૨૧ના રોજ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી. પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, પ્રભારી શ્રી ભુપેન્દ્રજી યાદવ તથા નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તેમજ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિધાનસભા ખાતે શાસક પક્ષના ખંડમાં મળી હતી.
આ બેઠકમાં તાજેતરમાં રાજયમાં જેનાથી તારાજી સર્જાયેલ અને ખૂબ મોટા પ્રમાણમાં નૂકશાન થયું હતું તે તાઉ-તે વાવાઝોડા અંગે થયેલ કામગીરી તેમજ રાજય સરકારે અસરગ્રસ્ત લોકો માટે કરેલ રાહત કાર્યો અંગે એક ડોકયુમેન્ટરી ફિલ્મ રજૂ કરાઇ હતી. રાજયમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા લોકો માટે જરૂરી હોસ્પિટલ, બેડની સુવિધા, ઓક્સિજન, ઇન્જેકશનો,દવાઓ, એમ્બયુલન્સ, ડોકટરર્સ તથા નર્સીગ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ, રેપીડ ટેસ્ટ, RTPCR ટેસ્ટ વગેરેની જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ બનતી ત્વરાએ ઉભી કરીને દર્દીઓને ઝડપી અને મહત્તમ સારવાર મળે તે માટે રાજય સરકાર તરફથી પુરતા પ્રયાસો કરીને કોરોનાને નાથવા સરકારે કામગીરી કરી તે અંગેનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યુ હતું.
કોરોનાની બીજી લહેર પરના અનુભવ પરથી સંભવિત ત્રીજી લહેર માટે જરૂરી આગોતરૂ આયોજન કરી રાજય સરકાર દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે તે અંગે પણ પ્રેઝેન્ટેશન દ્વારા ધારાસભ્યોશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને હાલની જે આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધ સુવિધાઓમાં બમણો વધારો કરવા રાજય સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજયના લોકોને કોરોના સંક્રમણની સામે રક્ષણ આપવા વેકશીનેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે. ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને વેકશીનના બે ડોઝ મળે તે અંગે ઝડપી પ્રક્રિયા હાથ ધરવાનું સરકારનું આયોજન છે. તે અંગેની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. વેકશીનેશન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોવીડ-૧૯ ની મહામારીની દેશમાં અને ગુજરાત રાજયમાં સને ૨૦૨૦થી અસર શરૂ થવા પામેલ. આ કોરોના મહામારીની અચાનક આવી પડેલ આપત્તિનો સામનો કરવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ અસરકારક તબક્કાવાર લીધેલ પગલાના કારણે પ્રથમ લહેરમાંથી લોકો બહાર આવી ગયા. આ દરમિયાન જે લોકો બેરોજગાર બન્યા તેમજ ધંધા-રોજગારમાં વિપરીત અસરો થઇ તે બધી જ પરિસ્થિતીમાં દેશ અને રાજયની પ્રજાના જીવન ધોરણને કોઇ મૂશ્કેલી ના પડે તે માટે ખાસ પેકેજ દ્વારા સહાયભૂત થવાના જે પ્રયત્નો થયા અને તેમાં રાજયની જનતા માટે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલના નિર્ણાયક માર્ગદર્શન હેઠળ “ કોરોના હારશે ગુજરાત જીતશે” ના મંત્રને મુર્તિમંત કરવાના દ્ઢ નિર્ધાર સાથે જે કામગીરી કરી અને ક્રમશઃ આજે કોરોના સંક્રમિત દર્દીઓમાં ખૂબ જ મોટો ઘટાડો થઇ રહ્યો છે આ કામગીરી કરવા બદલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રી ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ, રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલને ધન્યવાદ આપતો પ્રસ્તાવ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઇ પટેલે રજૂ કર્યો હતો. જેને ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહે સર્મથન કર્યુ હતું અને પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકાર કરી પસાર કરાયો હતો.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારીશ્રી ભૂપેન્દ્રજી યાદવે તાઉ-તે વાવાઝોડુ અને કોવીડ-૧૯ ની પરિસ્થિતીમાં રાજય સરકારે કરેલ અસરકારક કામગીરીને બિરદાવી હતી અને પાર્ટીનો વધુ વ્યાપ વધે તે માટે કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો જળવાઇ રહે તે માટે માર્ગદર્શન આપ્યુ હતું.
પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે ભારતીય જનતા પક્ષ પ્રત્યે લોકોમાં વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત થાય તેવા પ્રયાસો કરવા આહવાન કરતા જણાવ્યું હતુ કે, ગુજરાત ભાજપ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે આ માટે ભારતીય જનતા પક્ષ દ્વારા એક આગવી એપ્લિકેશન પણ આગામી સમયમાં લોન્ચ કરવામાં આવનાર છે. જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કાર્યક્રમો, આગેવાનો-કાર્યકર્તાઓના સંપર્ક નંબરો તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરાયેલા સેવાકીય કામો અને વિકાસ કામો સહિતની વિગતો એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરાવાશે.
તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા જે કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી સત્વરે પંહોચે તે માટે આપણે સૈાએ સક્રિય પ્રયાસો કરવા પડશે. તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને વિજય પ્રાપ્ત થયો છે. અને પ્રજાએ પાર્ટીમાં વિશ્વાસ મૂકયો છે તે અવિરત પણે ચાલુ રહે તે માટે ધારાસભ્યો પોત-પોતાના મત વિસ્તારમાં પેજ સમિતીઓના સંપર્કમાં રહે અને કાર્યકર્તાઓ સેતુરૂપ ભૂમિકા ભજવી લોકોમાં રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે સક્રિયતા બતાવવા ખાસ ભાર મૂકયો હતો. આગામી ૨૦૨૨માં આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી લોકોમાં ભાજપ પ્રત્યે વધુ ને વધુ વિશ્વાસ સંપાદન થાય તે માટે અવિરત પણે કાર્યોમાં જોડાવું અને વિસ્તારના વિકાસના કાર્યોમાં રસ લઇ લોકોને જરૂરીયાતની તમામ સુવિધાઓ સરકારની યોજનાઓ થકી લોકો સુધી પંહોચાડવા માર્ગદર્શન આપ્યુ હતું.
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાઉ-તે વાવાઝોડુ, કોરોનાની બીજી લહેર તેમજ સંભવિત ત્રીજી લહેર માટે રાજય સરકાર તરફથી પુરતા પગલા લેવામાં આવ્યા છે તેમ જણાવી ઉમેર્યુ કે, કોરોનાના કપરાકાળમાં પણ રાજયની વણથંભી વિકાસયાત્રાને આંચ આવવા દીધી નથી અને સરકારની પ્રજાલક્ષી કામગીરીથી જ લોકો વચ્ચે રહીને આપણે આપણી જવાબદારીઓ સુપેરે નિભાવવાની છે અને સરકારની યોજનાઓથી લોકોની ઉન્નતી થાય તે માટે કાર્ય કરવા તેમજ હાલની તાઉ-તે વાવઝોડાથી અસરગ્રસ્ત પામેલ લોકો અને ખેડૂતોને નુકશાનીનું યોગ્ય વળતર આપવા પેકેજ જાહેર કરેલ છે. ઉપરાંત તાઉ-તે વાવાઝોડાની પરિસ્થિતીનું હવાઇ નિરીક્ષણ કરીને વડાપ્રધાનશ્રીએ તાત્કાલીક રૂા.૧,૦૦૦ કરોડની જાહેર કરી હતી. જેનાથી રાહત સહાય વહેલામાં વહેલી તકે મળી રહે તેવું આયોજન રાજય સરકાર તરફથી કરવામાં આવેલ છે જે અંગે બેઠકમાં ધારાસભ્યશ્રીઓને માહિતગાર કરાયા હતા.