એનડીઆરએફની ટીમોને બોટ, વૃક્ષ કાપવાના કટર સહિતના સાધનો અને અન્ય મેડિકલ સુવિધા સાથે સજ્જ થઇને તૈયાર રખાઇ
દક્ષિણ ગુજરાતમાં 4 તાલુકાને વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની દહેશત હોઇ NDRF અને સ્થાનિક તંત્ર હાઇએલર્ટ પર, અમદાવાદ-ગાંધીનગરમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.16
ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. ત્યારે હવે તૌકતે વાવાઝોડાએ પણ તેની અસરો વર્તાવવાનું શરૂ કરી દીધુ છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, સાપુતારા, નવસારી સહિતના અનેક પંથકોમાં આજે સામાન્યથી ભારે વરસાદ ખાબકયો હતો, વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. એટલે સુધી કે, અમદાવાદ-ગાંધીનગરમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ અને સ્થાનિક વાતાવરણમાં પલ્ટો નોંધાયો હતો. તૌકતે વાવાઝોડાના સંભવિત આગમન પહેલાં ગુજરાતના ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં તેની વધુ અસર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારાના વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત ચાર તાલુકા છે જેમાં, વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ. તમામ તાલુકાના 84 ગામોમાં વાવાઝોડાથી જાનમાલને નુકસાન ન થાય તેવી સ્થિતિ છે. જેને લઇ એનડીઆરએફની ટીમ વાવાઝોડાથી સંભવિત ગામોના લોકોને જો સ્થળાંતરિત કરવાના સંજોગો ઉપસ્થિત થાય તો તેમના માટે શેલ્ટર હોમમાં આશ્રયની જરૂરી આવશ્યક વ્યવસ્થા અંગે બધી રીતે તૈયારી રાખીને એલર્ટ પર છે.
સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવા સુધી અને જો કોઈ જગ્યાએ ઝાડ પડે કે નુકશાની થાય તો બચાવ કાર્ય માટે NDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરશે. તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને લઈને જિલ્લાના કોસ્ટલ વિસ્તારની NDRFની ટીમ મુલાકાત લેશે. એનડીઆરએફની ટીમોને બોટ, વૃક્ષ કાપવાના કટર સહિતના સાધનો અને અન્ય મેડિકલ સુવિધા સાથે સજ્જ થઇને તૈયાર રખાઇ છે.
તૌકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે ડાંગમાં ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને ચોમાસા જેવો માહોલ સર્જાવા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બીજીબાજુ, સ્થાનિક ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. તથા વલસાડ જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી. વલસાડના ધરમપુરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
હવામાન વિભાગની ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની ગંભીર અસરો વર્તાવવાનું શરૂ થાય તેવી આગાહી છે. આવતીકાલે તા.17 તારીખે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની વધુ નજીક આવશે. તા.18 મેના રોજ સવારે પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. જેથી તેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, અમરેલી, વેરાવળ, દીવ પર થશે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તૌકતે વાવાઝોડું હાલ 150 થી 160 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ કારણે દરિયા કાંઠે 2 નંબરનું સિગ્નલ એક્ટિવ કરવામાં આવ્યું છે. તમામ દરિયાકાંઠે 1.5 થી 3 મીટર ઊંચા મોજા ઉછળશે. આથી દરિયા કાંઠેથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
વાવાઝોડાની અસર અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ વત્તા ઓછા અંશે જોવા મળી શકે છે. ગુજરાત રાજ્ય ઉપર તૌકતે નામનું વવાઝોડું ત્રાટકવાની જે આગાહી કરાઇ છે, તેમાં ગુજરાતના દક્ષિણ ભાગને પણ મોટાપાયે અસર થશે. આ શક્યતાને લઈને વલસાડ જિલ્લામાં વડોદરાની એક NDRF ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનો દરિયા કિનારે વધારે અસર થઈ શકે તેમ હોવાની શક્યતાને લઈને વલસાડની NDRF ની ટીમ ઉમરગામના કોસ્ટલ વિસ્તાર અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારની NDRF ની ટીમ મુલાકાત લઇ જ્યાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા માટે શેલ્ટર હોમ, કોવિડ દર્દીઓ માટે રાખવામાં આવેલી અલાયદી સુવિધા સહિતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર, જિલ્લા કલેકટર તંત્ર અને રાજય સરકારના વિભાગો સાથે સંકલનમાં રહીને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સરકારના લેવલેથી જરૂરી સૂચનાઓ અને દિશાનિર્દેશ પણ જારી કરવામાં આવી રહ્યા છે. ટૂંકમા, તૌકતે વાવાઝોડાને લઇ સરકાર અને સમગ્ર તંત્ર હાલ તો હાઇએલર્ટ મોડ પર છે.