આ ગ્રુપમાં જે લેભાગુ પાર્ટી, તત્વો કે એજન્ટો હશે તેને બ્લેકલીસ્ટ કરી સાચી માહિતી કાપડના વેપારીઓને પૂરી પડાઇ રહી છે, અન્ય શહેર અને રાજયો પણ આ નવા કન્સેપ્ટને ફોલો અપ કરે તો વેપારીઆલમને બહુ મોટી રાહત થઇ શકે
વેપારીઓના પૈસા ડૂબે નહી કે કોઇ ચીટીંગ કરી જેન્યુઇન વેપારીને ડૂબાડી ના દે તે હેતુસર બહુ ઉમદા આશય સાથે સીમાટા દ્વારા નવતર અભિગમની અમલવારી
સીમાટા દ્વારા કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો, આ સિવાય મજૂર વર્ગને માસ્ક વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિ
અમદાવાદ,તા.12
શહેરના કાપડના વેપારીઓના હિત, વેપાર-ધંધા, આર્થિક વ્યવહાર અને અધિકારોની રક્ષા કાજે રચાયેલા સીમાટા(કલોથીંગ મેન્યુફેકચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરીટેબલ એસોસીએશન) દ્વારા કાપડના વેપારીઓના ફસાયેલા પૈસા કઢાવવા, રિકવરી કરવા સહિતની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે એક બહુ નવતર, કંઇક અલગ અને હકારાત્મક અભિગમ સાથે બ્રોડકાસ્ટીંગ ગ્રુપની રચના કરવામાં આવી છે. આ માટે સીમાટાના હોદ્દેદારો અને કમીટી મેમ્બર્સ પણ બહુ મહેનત કરી રહ્યા છે અને વેપારીઓના ફસાયેલા પૈસા પાછા અપાવવામાં અને તેની રિકવરી કરાવી આપવામાં પરિણામલક્ષી કામગીરી કરી રહ્યા છે, જેને લઇ અમદાવાદના કાપડના વેપારીઆલમમાં ભારે રાહત અને ખુશીની લાગણી પ્રસરી છે. આ ગ્રુપનો મુખ્ય ઉમદા આશય એ જ છે કે, જો કોઇ વેપારીએ કોઇ એજન્ટ કે માણસ મારફતે અહીંની, રાજયની કે રાજય બહારની કોઇપણ પાર્ટીને માલ આપ્યો હોય અને નિયત સમયમર્યાદામાં તેના પૈસાનું પેમેન્ટ ના થાય તો તે સીમાટાનો કોન્ટેક્ટ કરી એસોસીએશનના હોદ્દેદારોનું ધ્યાન દોરી શકે છે. સીમાટાના હોદ્દેદારો બ્રોડકાસ્ટીંગ ગ્રુપમાં પેમેન્ટ ચૂકવવામાં આવા ધાંધિયા કરનારી પાર્ટીઓ કે લેભાગુ તત્વો સામે લાલ આંખ કરી તેમને બ્લેકલીસ્ટ કરી તેની જાણકારી બ્રોડકાસ્ટીંગ ગ્રુપમાં મૂકી દે છે અને ભવિષ્યમાં આવી ચીટીંગ કરનારી પાર્ટીઓ સાથે કોઇપણ ધંધાકીય વ્યવહાર કે નાણાંકીય લેવડદેવડ નહી કરવા તાકીદ કરવામાં આવે છે.
સીમાટા(કલોથીંગ મેન્યુફેકચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરીટેબલ એસોસીએશન) આ નવતર અભિગમની અમલવારી સીમાટાના પ્રમુખ ગીરીશભાઇ કોઠારી, સેક્રેટરી દિપક વર્દાની, કમીટી મેમ્બર અંશુલ સોમાણી, ટ્રેઝરર શરદભાઇ જૈન સહિતના હોદ્દોદારો વેપારીઓ અને આવી પાર્ટીઓ કે એજન્ટો સાથે સેતુરૂપ બની સલામ મસલતથી અને બિલકુલ શાંતિપૂર્ણ વાતાવરણમાં ફસાયેલા પેમેન્ટની સમસ્યાનો સુખદ ઉકેલ લાવી રહ્યા છે., જેને લઇ વેપારીઆલમમાં ભારે રાહત અને ખુશીની લાગણી પ્રસરી છે. અમદાવાદના કાપડ માર્કેટની વાત કરીએ તો, સીમાટાના હોદ્દેદારો દ્વારા અત્યારસુધીમાં તેમના આ નવતર અભિગમની અમલવારીથી અત્યારસુધીમાં આશરે રૂ. સાત કરોડ જેટલી માતબર રકમની રિકવરી કરી વેપારીઓને બહુ મોટી રાહત અપાવી છે, જે ખરેખર નોંધનીય કહી શકાય. રાજયના અન્ય શહેરો અને અન્ય રાજયોએ પણ આ પ્રકારના અભિગમનું અનુસરણ કરવુ જોઇએ કે જેથી વેપારીઓને પેમેન્ટ રિકવરી સહિતના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવી શકે.
