વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત, નાયબ મુખ્યમંત્રીશ્રી, આદિજાતિ મંત્રીશ્રી અને આદિજાતિ રાજ્યના મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ
ગાંધીનગર, તા.23
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને “વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-૨”ને સર્વસ્પર્શી બનાવવા અને તેના ઝડપી અમલીકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, આદિજાતિ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા અને આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી રમણભાઇ પાટકર પણ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-૨ આગામી પાંચ વર્ષ માટે જાહેર કરી છે. આ યોજના હેઠળ મહત્તમ લોકોને લાભ મળે તે માટે આદિજાતિ વિસ્તારનો ટકાઉ વિકાસ થાય તે પ્રકારના કામો કરવા પડશે. આ વિસ્તારમાં તમામ લોકોને આવરી લેતી યોજનાઓ ઉપર વધુ ભાર મૂકવો પડશે જેથી આ વિસ્તારના લોકોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ બદલાવ લાવી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આદિજાતિના ૧૪ જિલ્લાના લોકોની વર્તમાન જરૂરિયાતને સમજી- જાણીને આ યોજનામાં સામેલ કરવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સૂચન કર્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, સચિવશ્રીઓ, નિયામકશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આદિજાતિ વિભાગના સચિવશ્રી ડૉ. મુરલીક્રિશ્નાએ આ પ્રસંગે વનબંધુ કલ્યાણ યોજના-૨નું વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.