આ અંગે સીમાટાના પ્રમુખ ગીરીશભાઇ કોઠારી અને સેક્રેટરી દિપક વર્દાનીએ જણાવ્યું હતું કે, લગભગ ચારેક વર્ષ પહેલાં અમે આ એસોસીએશનની સ્થાપના કરી હતી, જેનો મુખ્ય આશય કાપડના વેપારીઓના માલ, પેમેન્ટ, તેમના આર્થિક વ્યવહારો, તેમના હિત અને અધિકારોની રક્ષા થઇ શકે. સાથે સાથે વેપારીઓ અને તેમના પરિવારજનોને એક યા બીજા પ્રકારે મદદ અને સહાયભૂત બનવાની દિશામાં પણ સક્રિય કામગીરી થઇ શકે. અત્યારે કાપડ માર્કેટના 450 થી વધુ વેપારીઓ અમારા એસોસીએશનના મેમ્બર્સ બન્યા છે, અને તે સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે, હજુ વધુ ને વધુ વેપારીઓ અમારી સાથે જોડાય અને તેઓ સીમાટાના છત્ર હેઠળ નિશ્ચિંત બની શકે. કાપડ માર્કેટના આશરે દસ હજારથી વધુ વેપારીઓ છે, તેમાં સૌથી વધુ લેડીઝ ગારમેન્ટવાળા છે. કાપડના વેપારીઓના મહેનત-પરસેવાના પૈસા જે ફસાયા છે, તેમાં અત્યારસુધીમાં આશરે રૂ.સાત કરોડ જેટલી માતબર રકમની રિકવર કરી શકાઇ છે અને આ પ્રયાસો સતત અને અસરકારક રીતે ચાલુ રખાયા છે.
દરમ્યાન સીમાટાના કમીટી મેમ્બર અંશુલ સોમાણી અને ટ્રેઝરર શરદભાઇ જૈને જણાવ્યું કે, વેપારીઓના આર્થિક વ્યવહારો અને તેમના ફસાયેલા પૈસા કઢાવી આપવાની જવાબદારીની સાથે સાથે સીમાટા તેની સામાજિક જવાબદારી અને નૈતિક ફરજ પણ નિભાવતું આવ્યું છે. ખાસ કરીને કોરોનાના કપરા સમયમાં સીમાટા તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ સિવાય કાપડના વેપાર-ધંધામાં સંકળાયેલા સેંકડો મજૂર વર્ગના માણસોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરી તેમને સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સરકારની કોવીડ ગાઇડલાઇન્સને લઇ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એટલું જ નહી, ફેટા-1, ફેટા-2 જેવા ફેશન ટ્રેડ ફેર યોજી માત્ર અમદાવાદના જ નહી પરંતુ રાજયભરના અને રાજય બહારના વેપારીઓને એક મંચ પર લાવી તેમને ધંધા-રોજગાર વિસ્તારવાનું અને વિકાસ કરવા માટેનું એક અનોખુ પ્લેટફોર્મ પૂરું પાડવાનો નવતર પ્રયાસ પણ શરૂ કરાયો છે. કોરોનાના કપરા કાળમાં જયારે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ હતા ત્યારે આ એક જ એસોસીએશન એવું છે કે, જેણે કાપડ બજારમાં કામ કરતાં મજૂરો સહિતના માણસોની રોજગારી છીનવાય નહી તેની ખાસ કાળજી લીધી છે. આમ, સીમાટા માનવીય અભિગમ સાથે તેની પ્રગતિના શિખરો સર કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે.
સીમાટાની કામગીરીની સરાહના કરતાં કાપડ માર્કેટના વેપારી અગ્રણી રમેશભાઇ ગીદવાણી અને પ્રિયંક ગીદવાણીએ જણાવ્યું કે, તેમણે અગાઉ સ્થાનિક એજન્ટ મારફતે બહારની એક પાર્ટીને માલ વેચ્યો હતો પરંતુ પેમેન્ટ સમયસર આવ્યું નહી. માલ લેનારી પાર્ટી કોરોના સહિતના બહાને પૈસા ચૂકવવામાં ધાંધિયા કરતી હતી અને ગલ્લાં તલ્લાં કરતી હતી. થોડા દિવસ બાદ તો પાર્ટીએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ. અમારા પૈસા ફસાતાં અમે આખરે સીમાટાના હોદ્દેદારોનો સંપર્ક કર્યો, જેઓએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઇ જે તે એજન્ટ અને સંબંધિત પાર્ટીને વાત કરી રમેશભાઇ ગીદવાણી અને પ્રિયંક ગીદવાણીના પૈસા ચૂકવી આપવા સમજાવટ કરી. જેના ભાગરૂપે માત્ર 24 કલાકમાં જ અમારૂં 20થી 25 ટકા પેમેન્ટ આવી ગયુ અને બાકીનું પેમેન્ટ પણ ટૂંક સમયમાં કરી દેવાની હૈયાધારણ આપવામાં આવી છે. સીમાટાનો આ નવતર અને હકારાત્મક અભિગમ વેપારીઆલમને બહુ મોટી રાહતરૂપ કહી શકાય. વેપારીઓએ પણ સીમાટા સાથે જોડાઇ મહત્તમ એકતાનો પરિચય કરાવવો જોઇએ.
કાપડ માર્કેટના વેપારી અગ્રણી રમેશભાઇ ગીદવાણીએ વધુમાં ઉમેર્યું કે, કાપડ માર્કેટમાં આવા બોગસ તત્વો, પાર્ટીઓ કે, એજન્ટોના કારણે ઘણીવાર જેન્યુઇન વેપારી ડૂબી જાય તેવી પરિસ્થિતિ બનતી હોય છે અને તેના કારણે આખરે તો કાપડ માર્કેટની છાપ અને પ્રતિષ્ઠા પર ધબ્બો લાગતો હોય છે ત્યારે સીમાટાએ આવા તત્વોને શોધી તેઓને બ્લેકલીસ્ટ કરી કાપડમાર્કેટને આવા તત્વોથી કાયમી સુરક્ષા કવચ પ્રાપ્ય બને તે દિશામાં પણ અસરકારક કામગીરી થાય તો, તે વધુ પ્રશંસનીય બની રહેશે.